ધ્યાન આપવું એ એક મોટામાં મોટું અને ખુબ જ લાભદાયી લક્ષણ છે. ધ્યાન આપવું અને સાવચેતી રાખવી આ બે વચ્ચે ખુબ જ પાતળો પણ મહત્વનો તફાવત રહેલો છે. સાવચેતીમાં તમારે એક જાગરૂકતાની ભાવના જાળવવાની છે, કે તમે તમારા વિચારો અને કર્મો પર નજર રાખી રહ્યા છો. ખુબ જ અભ્યાસ સાથે તમારી સાવચેત રહેવાની ટેવ એ કક્ષાએ પહોચી જાય છે જ્યાં તમારે કોઈ જ પ્રકારનો પ્રયત્ન કરવાનો રહેતો નથી, તે આપોઆપ જ થયા કરે છે. સાવચેતપણું એ ગરિમાપૂર્ણ જીવન, એક સ્થિર જીવન, અને મજબુત મગજનો પાયો છે. થોડા વખત પહેલાં મેં ધ્યાનયોગ ઉપર પ્રવચન રેકોર્ડ કરેલું છે. તે હિન્દીમાં છે. તે અહી તમે સાંભળી શકો છો.

આજના મુખ્ય વિષય પર પાછા ફરીએ, ધ્યાન એ જાગરુક પ્રયત્ન છે. તમે ધ્યાન આપી રહ્યા છો અને તમને ખબર છે કે તમે ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. જો તમે તમારા પ્રત્યે, તમારા કર્મો પ્રત્યે, તમારા વાતાવરણ પ્રત્યે અને તમારા શરીર પ્રત્યે ધ્યાન આપો તો કુદરતી રીતે જીવનમાં આપોઆપ એક લાભદાયી શિસ્ત અને એક નિત્યક્રમ મનમાં બેસી જશે. ધ્યાન અંતે સાવચેતી તરફ લઇ જાય છે.

મારું આજનું વિષયવસ્તુ મુખ્યત્વે તમારા શરીર ઉપર ધ્યાન આપવા ઉપર છે. શારીરિક તંદુરસ્તીનું મહત્વ, મારા મત મુજબ તો કોઈ ધર્મ કે અધ્યાત્મનાં પાલન કરવા કરતાં અનેકગણું મહત્વનું છે. આપણે દરેક આનંદનો લ્હાવો શરીરનાં માધ્યમથી જ ઉઠાવીએ છીએ, એ પછી ગમે તેટલો ઇન્દ્રિયાતીત કેમ ન હોય. તમારા શરીરમાત્રથી જ તમે જે કઈ પણ કરો છો તેને અનુભવો છો. અને શરીર દ્વારા જ તમે જે કઈ સારું કે ખરાબ કર્મ કરો છો તેને સહન પણ શરીર દ્વારા જ કરો છો.

આ દુનિયા અને તેનાં વિશેની આ બધી અચાનક જાગતી ઈચ્છાઓ અને કલ્પનાઓ, સુખ અને દુઃખ, આનંદ અને પીડા, આ બધાનું અસ્તિત્વ તમારી પાસે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જ છે. ઘણાં લોકો પોતાના શરીરને એટલી કાળજીપૂર્વક નથી રાખતાં જેટલી કાળજીપૂર્વક તેઓ પોતાનો પૈસો, સંબંધ, અને કામને રાખે છે. કાં તો પછી, એ કદાચ પ્રાથમિકતાનો સવાલ હશે. તમારી શારીરિક તંદુરસ્તી, તમારી ગમે તે ઉમર હોય, તે હંમેશાં યાદીમાં અગ્રીમસ્થાને જ હોવી જોઈએ.

કુદરતના ખોળે કશું પણ તરત નથી થતું. તમારાં શરીરને પણ તે લાગુ પડે છે. મેં અસંખ્ય વાર એ બાબત નોંધ કરી છે કે ઘણી વાર એક નાની સરખી બીમારી, જો તેની સમયે સારવાર ન કરવામાં આવે, તો તે એક મોટી બીમારીમાં પરિણમતી હોય છે. ઘણી વાર, તમારું શરીર કોઈ પણ જાતનું નિદાન થાય એ પહેલાંથી જ તેનાં લક્ષણો અને નિશાની બતાવતું હોય છે. જો તમે તેને પાછુ ઠેલતાં જાવ તો પાછળથી તે એક મોટી બીમારીનું સ્વરૂપ લઇ લેતું હોય છે.

કલ્પના કરો કે તમે ટ્રેડમિલ પર એક કલાક સુધી ખુબ જ તીવ્ર ઝડપથી દોડી રહ્યા છો અને પછી શાંત પડ્યા વગર જ નીચે ઉતરી જાવ છો. તો તે તમને ફાયદા કરતાં નુકશાન વધુ કરશે. તે જ રીતે, જીવનમાં તમે એક ગતિ પકડી લીધા પછી, જયારે તમને થોભવાની ઈચ્છા થાય, ત્યારે તમારે તમને થોડા ધીમા પડવા માટે, થોડા શાંત થવા માટે થોડો સમય આપવો પડે. તમે કાયમ એક જ ગતિથી ન દોડી શકો.

હજારો વર્ષની ઉત્ક્રાંતિએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારા શરીરને એક પ્રબુદ્ધ રચનાતંત્રનો વિકાસ કરવામાં મદદ કરી છે. જયારે તમે એક સ્વાસ્થ્યપ્રદ ભોજન આરોગી રહ્યા હોય, તે પછી ભલે ને ગમે તેટલું સ્વાદિષ્ટ કેમ ન હોય, તમારું શરીર તમને કહેતું હોય છે કે ક્યારે આરોગવાનું બંધ કરવું જોઈએ. તેને આરામની જરૂર હોય ત્યારે તે તમને ઘેન આપશે, તેને જયારે પુરતી ઊંઘ થઇ ગઈ હશે ત્યારે તે તમને જગાડશે, તેને પાણીની જરૂર હોય ત્યારે તમને તરસ લાગતી હોય છે, તેને ખોરાકની જરૂર હોય ત્યારે તમને ભૂખ લાગતી હોય છે. તમારા શરીરને તંદુરસ્ત રાખવાનો સરળ ઉપાય એ છે કે તેને સાંભળો, તેનાં તરફ ધ્યાન આપો. જો તમે તેને અવગણો નહિ અને નિયમિત કસરત કરતા રહો તો તમારા શરીરને તંદુરસ્ત રાખવાની શક્યતા વધી જાય છે.

તમારી યુવાવસ્થામાં તમારું શરીર ઘણું બધું પોતાનાં ઉપર લઇ શકે છે, તેનો મતલબ એવો નથી કે તેનું શોષણ કરવું. ઘણી વાર આવા શોષણનું પરિણામ પાછલી ઉમરે દેખાતું હોય છે. જો કોઈ ખુબ જ સ્મોક કરતું હોય, જંક ફૂડ ઉપર જ જીવતું હોય, તો શરીર જ્યાં સુધી યુવાન હશે ત્યાં સુધી તંદુરસ્ત દેખાશે પરંતુ આજે નહિ તો કાલે, આવા જીવનનું પરિણામ તમને પકડી તો પાડશે જ. દરેક યોગીય ગ્રંથોમાં સંયોગિકપણે યોગ્ય પ્રમાણમાં ખાવા ઉપર અને શારીરિક કસરત ઉપર ખુબ જ ભાર મુક્યો છે!

रिपु रुज पावक पापा प्रभु अहि गणिय न छोटा करी॥
દુશ્મન, રોગ, અગ્નિ, પાપ, ગુરુ અને સાપને ક્યારેય અવગણવા નહિ, ભલે ને ગમે તેટલા નાના તે કેમ ન દેખાતા હોય. તેમના પ્રત્યે પ્રથમ નજરે જ ધ્યાન આપો. (રામ ચરિત માનસ, અરણ્ય ખંડ, ૨૧)

એક તંદુરસ્તી ભરી જીવન શૈલી અપનાવવા માટે ક્યારેય વહેલું કે મોડું થયું હોતું નથી. અને તંદુરસ્તી ભરી જીવનશૈલી એટલે શું? એક સંતુલિત જીવન એ તંદુરસ્ત જીવન છે: સંતુલિત આહાર, કાર્ય અને કસરત. જો તે શરીર માટે નહિ હોય તો તેનો કોઈ અર્થ નથી. તમારા શરીર સાથે મિત્રતા કેળવો, તેને પ્રેમ અને કાળજી પૂર્વક રાખો. તમારી જાતને પ્રેમ કરો. તમારું શરીર તમારા જીવનનું, રોજગારીનું અને અનુભવો માટેનું હથિયાર છે. તે તમારા આત્માનું પીંજરું નથી પણ જ્ઞાન અને અંત:સ્ફૂરણાનું એક વાહન છે. દરેક જ્ઞાનની પ્રાપ્તિ ઇન્દ્રિયો દ્વારા થતી હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email