એક વખત એક ગામડાનાં લોકો એક સિંહથી ખુબ ત્રસ્ત હતાં. દરરોજ રાતે તે કોઈ વાડામાં છુપી રીતે ઘુંસી જતો અને લાચાર ઘેટા-બકરાંનો શિકાર કરી જતો. કોઈ વખત તો કોઈ મોટો શિકાર જેવાં કે ગાય કે ભેસને પણ મારી નાખતો. ગામડાનાં લોકોએ દરેક યુક્તિ અજમાવી જોઈ પણ તેમને સફળતા મળી નહોતી.

અંતે એક બહાદુર વ્યક્તિએ સૂચવ્યું, “કોઈ પણ રીતે આપણે સિંહને દિવસ દરમ્યાન લલચાવીએ. અને તો પછી આપણે એને હરાવી શકીએ. આ એક જ રસ્તો છે જેના દ્વારા આ જાનવરથી છુટકારો મેળવી શકાય.

“પણ બિલ્લીનાં કોઠે ઘંટ બાંધશે કોણ?” એક વૃદ્ધ વ્યક્તિ બોલ્યા.
“મારી પાસે એનો એક સરસ ઉપાય છે. એ તો સ્પષ્ટ છે કે દિવસના અજવાળામાં તો સિંહ આવવાનો નથી. એનાં કરતાં તો આપણે જંગલમાં જઈએ. હું પાક્કો નિશાનેબાજ છું. હું ગાય બનીને મારી બંદુક છુપાવી દઈશ. અને નિર્દોષપણે જંગલમાં ઉભો રહીશ. જેવો સિંહ મારી પાસે આવશે કે તરત જ હું એને એકદમ નજીકથી ગોળી મારી દઈશ. એ બિલકુલ બચી નહિ શકે.”

લોકોએ તો તેનાં આ બુદ્ધિગમ્ય વિચારનાં વખાણ કર્યા અને તેનાં માટે ગાય જેવો પોશાક તૈયાર કર્યો, માથું ને પુંછડી બનાવ્યા. ગાયની ચામડી આજુબાજુ વીટાળી, અને ખુબ જ કાળજીપૂર્વક એની બંદુક ગાયનાં મોઢામાં સંતાડી. થોડું જંગલી ઘાસ અંદર ભર્યુ અને એક રૂષ્ટપુષ્ટ ગાય જેવી વેશભૂષા બનાવી અને દુર જંગલમાં ગયો.

એક અડધા કલાક જેટલો સમય પણ નહિ થયો હોય અને એ વ્યક્તિ તો ગામ તરફ પાછો જીવ લઈને ભાગતો આવતા દેખાયો. એની જોડે એની બંદુક પણ નહોતી અને ઘાસની લાંબી સળીઓ એનાં પોશાકમાંથી બહાર પડતી હતી. ગાયની ચામડી બધી લબડી પડી હતી અને ગાયનું માથું એનાં માથામાં ભરાઈ ગયું હતું. એ હવે ગાય જેવો બિલકુલ લાગતો નહોતો.

ગામનાં લોકો જલ્દીથી ભેગા થઇ ગયા, અને પેલાને ગાયની વેશભૂષામાંથી બહાર કાઢવામાં મદદ કરી, તેને બેસાડ્યો, પાણી આપ્યું અને તેને શાંત પાડ્યો.

“તું તો એકદમ ભયભીત અને પરેશાન લાગે છે. સિંહ તારાથી વધારે શક્તિશાળી સાબિત થયો કે શું?” એક બીજા માણસે તેની આ જીર્ણશીર્ણ હાલત પર દયા ખાતાં પૂછ્યું.
“સિંહ? ભાઈ, મને સિંહતો હજી મળ્યો જ નથી,” તેને એકદમ ઉદ્વેગથી કહ્યું, “પેલા બળદો, કામુક થઈને, મને સાચી ગાય માની મારી પાછળ પડ્યા હતાં. મારી જિંદગી બચાવવા માટે મેં અંદરનું ઘાસ કાઢી નાખ્યું, પણ એ બળદો તો પીછો જ નાં છોડે.”
“ગ્રામજનો તો હસી હસી ને લોટપોટ થઇ ગયા. પેલો વ્યક્તિ પણ તેમની સાથે હસવા લાગ્યો.

મને આ વાર્તા ખુબ જ રમુજી અને હાસ્યાસ્પદ લાગે છે. તે માણસ એક સાચી ગાયને ઝાડ પાસે બાંધીને તે જ ઝાડ પર ચડીને પણ સિંહની રાહ જોઈ શક્યો હોત. છતાં પણ તેને પોતે જે નહોતો તે બનવાનું પસંદ કર્યુ. પરિણામે તેને પોતાની જાતને તો પરેશાનીમાં મૂકી જ, પરતું એ પોતાનાં ધારેલાં લક્ષ્યમાં પણ નિષ્ફળ ગયો અને એકદમ અનપેક્ષિત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

જયારે તમે પોતે જે નથી તે બનવાની કોશિશ કરો છો, જયારે તમે તમારી જાત ને છુપાવો છો, ત્યારે તમારા ઉપર તમે નવી ઓળખને જીવવાનો બોજ લાદો છો. તેનાંથી તમારા મૂળ સ્વરૂપ સાથે અંતર આવી જાય છે. અને તમે બેચેન અને અસ્થિર થઇ જાઓ છો. હવે તમારે એ નવો રોલ ભજવવાનો રહે છે. અને એનાંથી તમારા આંતરિક અને બાહ્ય જગતમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જાય છે.

કદાચ, આ દુનિયામાં જીવન જીવતાં હંમેશા ફક્ત એક જ રોલમાં રહેવું કે એક જ રોલ ભજવવો એ શક્ય નથી. છતાં, એક જ્ઞાની અને એક સામાન્ય વ્યક્તિ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે જ્ઞાની એ વર્તમાન ક્ષણમાં ખાલી પાત્રને ભજવે છે જયારે સામાન્ય વ્યક્તિ એ પાત્રને જીવવામાં પડી જાય છે. રોલ તેમનાં ઉપર હાવી થઇ જાય છે, તે પોતાનાં સ્રોતથી-પોતાની ખરી જાતથી અલગ થઇ જાય છે. દાખલા તરીકે એક મીલીટરી ઓફીસર જયારે ઘરે આવ્યા બાદ પણ જો પોતાની પત્ની, બાળકો કે બીજા લોકો સાથે જાણે કે તે તેનાં કેડેટ હોય તેવી રીતે સખ્તાઈથી વર્તવાનું ચાલુ રાખે. જો કે તે તેનાં યુનિફોર્મમાં નથી કે તે પોતાની ઓફિસમાં નથી, છતાં પણ તે એક રૂઆબદાર ઓફિસરની જેમ વર્તવાનું ચાલું રાખે. તમે પૂછશો કે શું એકદમ સરળતાથી એક રોલમાંથી બીજા રોલમાં બદલવાનું શક્ય છે? જી હા, એ શક્ય છે. તેને જ કહેવાય કે વર્તમાનમાં જીવવું.

તમારા પાત્રને તમારા ઉપર સવાર કર્યા સિવાય ભજવો. જયારે તમારે જ્યાં જેવાં હોવાની જરૂર છે ત્યાં તમે તેવા રહો, પરંતુ અત્યારે, આ ક્ષણમાં અહી આવી જાવ. આખરે તો વેશપરીવર્તન એ ખાલી એક વેશભૂષા માત્ર જ હોય છે.

શાંતિ
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email