બુદ્ધે કહ્યું છે: “આત્મ-સાક્ષાત્કારનાં માર્ગે ચાલનારથી બે ભૂલો થઇ શકવાની શક્યતા છે. એક: એ માર્ગે બિલકુલ ચાલવું જ નહિ અને બીજું: છેક સુધી ન જવું.”

ઘણી વાર, મને ઉત્સાહી વાંચકો તરફથી ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર, વ્યાવહારિક અધ્યાત્મ અને એવા બીજા ઘણાં વિષયો ઉપર સવાલો પૂછતાં હોય છે. હું એમને વળતો જવાબ પણ વિગતવાર આપતો હોવ છું, પરંતું મોટાભાગના લોકો, સામાન્ય પણે, અડધા રસ્તે જ પોતાનો ઉત્સાહ ગુમાવી દેતાં હોય છે.

ધ્યાન સારું લાગે છે, આત્મ-સાક્ષાત્કાર આકર્ષક લાગે છે, યોગ સમાધિ દિલચસ્પ લાગે છે, પરંતું તમે તેનાં વિષે ખરેખર જો ગંભીર હોવ તો આ વસ્તુ એક અવિશ્વસનીય અને સતત પ્રયત્ન માંગી લે છે. આત્મ-ખોજ જ શા માટે, કોઈ પણ માર્ગે ધ્યેયની પ્રાપ્તિ માટે, તમારે ત્રણ તત્વોની જરૂર પડે

દ્રઢતા

નિષ્ફળતા અને સફળતા વચ્ચેનો તફાવત દ્રઢતામાં રહેલો છે. જયારે તમે પૂરી શિસ્ત સાથે તમારું સાતત્ય ટકાવી રાખવાનું પસંદ કરો છો, તમારો ઉત્સાહ જે શરૂઆતમાં હતો તે જ છેક
ધ્યેય પ્રાપ્તિ સુધી ટકાવી રાખો છો, તો તમારી સફળ થવાની શક્યતાઓ ખુબ વધી જાય છે.

ધીરજ

ધીરજ વગર દ્રઢતા લાવવી શક્ય જ નથી. ધીરજ એ સાતત્યને પોષે છે, અને સાતત્ય તમારા દ્રઢ સંકલ્પનું સમર્થન કરે છે. ધીરજ તમને યાદ અપાવે છે કે તમારે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર જ્યાં સુધી સંતોષકારક પરિણામ ન મળી જાય ત્યાં સુધી તમારો પ્રયત્ન ચાલુ રાખવાનો છે.

ચિંતન

એ થોડું વિચિત્ર લાગશે પરંતુ મારા પોતાના સ્વ-અનુભવથી હું કહીશ કે, ફક્ત આંધળું સાતત્યપણું ટકાવવું કે અનંત ધીરજ રાખવી એ પુરતું નથી. તમારા પોતાના કાર્યોને, તમારા આયોજનને, તમારા રસ્તાને, અને તમારા વર્તમાન વલણને ચકાસવા પણ એટલાં જ જરૂરી છે. સ્વ-ચિંતન એ જાતનું વિશ્લેષણ કરવાની કળા છે, એ તમારા ધ્યેય અને પ્રયત્નને સરળ બનાવે છે.

હું તમારી સાથે પ્રખ્યાત એલીસ ઇન વન્ડરલેન્ડની વાર્તામાંનો એક અંશ રજુ કરીશ. અને તે આજના વિષયનો સાર પણ છે. આ રહ્યું તે:

“તું મને જરા કહીશ, મારે અહિયાં થી આગળ કયા રસ્તે જવું જોઈએ?”
“એ તારે કયા રસ્તે જવું છે તેના પર આધાર રાખે છે”, બિલાડી બોલી.
“મને કયા જવું એની બહુ ચિંતા નથી—” એલીસ બોલી.
“તો પછી તારે કયા રસ્તેજવું જોઈએ એની બહુ ચિંતા કરવાની જરૂર નથી,” બિલાડી બોલી..
“—હું બસ ક્યાંક તો પહોચવી જોઈએ,” એલીસે સ્પષ્ટ કરતા કહ્યું.
“ઓહ, તું ચોક્કસ ત્યાં પહોચીશ”, બિલાડી બોલી, “જો તું પુરતું ચાલીશ તો”

જયારે પણ તમને છોડી દેવાની ઈચ્છા થઇ જાય, તમારી જાતને પૂછો શું તમે ખરેખર અધવચ્ચે છોડી દેવા ઈચ્છો છો? જો તમે તમને એમ કહો “હું કરી શકું તેમ નથી,” એ એની જાતે જ બંધ થઇ જાય છે. જયારે તમે તમને એમ પૂછો “હું આ કેવી રીતે કરી શકું?” એ તરત જ તમને કાર્યાન્વિત કરી દે છે અને તમને એનો ઉકેલ શોધી શકવા માટે સમર્થ બનાવે દે છે.

જ્યાં સુધી તમે સુરંગને પૂરેપૂરી ખોદી નથી નાંખતા ત્યાં સુધી એમાં રસ્તો પણ નથી હોતો કે પ્રકાશ પણ નથી હોતો. હું હંમેશા મોટા ધ્યેયની પ્રાપ્તિ માટે નાના ધ્યેય રાખવાની બાબત ઉપર ભાર આપું છું. તમારા મનને તાલીમ આપવા માટે નાની પ્રતિજ્ઞા વડે કઈક નાનું થોડા સમય માટે કરવાની ટેવ પાડો, અને આ રીતે તમે જીવનપર્યંત કટિબદ્ધ રહી શકશો. દાખલા તરીકે, તમે આખી જિંદગી સ્મોક નહિ કરવાની પ્રતિજ્ઞા કરતાં એક દિવસ માટે સ્મોક નહિ કરવાની પ્રતિજ્ઞા સહેલાઈથી પાળી શકશો. દરેક વખતે જયારે તમે તમારા શબ્દને વળગી રહો છો ત્યારે તમને એક આંતરિક શક્તિની પ્રાપ્તિ થાય છે, અને તમે તમારા મનને કાબુ કરવામાં એક પગલું આગળ વધો છો. બાદમાં, મોટા પ્લાનને મોટા ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્યાન્વિત કરવાનું સહેલું થઇ જશે.

આનંદને અનુભવવા માટે, સાચા રસ્તે છેક સુધી જાવ. તમે જે કઈ પણ કરતાં હોય, જ્યાં સુધી તમને સંતોષ ના થાય ત્યાં સુધી છોડી ના દેશો. એક સમયે એક પગલું ભરો, એક

વખતે એક સમસ્યાને પાર કરો. જેમ કે રાતના અંધારામાં ચાલવું. તમે હેડલાઈટના અજવાળામાં ખાલી બે મીટર અંતર જ જોઈ શકો છો, પરંતું તે હજારો માઈલની મુસાફરી કરવા માટે કાફી હોય છે. એ જ રીતે, એક એક પગલું તમને આગળ લઇ જાય છે, તમારા મુકામની થોડી વધુ નજીક.

એક શ્રીમંત વેપારીએ મુલ્લા નસરુદ્દીનને તેના કેશિઅર તરીકે નોકરીએ રાખ્યા. તેને મુલ્લાને એક રૂપિયાની નોટનું એક પેકેટ આપતાં કહ્યું, “આ ગણો અને જુઓ કે પુરા સો થવા જોઈએ.”

પોતાના શેઠનો હુકમ માનતા, મુલ્લાએ તો ગણવાનું ચાલુ કર્યું. એ સિત્તેરની લાઈન સુધી પહોચ્યા, “૭૪”, “૭૫”, “૭૬”, મુલ્લા પેકેટ પાછુ આપતા ધીમે રહીને બોલ્યા.

“જો અહી સુધી એ સાચું હોય તો આપણે છેક સો સુધી ગણવાની ચિંતા કરવાની જરૂર નથી,” મુલ્લા બોલ્યા, “તે છેક સુધી સાચું જ હશે”.

સત્ય એ છે કે, તમને છેક સુધી ગયા વગર નહિ ખબર પડે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email