તમને આ દુનિયામાં જીવવાનું કેવું લાગે છે? મુશ્કેલીભર્યુ, બરાબર, બહુ સરસ, વ્યાજબી? કે પછી તમારી પાસે એના માટે વિચારવા બેસવાનો સમય નથી? આ ગાંડી દુનિયા છે, તે કોઈ વાર ગાંડી રીતે સારી તો બીજા સમયે સારી રીતે ગાંડી હોઈ શકે, પણ એ એક પાગલ દુનિયા છે તેટલું ચોક્કસ. કદાચ, એટલાં માટે જ તે અનન્ય, ઉત્ક્રાંતિશીલ, અને સુંદર પણ છે. તે અનિવાર્ય અને જરૂરી લાગે તેવી છે. જો કે તેની રમુજ પમાડે તેવી બાજુ છે – તેની ગાંડપણની માત્રા, ગાંડપણની ગહેરાઈ જે આ ગાંડી જિંદગીનો એક ભાગ બની રહેતાં લોકોમાં જ છુપાયેલી રહેતી હોય છે.

એક વખત એક રાજા હોય છે. પરંપરા મુજબ નવા વર્ષનાં આરંભે તે પોતાના રાજ જ્યોતિષ સાથે મંત્રણા કરે છે. રાજ જ્યોતિષી બધી કુંડળીઓ જોઈને એક ગંભીર વાત કહે છે. તે રાજાને નવા વર્ષમાં આવનાર સંકટ વિષે જણાવતાં કહે છે કે, કોઈ પણ વ્યક્તિ તેમનાં રાજ્યમાં ઉગાડેલા શાકભાજી કે અનાજ ખાશે કે તે તરત પાગલ થઇ જશે.
કુદરતી રીતે જ રાજા તો હેરાન થઇ ગયા. “આ તો ખરેખર ચિંતા કરાવે તેવું છે,” રાજા બોલ્યા, “પાગલ થઇ ગયેલાં લોકોનું પછી શું થશે? ક્યાં સુધી તેમનું આ પાગલપણું ચાલશે?”
“મહારાજ,” રાજ જ્યોતિષ બોલ્યા, “આ મુસીબતથી પીડિત લોકો એકબીજાની નકલ કરવા માંડશે, અને આ ચક્ર નિરંતર ચાલ્યા કરશે. અને પેઢી દર પેઢી ચાલતું રહેશે. એનો કોઈ જ ઉપાય નથી.”

રાજા તો પોતાનાં પ્રધાનમંત્રીને કહેણ મોકલ્યું, જે પોતાની બુદ્ધિ અને ડહાપણ માટે પ્રખ્યાત હતાં. રાજાએ તો પ્રધાનમંત્રીને રાજ જ્યોતિષની ભવિષ્યવાણી વિષે કહ્યું. રાજાએ પ્રધાનને પૂછ્યું જો તેઓ આ સંકટનો કોઈ રસ્તો કાઢી શકે તેમ હોય તો. પ્રધાને ખાસી વાર વિચારવિમર્શ કર્યો અને પછી એક ચિંતા સાથે પણ ઉત્સાહપૂર્વક બોલ્યા, “આપણા કોઠારમાં આપણા બે માટે પુરતું અનાજ ભર્યું છે. એ સહેલાઇથી ત્રણ વર્ષ ચાલી શકે એટલું છે. તમને પાગલ થવું પોષાય નહિ કેમ કે તમારે રાજપાટ ચલાવવાનાં છે, અને મને પણ પાગલ થવું પોષાય નહિ કેમ કે હું તમારો સલાહકાર છું. તો, આપણે જો આપણી બુદ્ધિ આ વર્ષનો પાક નહિ ખાઈને જો સલામત રાખીએ તો આપણે થોડા સમયમાં આ સમસ્યાનો હલ શોધી કાઢીશું.”

“તે ન્યાયી ન કહેવાય,” રાજા બોલ્યા, “હું કેવી રીતે મારા રાજ્યના લોકોને પાગલ થઇ જવા દઉં અને મારી જાતનું જ ખાલી રક્ષણ કરું! તમને કલ્પના પણ છે કે આટલાં બધા પાગલ લોકોને સાચવવા એ કેટલી અઘરી બાબત છે? એનાં કરતાં તો આપણે પણ એ જ પાક ખાઈએ. એ રીતે આપણે બધા સાથે જ પાગલ થઇ જઈશું. અને પછી એ વાતનો કોઈ વાંધો જ નહિ રહે. આપણે પણ જો બીજા જેવા જ થઇ જઈશું તો પછી નાં તો આપણે એમનાં પાગલપણને જોઈ શકીશું નાં તો એ વાત આપણને હેરાન કરી શકશે. પરંતુ આપણે બન્નેએ આપણા બાહુ ઉપર એક છુંદણુ છુંદાવવું જોઈએ કે આપણે પાગલ છીએ. જેથી કરીને એ આપણને યાદ અપાવશે કે એક દિવસ આપણે ફરી ડાહ્યા બનવાનું છે.”

હું આશા રાખું કે તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગું છું. આપણને જે રીતે આ દુનિયા ચાલતી રહેલી દેખાય છે એના પરથી લાગે છે કે તે સામાન્ય છે. અને તે એટલાં માટે કે આપણે બધા એક જ પાકનું અનાજ ખાઈ રહ્યા છે, તે કોઈ એક અસાધારણ બુદ્ધિની નિશાની નથી. જ્યાં સુધી તમારું ધ્યાન તમારા છુંદણા ઉપર કે જે એક યાદ અપાવનારું છે, તેના પ્રત્યે નહિ જાય ત્યાં સુધી તમને એ વાત નહિ સમજાય. પ્રત્યેક ક્ષણે, જીન્દગી તમને યાદ અપાવતી હોય છે, એક વેકઅપ કોલ. કેટલાંક લોકો તેને સાંભળતા હોય છે અને તેમનાં જીવનની ફરજો અને ઈચ્છાઓ વચ્ચે સંતુલન બનાવી લેતાં હોય છે, તો ઘણા લોકો તેને અવગણી નાંખતા હોય છે. જીવન છે તે વહેતાં પાણી જેવું છે, તે બસ એક વહેતું રહેતું, નિજવાચક આત્મવાચક, અને આપોઆપ ચાલતું રહેલું છે. મોટાભાગનાં લોકોને એની ખબર નથી હોતી કે પોતે જે કરી રહ્યા છે તે શા માટે કરી રહ્યા છે, કોને તેમને સાચા ખોટાનું જ્ઞાન આપ્યું છે અને શેના આધારે આપ્યું છે, તેમનાં જ્ઞાનનો સ્રોત શો છે, પોતે કઈ સંચાલન પ્રણાલીને અનુસરી રહ્યા છે? મોટાભાગે તો વનનાં વૃક્ષોનું અવલોકન કરવા માટે જરૂર હોય છે એક ઠહેરાવની, એક વિરામની, અને થોડાં આત્મચિંતનની.

એક વખત એક મહાન રશિયન ચિંતક – જી. આઈ. ગુર્જિફે, પોતાના શિષ્ય પી. ડી. ઓસ્પેન્સ્કીને ત્રણ મહિના સુધી સંપૂર્ણ એકાંતમાં રહીને મૌનનું પાલન કરવાનું કહ્યું. ઓસ્પેન્સ્કીએ તેમની આજ્ઞાનું પાલન કર્યું અને ત્રણ મહિના પછી પાછો જયારે ગુર્જીફ્ને મળ્યો ત્યારે ગુર્જિફ તેને બજારમાં લઇ ગયા. ઓસ્પેન્સ્કીને લાગ્યું કે પોતે લોકોને જોઇને અભિભૂત થઇ ગયો છે અને પોતે ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગ્યું. તેને ગુર્જિફને કહ્યું, “મને લાગે છે કે આ દુનિયા પાગલ છે. પાગલ લોકો મશીન વેચે છે અને બીજા પાગલ લોકો તેને ખરીદે છે. પાગલ લોકો બસ ચલાવે છે અને પાગલ લોકો જ તેમાં મુસાફરી કરી રહ્યા છે. એક પાગલ બીજા પાગલ સાથે વાતો કરે છે. આ તો એક મોટું પાગલખાનું છે. મને પાછો લઇ જાવ, હું આ ટોળામાં નહિ રહી શકું.”

હું તમને મારા પોતાનાં અનુભવ પરથી કહું છું કે તમે તમારી જાતને એકાંત અને મૌનમાં સમય વ્યતીત કરીને એક સૌથી મુલ્યવાન ભેટ આપી શકો છો. હું તમને વચન આપું છું કે તમે ત્યારબાદ દુનિયાને ફરી ક્યારેય એ જ નજરે જોઈ જ નહિ શકો. મને પોતાને હિમાલયમાં અત્યંત એકાંતમાં મહિનાઓ વ્યતીત કર્યા બાદ આ “સામાન્ય” દુનિયામાં પાછા ગોઠવાતા મને બીજા ઘણા મહિના લાગી ગયેલા. એક શક્તિશાળી પરિવર્તન તમને અંદરથી ચોક્ખા કરી દે છે, તમને એક આવરણ આપે છે અને તમને વધુ સારા બનાવે છે. શા માટે? કારણકે એકાંત તમને એક વિરામ આપે છે ચિંતન કરવા માટે, જરૂરી બાબતો પ્રત્યે ધ્યાન આપવા માટે, અને તેનાંથી થતાં જ્ઞાનને આત્મસાત કરવાં માટે; તે પછી તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકો છો.

અને જો કોઈ તમને ગાંડા ગણે, તો કદાચ તેઓ ખુદ તે હશે! તમે બસ જે છો તે બની રહો. તમારું પોતાનું સત્ય તમે જાતે શોધો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email