તમે કદાચ law of attraction વિષે વાચ્યું હશે. તમારે જે જોઈએ તે કેવી રીતે મેળવવું તેમજ જીવનમાં સારા લોકો, પ્રેમ, સંપત્તિ અને બીજી ઘણી બાબતો કેવી રીતે આકર્ષવી તેના વિષેનો એ નિયમ છે. ઘણી વાર લોકો મને આ થીઅરી વિષે મારો અભિપ્રાય પૂછતાં હોય છે, અને પૂછતાં હોય છે કે એમાં કોઈ તથ્ય છે કે કેમ? તેઓ જાણવા માંગતા હોય છે કે શું ખરેખર જે ગમતું હોય કે જોઈતું હોય તેને આકર્ષવાનું કે મેળવવાનું શક્ય છે ખરું? અને જો હોય, તો પછી એ કઈ જગ્યાએ ખોટા કે ટૂંકા પડતા હોય છે, શા માટે તેમનાં સ્વપ્નાઓ હજી પણ અધૂરા જ છે? તેઓ કહે છે કે તેમને કોઈ ખરાબ કર્મો કર્યા નથી (ખરેખર!?), તેઓએ પણ પોતાનાં મનમાં કલ્પનાચિત્ર (visualization) જોવાની પ્રેક્ટીસ બિલકુલ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ કરી છે તેમ છતાં પણ તેઓ એ જ જગ્યા એ હજી છે જ્યાં તેમને નથી રહેવું.

ચાલો તમારી સાથે એક રહસ્યની વાત કરું: તમને ફક્ત એજ મળતું હોય છે જે તમે આપતા હોવ છો – You only ever get what you give. તમે પૈસા આપો તો તમને પૈસા મળતા હોય છે, તમે પ્રેમ આપો તો તમને પ્રેમ મળે; તમે જો કદર કરો તો તમારી કદર થશે વિગેરે. એક વખત તમે જે આપવાનું ચાલુ કરો, તમને એ ખાલી પાછુ જ મળતું નથી પણ અનેકગણું થઇને પાછુ મળતું હોય છે. કુદરત હંમેશા અનેકગણું કરીને પાછુ વાળે છે. આ એક ક્યારેય નિષ્ફળ નહિ જતો કુદરતનો નિયમ છે, આકર્ષણનો નિયમ – law of attraction: તમારે જે જોઈતું હોય તે વહેચવાની તૈયારી બતાવવી પડે.

તમે જો ક્યારેય પહાડી વિસ્તાર ઉપર કોઈ પર્વત પર ગયા હોય તો તમે પડઘો પડવાની ઘટના જોઈ હશે. તમે જે કઈ પણ જોરથી બોલો, એની એ જ વાત તમને એકથી વધુ વખત બોલી બતાવે છે. જેટલી વધારે બુમો તમે પાડો, એટલા જ બમણા અવાજથી એ તમને પાછુ સાંભળવા મળે છે. આ એ જ મૂળભૂત નિયમ છે. જો તમે બૂમ પાડો કે મને-મને-મને- તો સૃષ્ટિમાંથી પણ અવાજ આવે છે મને-મને-મને-મને-મને…જો તમે એમ કહો, મારે પૈસા જોઈએ છે, તો એ કહેશે મારે પૈસા જોઈએ છે-મારે પૈસા જોઈએ છે-મારે પૈસા જોઈએ છે…જો તમે કહો મને પ્રેમ આપો, તો એ પણ કહેશે મને પ્રેમ આપો- મને પ્રેમ આપો- મને પ્રેમ આપો. કુદરતનાં પરિમાણ તમારા કરતાં અનેકગણા વધુ છે. ખાલી બૂમો પાડીને તમે જીતી નહિ શકો. જેટલી મોટી તમારી ઈચ્છા, એનાંથી પણ મોટી કુદરતની ઈચ્છા.

એક વખત તમે આપવાનું ચાલુ કરો તો એ પણ આપવાનું ચાલુ કરશે. જો તમે એમ કહેવાનું ચાલુ કરો મારે આપવું છે, કુદરત પણ કહેશે મારે આપવું છે-મારે આપવું છે-મારે આપવું છે. જો તમે કહેશો કે હું કૃતજ્ઞ છું, તો એ પણ કહેશે કે હું કૃતજ્ઞ છું…જયારે તમે એમ કહેશો મારે કઈ નથી જોઈતું તો એ પણ કહેશે મારે કઈ નથી જોઈતું…તમે એક કિલો ચોખા વાવો છો તો કુદરત તમને તેનાં ચાર કિલો ઉગાડીને પાછા આપે છે. તમે જે વાવ્યું હશે, તે જ તમારે લણવાનું રહેશે, અને તમે એક વખત વાવ્યા પછી જ એમ કરી શકો.

હું આશ્રમની બહાર થોડા દિવસ માટે ગયો હતો. મારે ડેન્ટીસ્ટ પાસે ઈલાજ માટે જવાનું હતું. હું જયારે હિમાલયમાં હોય ત્યારે મેં ઘણી વખત બરફ ખાધો હતો, એનાંથી મારા અવાળાને નુકશાન થયું હશે. આ ડેન્ટીસ્ટ પાસે મારી પ્રથમ મુલાકાત જ હતી, એનું ક્લિનિક ખુબ જ અત્યાધુનિક હતું. તે એક હોશિયાર, જાણકાર, અને માયાળુ ડોક્ટર હતો. તેને ખુબ સારી રીતે બધી માહિતી આપી અને ખુબ જ કાળજીપૂર્વક ટ્રીટમેન્ટ આપી. બે મુલાકાતમાં સારવાર પૂરી થઇ. સારવારનાં અંતે મેં તેને ફી આપવાની કોશિશ કરી, પણ તે ફી લેવાની ના પાડતો હતો. તેણે કહ્યું તેને મારા તરફથી જે હકારાત્મક લાગણીના વાઇબ્રેશન મળતા હતા તે જ તેની ફી હતી. તેને લાગ્યું કે આ એક તેના માટે સેવા કરવાનો મોકો હતો. મેં રીતસરની ફી લઇ લેવાની આજીજી કરી. ખાસ તો એટલાં માટે કે મેં ક્યારેય અંગત જરૂરિયાત માટે કોઈ દાન કે ભેટ સ્વીકારી નથી. જે આપી શકાય એવું હોય તેવું કઈ પણ હું પાસે નથી રાખતો. ભૌતિક ચીજ વસ્તુનો ભેટ સ્વીકાર મને એક ભાર જેવો લાગે છે. પણ તે તો જીદ પર જ અડી ગયો હતો. આખરે ઘણી બધી દલીલો કર્યા પછી તેને ફી નો એક થોડો ભાગ સ્વીકાર્યો.

ચોક્કસપણે એનું કર્મ કુદરતે નોંધ્યું જ હોય. અને તેને એના હજાર ટકા પાછા મળવાના હતા. મને તો ચોક્કસપણે ખબર હતી કે આ ડેન્ટીસ્ટ ભવિષ્યમાં પૈસામાં આળોટવાનો હતો, એટલાં માટે નહિ કે એને આપવાની તૈયારી બતાવી પરંતુ એટલાં માટે કે એને ઉદારતા અને લાગણીનાં ભાવથી એમ કર્યુ હતું. આ રીતે કુદરતનું કામ ચાલે છે. તેને કોઈ પણ અપેક્ષા વગર આપ્યું અને કુદરત પણ તેને કોઈ પણ શરત વગર પાછુ આપશે. તે જે કામ કરતો હતો તે તેને વહેચવાની તૈયારી બતાવી, એટલાં માટે કુદરત પણ તેની સાથે વહેચવાની, આપવાની તૈયારી દાખવશે.

તમે ફક્ત જો તમારા માટે જ જીવતાં હશો, તો આકર્ષણનાં નિયમને ટ્રાય કરવો એ પણ એક નરી અપરીપક્ક્વતા હશે. ફક્ત તમે માંગો છો અને માટે કુદરત તમને આપશે એમ માનવું એ જરા વધારે પડતી મહત્વકાંક્ષા ગણાશે. જો તમે એક ડોલર કે રૂપિયો પણ વહેચી શકતા ન હો તો, થોડા સારા શબ્દો, દયા કે કદરને વહેચો. જો તમે કોઈનું ખિસ્સું પૈસાથી ભરી ન શકતા હોય તો, કદાચ તમે કોઈનું હૃદય પ્રેમથી ભરી શકો. કુદરતને તમારા પૈસાની જરૂર નથી. કુદરત પૈસા ઉપર નથી ચાલતું, એ ટકી રહ્યું હોય તો ફક્ત દયા અને પ્રેમ ઉપર. જો તમે તમારા ભાગે આવતી જવાબદારી નિભાવો તો એ એના ભાગની નિભાવશે. આપીને તમે મેળવવાને લાયક બનો છો.

તમારા માટે શું મહત્વનું છે: તમારી જે ઈચ્છા હોય તે મેળવવું કે જે જરૂરી હોય તે પ્રાપ્ત કરવું? જે છે તેનાં માટે કાળજીપૂર્વક રહેવું કે જે નથી એના માટે કલ્પાંત કરવું? આપવાથી તમે એકદમ હળવા બની જાઓ છો.

જો કુદરતે તમને આપવાનું માધ્યમ બનાવ્યું હોય, તો તમે એક નસીબદાર વ્યક્તિ છો. જે જોઈતું હોય તે મેળવવા માટે તમારે પ્રથમ એ આપવાની શરૂઆત કરવી પડશે. અને ધીરજ રાખવાની પ્રેક્ટીસ શીખવી પડશે. કુદરતની રમતમાં કશું પલ ભરમાં થઇ જતું નથી. આ છે આકર્ષણનો નિયમ – the law of attraction.

લોખંડને આકર્ષવા માટે તમારે ચુંબક બનવું પડશે, ભમરાને આકર્ષવા માટે તમારે પુષ્પ બનવું પડશે. બનાવટીપણાને અહી કોઈ અવકાશ નથી. પ્રમાણિકતા જ ચુંબક બની શકે, અને તમે કુદરતી રીતે જ આકર્ષી શકશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email