એક વખત એક જિજ્ઞાસુ હોય છે, તે મઠમાં રહેતો હોય છે અને તેની પાસે પુસ્તકિયાં જ્ઞાનનો ખજાનો હોય છે. તેની સામે કોઈ દલીલમાં જીતી શકે નહિ, પછી ભલે તે ચર્ચા ધાર્મિક હોય કે આધ્યાત્મિક. તેને ભગવાનનો, આત્મસાક્ષાત્કારનો ચસ્કો ચડ્યો હતો. તે પોતાનો બધો વખત અનેક ધર્મપુસ્તકો વાંચવામાં પસાર કરતો. તે તટસ્થતાની અને ઉચ્ચતાની લાગણીથી જીવતો. એનાં માટે ભગવાન, ધ્યાન અને આત્મસાક્ષાત્કાર જ સર્વસ્વ હતું. તે તેની ધાર્મિક વિધિઓ ખુબ જ સહજતાથી કરતો. ચાહે કોઈ ભૂખથી મરવા પડ્યું હોય કે કોઈને સામાન્ય કામમાં મદદ જોઈતી હોય, તે ક્યારેય મદદ કરે નહિ. તેને કઈ કામ બતાવાય જ નહિ. તેનાં માટે તેની મુક્તિની બાબત જ અગ્રીમ સ્થાને છે તેમ તેને લાગતું. જોકે તેને ઘણું વાંચન કરેલું હતું છતાં તે નાના અમથા ઘર્ષણથી પણ ગુસ્સે થઇ જતો, ચીડિયો થઇ જતો, નાનામાં નાના અપમાનથી પણ એ દુઃખી થઇ જતો.

તેનાં જ્ઞાની ગુરુ તેનાં લક્ષ્યની કદર કરતાં હતાં, જો કે તેમને ખબર હતી કે તેમનો શિષ્ય તેની આ માનસિકતાને લઈને મુક્તીદ્વારે નહિ પહોચી શકે. ઘણી બધી વાર તેમને તેને દયા, નમ્રતા અને બીજા અનેક મુલ્યોના મહત્વ વિષે સમજાવ્યું, પણ કશુય તેની હોશિયાર દલીલો અને જાતે જાહેર કરેલી પોતાની મહત્તાનાં ઘૂંઘટની પાર ઉતરતું જ નહિ.

ગુરુએ ત્રણ મહિના માટે હિમાલયમાં ધ્યાન કરવા માટે જવાનું નક્કી કર્યુ; તે આ જિજ્ઞાસુને પોતાની સાથે સેવામાં લઇ ગયા.

બર્ફીલા પહાડોની અને ઝરણાઓની વચ્ચે આજુબાજુ ઘનઘોર જંગલમાં ઉચાં ઝાડોની વચ્ચે, જંગલી વનસ્પતિની વચ્ચે તેમને એક અનુકુળ ગુફા મળી ગયી જેમાં બન્ને રહી પણ શકે. બાજુમાં નદી વહેતી હતી. તેમને ગુફામાં મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ ભરી અને થોડા લાકડા સળગાવવા માટે રાખ્યા. થોડા દિવસો પસાર થયા અને તાપમાન નીચું જતાં ભારે બરફવર્ષા થવા લાગી.

એક દિવસ તે શિષ્યને બહાર નદીમાંથી પાણી લેવા જવાનું થયું. પર્વત પરથી નીચે ઉતરતા, તે લપસ્યો, પગ ટકાવવા માટે તેને કશું પકડવાની તેમજ સમતોલન જાળવવાની બહુ કોશિશ કરી છતાં પડ્યો. પાણી ભરવાની ડોલ નીચે ગબડી ગઈ અને કમનસીબે તેનો જમણો હાથ બરફમાં સંતાયેલા એક અણિયાળા પથ્થર જોડે ભટકાયો. એનો હાથ એમ પણ ઠંડીથી સુન્ન થઇ ગયો હતો અને ઉપરથી આ ઈજાના લીધે એનું દર્દ ઓર વધી ગયું. એ દર્દના લીધે ખુબ જોરથી રડી પડ્યો, એ ઉભો થઇને ગુફામાં પાછો ચાલતો ગયો. એ આ નિર્દય હવામાન ઉપર ગુસ્સે થયો. તેને પાણીની ડોલ ગુમાવાની ચિંતા થઇ જો કે એની પાસે બીજી વધારાની એક ડોલ હતી. એની શાંતિ આ કઠોર દર્દના લીધે જતી રહી. ગુફામાં પહોચ્યા બાદ તેને આ આખી કથા પોતાનાં ગુરુને સંભળાવી.

ગુરુએ તેનો હાથ તપાસ્યો જે દુઃખથી એકદમ ભૂરો પડી ગયો હતો. “અરે આ તો એકદમ ભયાનક દેખાય છે, લાવ મને થોડું હુંફાળું પાણી રેડવા દે.”
પાણી ગરમ કરતી વખતે તેમને કહ્યું “જયારે ઠંડુ હોય ત્યારે દર્દ વધુ થાય છે, નહિ?”
“જી હા ગુરુજી.”
ગુરુએ થોડું હુંફાળું પાણી હાથ પર રેડ્યું જેથી લોહીનો પ્રવાહ સારો થયો અને દર્દ થોડું ઓછુ થયું.
“આનાંથી સારું લાગે છે. એ ઉપચારાત્મક અને આરામદાયક છે.” શિષ્યે કહ્યું.
“હુંફથી હંમેશા એવું લાગે છે, વત્સ”

શિષ્યને થોડી કળ વળ્યા પછી, ગુરુ પોતે નદી આગળ પડી ગયેલી ડોલ લઇ આવ્યા, અને કહ્યું:

“ધર્મ અને વિધિઓ આ નિર્જીવ ડોલ જેવાં છે. ક્યારેય તે એક જીવંત વ્યક્તિથી વધારે મહત્વનાં નથી. ડોલ એક સાધન છે જેનાંથી ધ્યેય સુધી પહોંચી શકાય, પરંતુ તે ખુદ એક લક્ષ્ય નથી. તને ખબર છે તું શા માટે બીજા બધાથી જલ્દી ચિડાઈ જાય છે? કારણકે તારામાં એક પ્રકારનું ઠંડાપણું છે. જયારે ઠંડુ હોય ત્યારે વધારે દુ:ખે. આજુબાજુ જે બરફ પથરાયેલો છે તેનાં તરફ નજર કર. જયારે ઠંડો પવન ફુંકાયા કરતો હોય ત્યારે તે આ નરમ બરફને સખત બરફમાં ફેરવી દે છે અને તે વધુ સખત અને બરડ બની જાય છે. જયારે તું તારા હૃદયમાં ઠંડીને ભેગી કરે રાખે છે ત્યારે તે સખત થઇ જાય છે. એક જ ઘા વાગશે અને તું તૂટી જવાનો! ઉપદેશ એ સખત બરફ જેવો છે, જયારે દયા એ હંમેશા હુંફાળા પાણી જેવી છે. આ ઠંડુ જગત થોડા હુંફાળા – થોડા દયાળુ લોકોથી ટકી શક્યું છે. બધો સમય ખાલી ધાર્મિક પુસ્તકો વાંચ્યે જવાનો શું અર્થ, તારા પોતાનાં નિર્વાણ માટે કામ કર્યે જવાથી દુનિયાને શું મદદ મળશે? અને શું વધુ મહત્વનું છે જીવંત લોકો પ્રત્યે દયા રાખવાનું કે પછી નિર્જીવ ચીજ વસ્તુઓ માટે ચિંતા કર્યે જવાનું? નિ:શંક ધ્યાન, સ્વાધ્યાય એ તો સર્વોચ્ચ શ્રેષ્ઠ વસ્તુ છે પણ તેનો એક અંત હોય, તેનાંથી તને શાંત અને સ્થિર થવામાં મદદ મળે. પણ એ શાંતિનો અર્થ એ નથી કે તું એકદમ ઠંડો બોર થઇ જાય અને તટસ્થ બની જાય, ખરેખર તો એનો અર્થ એ છે કે તું અંદરથી દયાળું, અને બિનશરતીપણે હુંફાળો બને. એનો ખરો અર્થ તો એ છે કે તું બીજાની તકલીફ અને દુઃખ પ્રત્યે જાગૃત બને અને એમને તારાથી થઇ શકે એટલું મદદરૂપ બનવા માટે અંદરથી આતુર બને. આ જ આત્મસાક્ષાત્કાર છે.”

શિષ્યને ભાન થયું કે શા માટે એનાં ગુરુ એ આખરે ગુરુ છે. તે સમજી ગયો કે હુંફ, ઉષ્મા અને દયા જેવાં વ્યકિતગત મુલ્યો એ એક નિશાની છે કે વ્યક્તિ પોતે કેટલો વિકસિત છે, અને તે કોઈ પણ પાંડિત્યથી અનંત ગણા મહત્વનાં છે. ખાલી ધાર્મિક ગ્રંથોનો બૌદ્ધિક અભ્યાસ કે સમજ એ વ્યક્તિની મુક્તિના સૂચક નથી. જે જે દુ:ખ ભર્યા બનાવો, વ્યક્તિઓ, કે સંજોગો હોય તેનું એક લીસ્ટ બનાવો અને એને જતાં કરો, એ લીસ્ટને બાળી નાખો કે નષ્ટ કરી દો. તેને અંદર ભરી રાખવાથી તમે ઠંડા બોર થઇ જશો; પરિણામે, બીજા અને તમે ખુદ પણ તમારી અંદરની હુંફ કે ઉષ્માને નહિ અનુભવી શકો. યાદ રાખો, હુંફથી આરામ મળે છે અને જયારે વધુ ઠંડુ હોય છે ત્યારે તે વધુ તકલીફ આપે છે.

હંમેશા હુંફાળા રહો, ગરમ નહિ; શીતળ બનો, ઠંડા નહિ.

શાંતિ
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email