એક વખત, કેટલાંક છોકરાઓ બીચ ઉપર રમતાં હતાં. તેઓ રેતીના કિલ્લા અને બીજા તેવા આકારો બનાવવામાં મશગુલ હતાં. તેમાંના કેટલાંક પાસે સારા સાધનો જેવાં કે કોદાળી, પાવડો, ડોલ, ડબલું વિગેરે હતાં. તેઓએ ઘણો સમય તેમનાં કિલ્લા બનાવવા પાછળ ગાળ્યો.

તેમાંના એક છોકરાને રેતીના આકારો ઉભા કરવામાં રસ નહોતો, તે ફક્ત જોયા કરતો હતો.
મોડી બપોરે, જયારે બીજા છોકરાઓ પોતાનાં કિલ્લા બાંધી રહેવા આવ્યા હતાં, ત્યારે એ છોકરો તે રેતીના કિલ્લા ઉપર કુદવાની અને એને એક જ લાત વડે જમીનદોસ્ત કરવાની લાલચને રોકી શક્યો નહી. અને એક કિલ્લાને તો તેને તોડી પણ પાડ્યો.

બીજા છોકરાઓ આ જોઈને ખુબ ગુસ્સે થયા અને પેલા છોકરાને પકડીને મુક્કાથી અને પ્લાસ્ટિક ની કોદાળીથી માર્યો, તેના પર રેતી પણ ફેકી. તેને મારથી ઉઝરડા પડી ગયા અને ચહેરા પર નિશાન પણ થઇ ગયા. તે દૂર જતો રહ્યો અને રડવા લાગ્યો. બીજા છોકરાઓ એટલાં ગુસ્સે થયા હતાં કે તેમને એની દયા પણ ના આવી, તે તો પાછા કિલ્લા બનાવવામાં લાગી ગયા. એકાદ કલાક પસાર થયો હશે કે હવે અંધારું થવા લાગ્યું. લોકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. પેલા છોકરાઓએ પણ હવે કિલ્લા બાંધવાનું પડતું મુકવાનું નક્કી કર્યુ.

જતાં પહેલા, તેઓ આનંદથી એકબીજાનાં કિલ્લા ઉપર કુદકા મારવા લાગ્યા. થોડી મિનીટો આમ કર્યા પછી, આખા દિવસની મહેનતને જમીનદોસ્ત કરી, તેઓ ઘેર પાછા ફર્યા.

પેલો એકલો, માર પડેલો છોકરો જે દૂર બેઠો હતો, તે વિચારવા લાગ્યો કે તેને જે કર્યુ એ ખોટું હતું કે પછી એ સમય ખોટો હતો, કે પછી જે એને બનાવ્યું નહોતું તે તોડવાનો હક તેને નહોતો? એવું કેમ બન્યું કે જે કામ એને કર્યુ તેનાંથી પેલા છોકરાઓને ગુસ્સો આવ્યો અને એ જ કામ તેમને જાતે કર્યુ તો આનંદપૂર્વક કર્યુ?

ચાલો થોડી વાર માટે આ વાર્તામાં કોઈપણનાં કૃત્યને ન મૂલવતા ફક્ત એના અર્થને સમજવાની કોશિશ કરીએ. તમે ગમે તેને સાચવવાની કોશિશ કરતાં હોય, એ રેતીના કિલ્લા જેટલું જ કાયમી હોય છે. શિસ્ત કદાચ જરૂરી હોઇ શકે, છતાં ગુસ્સાને ફક્ત બહાનાથી જ વ્યાજબી ઠેરવી શકાય, તમે તેને કોઈ પણ રીતે વ્યાજબી બતાવી શકો, પરંતુ સત્ય તો એ છે કે ગુસ્સાથી બન્ને જણને નુકશાન થાય છે, કરનારને અને એનો ભોગ બનનારને.

ચાલો આગળની પોસ્ટમાં જણાવ્યા મુજબ જુદા-જુદા પ્રકારના ગુસ્સા વાળા વ્યક્તિઓને સમજીએ. તે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:

૧. પત્થરનો શિલ્પી (The Stone Sculptor)

પત્થર પર કોતરેલી લકીરનો વિચાર કરો. તે હંમેશા માટે ત્યાં રહી જતી હોય છે. ગુસ્સો કેટલાંક માણસોની અંદર પત્થર પરની લકીર જેવો હોય છે. તેઓ તેમનાં જીવનના સંજોગો, ઘટનાઓ, અને પ્રસંગો તેમ જ તેમનો પોતાનો તેના પ્રત્યેનો અભિગમ તેમને હંમેશા ક્રોધથી ભરેલા રાખે છે. તેઓ જેમાંથી પસાર થઇ ગયા છે તેને ભુલી શકતાં નથી, અને જેમને તેમની સાથે ખોટું છે તેમને તે માફ કરી નથી શકતાં, પરિણામે તેઓ ગુસ્સો અને નકારાત્મકતા તેમનાં હૃદયમાં ભરી રાખે છે. પત્થરની લકીરની જેમ, ગુસ્સો તેમનાં મન ઉપર કાયમી છાપ છોડી જાય છે. આ પ્રકારના ગુસ્સાને ઠીક કરવો સૌથી વધુ મુશ્કેલ છે. એક પત્થર વિશે વિચાર કરો કે જેને ઠીક ના કરી શકાય એટલું નુકશાન થયેલું છે. એવો કોઈ રસ્તો નથી જેના વડે હવે તે પત્થરને હતો એવા મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકાય. આ સૌથી ખરાબ પ્રકારનો ગુસ્સો છે. જે લોકો નકારાત્મકતાને પોતાની અંદર ઉકાળતા હોય છે તે પત્થરના શિલ્પી જેવા હોય છે. તેઓ હંમેશા નિરાશાવાદી અને નકારાત્મક, ઉદ્વિગ્ન તેમજ ગુંચવાયેલા રહેતા હોય છે. દરેક ખરાબ પરિસ્થિતિ માટે, દરેક નકારાત્મક લાગણી માટે તેમની પ્રતિક્રિયા એકમાત્ર ગુસ્સાથી જ વ્યક્ત થતી હોય છે. હર એક ઘટના સાથે તેમનો ક્રોધ વધતો જાય છે, ગુસ્સાની રેખાઓ વધુ ઊંડી ઉતરતી જાય છે.

૨. રેતીનો શિલ્પી (The Sand Sculptor)

આ પ્રકારના ગુસ્સા વાળા લોકો દુનિયામાં સૌથી વધુ સામાન્ય છે. ધારો કે રેતી પર એક લાઈન દોરેલી છે, તે ગમે તેટલી ઊંડી કે જાડી હશે, પણ તે કાયમી નથી. રેતીના કિલ્લાની દીવાલ ગમે તેટલી મજબૂત બનાવી કેમ ના હોય, દરિયાના મોજાની એક થાપટ એને ધોઈ નાખે છે. એ જ રીતે એવા ઘણાં લોકો હોય છે જે ગુસ્સે થતાં હોય છે પરંતુ તેઓ તેમનો ગુસ્સો હૃદયમાં સંઘરી રાખતા નથી, તે તેને છોડી દેતા હોય છે. જયારે ગુસ્સે હોય ત્યારે તેઓ વિચારો અને નિર્ણયોનાં કિલ્લાઓ બાંધતા હોય છે, પરંતુ આનંદનું એક મોજું, સારા સમયની એક ભરતી, માફીની એક ચેષ્ટા, અપરાધીનો એક પશ્ચાતાપ… અને તેઓ તરત જ તેમની ગુસ્સાની દીવાલ ઓગાળી નાખે છે અને પાછા પોતાનાં ખુશમિજાજ તરફ પાછા વળી જતાં હોય છે. ડાહ્યા માણસો તેમનું હૃદય એટલું શુદ્ધ રાખતા હોય છે કે તેઓ પત્થરનું શિલ્પ ન બનીને રહી જાય. તેઓ ગુસ્સે થતાં હોય છે પરંતુ જતું પણ કરતાં હોય છે. અંતે તેઓ રેતીને પણ કોઈ નુકશાન પહોચાડતા નથી, લકીરો ભૂસાઈ જતી હોય છે અને ગુસ્સાની દીવાલ પણ જોતજોતામાં નષ્ટ થઇ જાય છે.

૩. સર્ફર (The Surfer)

આ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે! તમે જો કોઈ સર્ફિંગ કરતાં હોય એમને જુઓ તો જણાશે કે તે પણ લાઈન દોરતા હોય છે, તેઓ જો કે પાણીમાં દોરતાં હોય છે. આ લાઈનો જો કે જેવી દોરાય કે તરત જ ભૂસાઈ પણ જતી હોય છે. સર્ફરનો ગુસ્સો ક્ષણિક હોય છે, એ જેટલો જલ્દી ઉઠે છે એટલો જ જલ્દી શમી પણ જાય છે. તેઓ કોઈને દુઃખ લાગે એવા શબ્દો બોલે એ પહેલાં જ તેઓ શાંત થઇ જાય છે, તેઓ ગુસ્સાને પોતાનાં હૃદયમાં સંઘરી રાખતાં નથી, તેઓ ગુસ્સાની કોઈ દીવાલ ચણતાં નથી, જો કે તે અસ્થાઈ સ્વરૂપે ફક્ત મોજા ઉપર સવારી કરે છે અને તરત જતું કરે છે.

અંતર્મુખી બનવાનું કાર્ય એ તળાવ જેવા બનવા જેવું છે, એક ચોક્ખા સ્થિર અને શાંત પાણીનું જળાશય!

ગુસ્સામાંથી બહાર આવવા માટે તમારા સ્વભાવને પ્રથમ સમજો, તમે શિલ્પી છો કે સર્ફર છો, અને તમારા ગુસ્સાના પ્રકારને સમજો, એટલે કે એ જ્વાળામુખી (Volcano) જેવો છે કે ઉકળનાર (brewer) છે. તે જાણ્યા પછી હવે તમારા ગુસ્સા કરતાં તમે વધુ મજબૂત બની શકો એ દિશામાં પગલાં ભરો, કારણ કે જો તમે મજબૂત હશો તો તમે ગુસ્સામાંથી બહાર આવી શકશો, નહીતર ગુસ્સો તમારા કરતાં વધુ શક્તિમાન સાબિત થશે.

મેં હવે પછીની બીજી પોસ્ટમાં ગુસ્સાની લાગણી વિશેનો સાર લખ્યો છે. ગુસ્સાની લાગણીમાંથી કેવી રીતે બહાર આવવું તેના રસ્તા વિશે હું લખીશ. ત્યાં સુધી, થોડો સમય ફાળવી તમારા સ્વભાવ અને તમારા ગુસ્સાના પ્રકાર વિશે થોડું ચિંતન કરો. જેટલી વધુ તમે તમારી જાતને ઓળખશો તેટલા વધુ સારા તમારે જેવા બનવું હશે એવા બની શકશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email