એક માણસ સત્યની શોધમાં એક સાધુના આશ્રમમાં આવી પહોચ્યો. તે ગુરુનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પોતાને તેમનાં શરણમાં લઇ લેવા વિનંતી કરી. ગુરુએ કહ્યું તે ખુશીથી તેને સ્વીકારશે પરંતુ તેમનાં આશ્રમનાં ચોક્કસ નિયમો છે જેનું દરેક શિષ્ય માટે પાલન કરવું આવશ્યક છે.

“હું ઈચ્છું છું કે તું મૌનની સાધના કરે,” ગુરુએ કહ્યું, “માટે, તને બાર વર્ષે ફક્ત એક વખત એક વાક્ય બોલવાની છૂટ છે તે પણ પાંચ શબ્દોથી વધારે ન હોવું જોઈએ.”
શિષ્યતો તરત જ સહમત થઇ ગયો. બાર વર્ષ સુધી તેને ધ્યાન કરવાની કોશિશ કરી જોઈ અને આતુરતાથી પોતાને ક્યારે બોલવા મળે તેની રાહ જોતો રહ્યો.
“પથારી બહુ જ કઠણ છે,” તેને જયારે બાર વર્ષે બોલવાની તક મળી ત્યારે તેને પોતાના ગુરુને કહ્યું.
“હં…” ગુરુ બબડ્યા.
બીજા બાર વર્ષો મૌનમાં વીતી ગયા અને શિષ્યે કહ્યું, “ભોજન ખુબ જ ઠંડુ છે.”
“હં…” ગુરુએ પહેલાં જેવો જ પ્રત્યુતર આપ્યો.
શિષ્યતો ગુસ્સે થઇ ગયો પણ તે નિયમ તોડવા નહોતો માંગતો. તેને પાછુ બાર વર્ષ સુધી મૌનનું પાલન કર્યું અને કહ્યું, “હું તો જાવ છું.” પાંચ શબ્દોની મર્યાદા તોડીને તેને તો આગળ ચાલુ જ રાખતા કહ્યું, “આ એકદમ બકવાસ છે. મને તો કઈ જ ન મળ્યું, હું કઈ શીખ્યો જ નહિ, તમે મને કશું શીખવાડ્યું જ નહિ.”
“સારું! જતો રહે,” ગુરુએ કહ્યું, “અત્યાર સુધી છત્રીસ વરસમાં જો મેં કઈ તારા મોઢે સાંભળ્યું હોય તો તે ફક્ત ફરિયાદ, ફરિયાદ, અને ફરિયાદ જ છે! જો મૌન જ તને કશું ના શીખવાડી શકતું હોય તો બીજુ તો કોણ શીખવાડી શકશે, બીજું કોઈ તો કોણ તને શીખવાડી શકશે જો તું જીવન પાસેથી જ નથી શીખી શકતો?”

રમુજને બાજુ પર રાખીએ તો ઉપરોક્ત દંતકથા કદાચ આત્યંતિક લાગી શકે છતાં પણ તે લોકોનાં જીવનની વાસ્તિવકતાથી પરે તો નથી જ. હજારો ઈ-મેઈલ, દુનિયાભરમાંથી, લોકો પોતે શું મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે તેના વિષે મને મોકલે છે, મોટાભાગનાં જે મને મળે છે તે કોઈ ને કોઈ રીતે દુઃખી છે. તેઓ જીવન પ્રત્યે, બીજા લોકો પ્રત્યે, ચીજ-વસ્તુઓ માટે, સંજોગો પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે બસ ફરિયાદ જ કરે છે. ઉપરોક્ત વાર્તામાં જો કે શિષ્યતો ફક્ત ત્રણ વખત જ બોલ્યો હતો, પરંતુ તેનાં મગજમાં તો તેને લાખો વાર ફરિયાદ કરી હતી. હું તેને દિમાગી ફરિયાદ કહું છું. ઘણા તો બધો જ સમય કરતાં હોય છે, તેઓ મોટાભાગે તો બધો સમય બસ ફરિયાદ જ કરતાં હોય છે, કદાચ સ્વપ્નમાં પણ.

મને રોબર્ટ ફલ્ઘમની વાત યાદ આવી ગયી. તેના યુવાનીના વર્ષોમાં તે એક રિસોર્ટમાં કામ કરતો હતો. તેને રાતપાળીની રીસેપ્શનીસ્ટની નોકરી કરવી પડતી હતી અને દિવસે તબેલાને ઠીક કરવા પડતા. તેનો માલિક કઈ ખુબ સારો કે કે દુનિયાનો મોટો દયાળુ હોય તેવું નહોતું. રોબર્ટ એકનું એક ઉબાઉ ખાવાનું રોજેરોજ ખાઈ ખાઈને કંટાળી ગયો હતો. વધુમાં, ખાવાનો ખર્ચો પાછો તેના પગારમાંથી કપાઈ જતો અને તેનાંથી તે ખુબ ચિડાઈ જતો હતો.

એક રાતે, તેનાંથી વધુ સહન ન થયું, ખાસ કરીને જયારે તેને જાણવા મળ્યું કે હજી બીજા કેટલાંક દિવસો સુધી આનું આ જ ખાવાનું મળવાનું છે. તેનો એક સહકર્મચારી હતો જેનું નામ સિગમંડ વોલ્મેન હતું, તે રાત્રીના ઓડીટર તરીકે કામ કરતો હતો. તે એક જર્મન યહૂદી હતો. તેને Auschwitz (concentration camp)માં ત્રણ વર્ષ વિતાવ્યા હતાં. સિગમંડ એ જ રિસોર્ટમાં ખુશ અને ખુબ સંતોષપૂર્વક રહેતો હતો જ્યાં રોબર્ટ પોતે ખુબ જ ગુસ્સે અને નાખુશ હતો. બીજું કોઈ ત્યાં ન મળતાં, રોબર્ટે પોતાની નિરાશા સિગમંડ આગળ ઠાલવી. તેને પોતાનો હોટેલનાં માલિક પ્રત્યેનો ગુસ્સો ઠાલવ્યો, તેને ખુબ ગુસ્સો આવ્યો હતો કારણ કે એક નું એક ભોજન દિનરાત ખાવાનું અને પાછુ તેનું બીલ પણ ચૂકવવાનું. તેનો પિત્તો એકદમ હટી ગયો હતો. સિગમંડે, તેમ છતાં તેને ધ્યાનથી સાંભળ્યો અને પછી કહ્યું:
“સાંભળ ફલ્ઘમ, મને સાંભળ. તને ખબર છે તારી સાથે ખોટું શું છે? ભોજન, બોસ, કે આ જોબમાં કઈ ખોટું નથી.”
“તો શું ખોટું છે મારી સાથે”
“ફલ્ઘમ, તને લાગે છે કે તને બધી વાતનું જ્ઞાન છે, પરંતુ તને પ્રતિકુળતા અને પ્રશ્ન વચ્ચેનો તફાવત ખબર નથી. જો તારી ગરદન તૂટી ગઈ હોય, તારી પાસે કશું ખાવાનું ન હોય, તારું ઘર જો ભડકે બળતું હોય – તો તારી પાસે કોઈ પ્રશ્ન છે. બાકીનું બધું પ્રતિકુળતા કે અસુવિધામાં આવે છે. જીન્દગી હંમેશા અસુવિધાથી ભરેલી હોય છે. જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.”

રોબર્ટ ફલ્ઘમને ભાન થઇ ગયું અને આગળ પોતાની વાર્તામાં તેને લખ્યું છે, “હું આ વાતને વોલ્મેનનું સત્ય તરીકે યાદ રાખું છું. જિંદગી ગાંઠોવાળી હોય છે. અને શીરામાં લોઠની ગાંઠ, ગળામાં કે છાતીમાં થતી ગાંઠ કઈ એક સરખી નથી હોતી. તમને તેમાં રહેલાં તફાવતની ખબર હોવી જોઈએ.”

જો જીવનનો સૌથી ઉત્તમ ઉપયોગ કરવો હોય તો વાસ્તવિક બનવું પડશે. કાં તો તમે ફરિયાદ કરતાં રહો અથવા તો જીવવાનું શરુ કરો. એવું કહેવાય છે કે જીવન નેવું ટકા તમે કેવી રીતે તેને લો છો તેનાં ઉપર અને દસ ટકા તમે તેને કેવું બનાવો છો તેના ઉપર આધારિત છે. એ બહુ સહેલું ને કદાચ કુદરતી અને સામાન્ય છે કે તમે તમારા જીવનમાં જે કઈ પણ સારું નથી તેનાં માટે બીજાને જવાબદાર ઠેરવો, પણ તેનાંથી કઈ ફાયદો નહિ થાય, આવું વલણ તમારા ન તો પ્રશ્નો ઉકેલી શકશે કે ન તો તમારી ચિંતાઓને દુર કરી શકશે. બીજા કોઈ તમારી જિંદગીને એમનાં હાથમાં લઇ લે તેની રાહ ન જુઓ. તમારી જાતનું વિશ્લેષણ કરો, તમારી જાતને ઓળખો, તમારી જાતનું જતન કરો, અને તમારી જાતને પ્રેમ કરો. તમારે જવાબદારીઓ તો હશે જ, પણ તમારા માટે જીવવાથી ડરશો નહિ. આ બધું ત્યારે જ શક્ય છે કે જયારે તમે તમારી જાતની માલિકી લેશો, જયારે તમે જાતે તમારા જીવનની પસંદગીઓ માટે જવાબદારી લેશો.

તમારી જાતને સમજો જેથી કરીને તમે તમારી જાત સાથે આરામદાયક મહેસુસ કરો, જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નહિ લાગે. જો તમે તમને ખુશ નહિ રાખી શકો, તો તમે બીજા તમને ખુશ રાખે તેવી આશા કઈ રીતે રાખી શકો? સુખી થવાની ચાવી તમારી પાસે જ છે. મુક્ત બનો અને નિર્ભય બનો.

શાંતિ
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email