ગતાંક થી ચાલુ રાખતા, આજે હું બે પ્રકારના ગુસ્સા વિશે વાત કરીશ. ક્રોધ એ કુદરતી માનવ લાગણી છે, કોઈપણને કે જેને પ્રેમ, દયા, કે માયાળુપણાની લાગણી છે તેને ગુસ્સો, ધૃણા અને તેના જેવી બીજી લાગણીઓથી પણ હોય છે. છતાં મક્કમ રહેવા માટે ગુસ્સો કરવો જરૂરી નથી. તો પછી શિસ્ત ગુસ્સાથી નહી પણ જરૂરતમાંથી જન્મે છે એમ કેવી રીતે જાણવું? ગુસ્સાથી નકારાત્મક લાગણી વધે છે, તે તમને તરત જ નબળા બનાવી દે છે. અને ગુસ્સા અને શિસ્ત વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ગુસ્સો અનપેક્ષિત, અચાનક અને હંમેશા બેકાબુ હોય છે.

એક વખત એક યુવાન માણસ હોય છે, એ પોતાને આવતા ગુસ્સાનાં હુમલાઓથી આજુબાજુનાં લોકો જેટલો જ થાકી ગયો હતો. એ નહી જેવી બાબતો માટે ગુસ્સે થઇ જતો અને પાછળથી માફી માંગતો. એની માફીને કોઈ કિંમત નહોતી રહી કારણ કે એના માફી પછીનાં કૃત્યો એના પોતાનાં જ વચનનો ભંગ કરી નાખતા. એ કબુલતો કે ગુસ્સો એનામાં ઊંડે સુધી સમાઈ ગયો હતો અને તે બેકાબુ બની જતો હતો. એને લાગતું કે એના પોતાનાં લોકો કેમ આ જોઈ શકતાં નથી અને એને જેવો છે તેવો સ્વીકારી લેતા નથી? એ એના ગુરુ પાસે ગયો અને માર્ગદર્શન માંગ્યું.

“એક લાકડાનું પાટિયું લઇ લે અને જયારે ગુસ્સો આવે ત્યારે તેમાં એક ખીલ્લી ઠોકી દે, જયારે આખું પાટિયું ભરાઈ જાય ત્યારે મારી પાસે લઇ આવજે” ગુરુએ કહ્યું.

એ યુવાન તો પાછો ગયો અને ગુરુની સલાહ મુજબ પાલન કર્યુ. થોડા અઠવાડિયા પછી, પાટિયું તો ભરાઈ ગયું અને એના પર થોડી ય જગ્યા રહી નહોતી, આખું ખીલ્લીઓથી ભરાઈ ગયું હતું. એ જોઈ એને ખુબ જ શરમ આવી. એ પાછો ગુરુ પાસે એ પાટિયું લઈને ગયો.

“હવે સભાનપણે તારા ગુસ્સાને કાબુ કરવાનો પ્રયત્ન કર, અને જયારે તું એમ કરવામાં સફળ રહે ત્યારે એક ખીલ્લી આ પાટિયામાંથી ખેંચી કાઢજે. બધી ખીલ્લીઓ જયારે નીકળી જાય ત્યારે પાછો મારી પાસે આ પાટિયું લઈને આવજે.” ગુરુ એ કહ્યું.

એ સહમત થયો, અને તેને એ પાટિયાને ચોક્ખું કરતાં ખુબ લાંબો સમય લાગ્યો, ઘણાં બધા મહિનાઓ વીતી ગયા. એને ગુસ્સા ઉપર પોતાનો કાબુ અનુભવ્યો. એને આખું પાટિયું ચોક્ખું જોઇને ખુબ જ હળવાશ અનુભવી અને પાછો ગુરુ પાસે લઇ ગયો.

ગુરુએ પાટિયું હાથ માં લીધું અને બોલ્યા: “અરે! તે તો આ પાટિયું આખું ચોક્ખું કરી દીધું, પણ મને એવી એક ખુબ જ ઈચ્છા થાય છે કે તું આ પાટિયાને પાછુ હતું એવા એના મૂળ સ્વરૂપમાં ગમે તેમ કરીને લઇ આવે તો કેવું સારું, જેથી આ બધા ખાડા છે તે અદ્રશ્ય થઇ જાય.
ગુસ્સામાં થતું નુકશાન કદાચ પહેલા ઠોકેલી ખીલ્લીને પાછળથી જેમ ખેંચી કાઢીએ એમ દૂર પણ કરી શકાય, છતાં, એને ક્યારેય સંપૂર્ણપણે મિટાવી શકાતું નથી એનો ઘાવ તો હંમેશા માટે રહી જતો હોય છે.”

એક સામાન્ય ગેરસમજણ ખુબ જ વ્યાપક છે કે તમારા ગુસ્સાને બહાર કાઢી નાંખવાથી એક હળવાશ અનુભવાય છે. કદાચ એ વાત જેટલી ખોટી છે છતાં તેને એટલી જ સાચી માની લઈએ તો પણ એનાથી જે નુકશાન થાય છે તે ભરપાઈ ન થઇ શકે તેવું હોય છે. તમારા ગુસ્સાને પકડી રાખવો એ એક ભારે ભૂલ છે. જરૂરી છે તમારા ગુસ્સાની લાગણીને પ્રેમ, દયા કે સહાનુભુતિ જેવી મોટી, મજબૂત, અને વધારે સારી લાગણીમાં પરિવર્તન કરવું.

તમે તમારા ગુસ્સાને કેવી રીતે અનુભવો કે વ્યક્ત કરો છે એનો આધાર તમારી લાગણીનાં સંગઠન, તમારી માનસિકતા, તમારા ઉછેર પર તેમજ બીજા પરિબળો જેવા કે તમારા ઘરની અંદરનું અને બહારનું વાતાવરણ, તમારા ધર્મ અને સંસ્કૃતિની અસર વગેરે જેવા પર આધાર રાખે છે. ચાલો હું તમને ગુસ્સા માટે બે પ્રકારની સમાનતા વિશે ખ્યાલ આપું:

૧. જ્વાળામુખી (Volcano)

કેટલાંક લોકો નીચેની (અંદરની) ગરમીનાં લીધે જ્વાળામુખીની જેમ ફાટે છે. જયારે તકલીફ વાળી પરિસ્થિતિ આવે ત્યારે તેઓ ફુગ્ગાની જેમ ફૂટી જાય છે. તેઓ તેમના ગુસ્સાનો ધડાકો કરે છે જેમ કે હિસ્ટીરિયા આવતો હોય. તેઓ એક ક્ષણમાં ગુસ્સે થઇ જાય છે, અને પાછા તેઓ ઠંડા પણ પડી જાય છે. તેઓ પોતાનાં કૃત્યો ઉપર પસ્તાવો પણ કરતાં હોય છે, તેઓ પાછળથી માફી પણ માંગતા હોય છે, તે પાછા ગુસ્સે નહી થવાનું વચન પણ આપે છે. પરંતુ એ બધું નકામું અને બિનઉપયોગી સાબિત થાય છે. જયારે ફરી પાછા તે ઘર્ષણમાં કે વિરોધમાં આવે છે કે તેઓ તરત જ જેવું ભૂતકાળમાં કર્યુ હતું એવું જ વર્તન કરતાં હોય છે.

શા માટે? ગુસ્સો એ તેમની છટકબારી છે. અને! કારણ કે આ તેમનું એક પ્રકારનું ગુસ્સા સાથેનું વલણ થઇ ગયું હોય છે (coping mechanism), જ્યાં સુધી તેમનું શરીર સહન કરી શકે ત્યાં સુધી તે દરેક પરિસ્થિતિ સાથે ગુસ્સાથી જ કામ લે છે. જેમ તેઓ સારી પરિસ્થતિમાં ખુશી અનુભવે છે તેમ તેઓ ખરાબ પરિસ્થતિમાં ગુસ્સો અનુભવે છે, અને દરેક અનિચ્છનીય પરિસ્થિતિમાં ગુસ્સો અનુભવવાનું ચાલુ રાખે છે.

જો તમે કોઈ નકારાત્મક પ્રતિકારને તમારા વલણ તરીકે સ્વીકારી લો તો તમે તેને સારા અને હકારાત્મક પ્રતિકારમાં બદલવાની તાકાત તરત જ ગુમાવી દો છો. ગુસ્સો કરવો એ ભાગ્યે જ યોગ્ય વાત કહી શકાય, ગુસ્સો એ પાટિયામાં ખીલ્લી ઠોકવા જેવું છે જે કાયમ માટે પોતાની અસર છોડી જાય છે.

ગુસ્સે થવાનું ચાલુ રાખવાથી તમે ઓછા ગુસ્સે નહી થાવ, તે તમને શાંત પણ નહી કરે. સવાલ છે શા માટે અમુક માણસો ગુસ્સામાં પાગલ થઇ જાય છે જયારે તેઓ જાણે છે કે તેનાંથી નુકશાન થઇ શકે છે, તેઓ જરાપણ ગુસ્સે થાય તેવું ઇચ્છતા નથી તો પછી તેમને કોણ ફરજ પાડે છે? આગળ વાંચો.

૨. ઉકળી ઉઠનાર. (Brewer)

કૉફીને તમે એક ચોક્કસ પોઈન્ટ પછી પણ જો ઉકાળવાનું ચાલુ રાખો તો શું થાય? તે એક્દમ કડવી થઇ જાય, એટલી બધી કડવી કે પીવાય પણ નહી, કોઈ મધ કે સ્વીટનરથી તે પાછી ગળી પણ ન કરી શકાય. એ જ રીતે જયારે કોઈ પોતાની નકારાત્મકતાને પકડી રાખે છે ત્યારે તે ઉકળવાનું ચાલુ રાખે છે, અને તે માણસને કડવો બનાવી દે છે. જેટલી વધુ નકારાત્મકતાને પકડી રાખે તેટલો વધુ કડવો તે બનતો જાય છે.

ગુસ્સાને જેમ જેમ ઉકાળવામાં આવે તેમ તેમ તે ફૂટવાની શક્યતા વધતી જાય છે. ગુસ્સાથી માણસ જે પાગલપણું બતાવે છે તે તો એકમાત્ર લક્ષણ છે, કારણ નહી. એ બતાવે છે કે કોઈ ખોટી નકારાત્મક લાગણીને તમે તમારામાં પકડી-જાળવી રાખી છે. એ જાણે કે ડમ્પ્લીંગ (ખાવાની વાનગી)ને માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવા જેવું છે. ડમ્પ્લીંગ એક ચોક્કસ ડીગ્રી સુધી જ ગરમી સહન કરી શકે છે પછી તે ફાટી જાય, ખાવાલાયક પણ ન રહે, અને બતાવવા જેવું પણ ન રહે.

જે અંદરથી ઉકળી ઉઠતું હોય છે એ ખરેખરું મારક હોય છે. એ એક ધીમું ઝેર છે, તેને વ્યક્તિ પોતાની અંદર રાખે છે. ઘણાં લોકો એને અંદર ભરી રાખે છે. તેઓ જતું કરવાને કે છોડવાને માટે સમર્થ હોતા જ નથી. ફાયરપ્લેસનો વિચાર કરો, તેની અંદર બળતું લાકડું રૂમને હુંફાળો રાખે છે, પણ જો સહેજ દિશાચૂક થઇ તો તે આખા ઘરને પણ બાળીને ભડથું કરી શકે છે. એ જ રીતે, જયારે માણસો ને પોતાની લાગણીઓ જોડે કામ લેતા નથી આવડતું ત્યારે એ વરવું સ્વરૂપ ધારણ કરી લે છે. ગુસ્સો જન્મે છે લાગણીઓની અવ્યવસ્થિત ગોઠવણીમાંથી. એ જાણે કે પોતાનાં દુઃખને નહી મટવા દેવા જેવું છે, જાણે કે દિશા ચૂકી ગયેલા પ્રેમ જેવું જેને હવે નકારાત્મક લાગણીના સ્વરૂપને ધારણ કરી લીધું છે, એમાંની હુંફ કે જે તે નકારાત્મકતાને ઓગાળી શકે છે, તે હવે હકીકતમાં તેને ઉકાળી રહી છે.

તમે જો ખરેખર તમારી અંદરના ગુસ્સાને કાઢી નાંખવા માટે ગંભીર હોવ તો તમારે તમારા રૂઝાવા ઉપર કામ કરવું જોઈએ અને તે પણ જ્યાં સુધી તમને તમારી શાંતિ અને શરણું ના મળી જાય ત્યાં સુધી. જયારે વિરોધ કે ઉશ્કેરાટ આવે અને જો તમે તૈયાર નહી હોય તો ગુસ્સો તમારું સમતોલન બગાડી નાખશે.

હવે પછીની એક કે બે પોસ્ટમાં હું ત્રણ પ્રકારનાં ગુસ્સા વાળા વ્યક્તિઓ વિશે વાત કરીશ અને તેના પછી તમારા ગુસ્સામાંથી કેવી રીતે બહાર આવવું એના વિશે વાત કરીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email