શું ગુસ્સો એ પ્રેમની બીજી બાજુ છે? ખરેખર તો બિલકુલ નહી. એ સ્વીકારની બીજી બાજુ છે કે પછી શાંતિની વિરોધી બાજુ છે. તમે તમારી જાત સાથે જયારે શાંતિમાં નથી હોતા ત્યારે તમે ગુસ્સે થાઓ છો. જિસસ જયારે ક્રોસ પર હતાં ત્યારે પણ ગુસ્સે નહોતા થયા, બુદ્ધ ઉપર જયારે કોઈ થુક્યું તો પણ તે ગુસ્સે નહોતા થયા, શિખોનાં નવમાં ગુરુ, ગુરુ તેગ બહાદુરને ગરમ તવાઈ પર બેસવાની ફરજ પડાઈ અને તેમનાં ઉપર અત્યંત ગરમ રેતી રેડવામાં આવી તો પણ તેઓ ગુસ્સે નહોતા થયા. એનો અર્થ શું એવો થાય કે તેમને જે પીડા અપાઈ તે ન્યાયી હતું, બરાબર હતું કે ઉચિત હતું? બિલકુલ નહી. મહાન સંતોએ ગુસ્સો પોતાનામાંથી બિલકુલ કાઢી નાખી બીજી કોઈ પણ બાબતો કરતા શાંતિને શા માટે પસંદ કરી તેના માટે કઈ કારણ હોવું જોઈએ.

સામેની વ્યક્તિનો કે તેના કૃત્યોનો સ્વીકાર કરવો એનો અર્થ એવો જરૂરી નથી કે તમે એનાથી સહમત થાઓ છો, તેનો અર્થ એવો થાય છે કે તમે તેઓનાં માટે અનિર્ણયાત્મક (નોન-જજમેન્ટલ) બની જાઓ છો. કારણ તમારા પોતાનાં મનની શાંતિ માટે, તમારી અંદરની સ્વસ્થતાને ટકાવી રાખવા માટે. જયારે તમને લાગે કે તમારી સાથે ખોટુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તમારા ગુસ્સાને તમારા પર હાવી ન થવા દેવા માટે તમારી પાસે ફક્ત બે જ વિકલ્પ હોય છે અને તે છે સ્વીકારવું કે અવગણવું. અવગણવું એ વ્યવહારિક લાગી શકે ખરું, પરંતુ સ્વીકારવું એ દૈવી બાબત છે. સ્વીકારવાની વાત ને જો કે જુઠલાઇ ન શકાય, એ ખાલી હકારાત્મકતાની વાત નથી. તમે તમારી જાતને ખાલી તમે બીજા લોકોનાં કૃત્યોનો સ્વીકાર કરો છો એમ કહીને માત્ર શાંત ના પાડી શકો, ખાસ કરીને જયારે તમને અંદરથી તો એમ જ લાગતું હોય કે સામેની વ્યક્તિ વાંકમાં છે જ.

હું મારો સંદેશ કહું એ પહેલાં ચાલો હું તમને મને સાંભળવા મળેલી એક સુંદર વાર્તા કહું:

એક સંત, એમના શિષ્યો સાથે એક વ્હેલી સવારે ગંગા કાંઠે મંત્રોચ્ચાર કરતાં ચાલતા હતાં. દૂર એક દંપતિ દેખાયું, તેઓ ખુબ જ તણાવમાં જણાતા હતાં, અને એકબીજા સામે રાડો પાડતા હતાં. જાણવા મળ્યું કે તે માણસની પત્નીએ ગંગામાં ડૂબકી લગાવતી વખતે પોતાનો હાર ખોઈ દીધો હતો. એટલા માટે એનો પતિ એને બરાબર ગાળો આપતો હતો, અને પત્ની પણ સામે એટલા જ જોર થી ચિલ્લાતી હતી.

સંત ઊભા રહ્યા, પોતાનાં શિષ્યો તરફ ફરતા બોલ્યા: “જયારે લોકો ગુસ્સામાં હોય છે, ત્યારે તે બરાડા કેમ પાડતા હોય છે?”
એક શિષ્યે કહ્યું “જયારે આપણે આપણી શાંતિને ગુમાવીએ છીએ ત્યારે આપણે રાડો પાડીએ છીએ.”
“બની શકે”, સંતે કહ્યું, “પણ જયારે બીજી વ્યક્તિ તમારી સામે જ ઉભી છે તો પછી જોરથી શા માટે બોલવું જોઈએ? એવું તો છે નહી કે એનાથી તે તમને વધારે સારી રીતે સાંભળી શકશે. તમે જોરથી રાડો પાડ્યા વગર પણ તમારો મુદ્દો રજુ કરી શકો છો.”
શિષ્યોએ ઘણાં જવાબો આપ્યા, પણ એકેય જવાબ સત્યદર્શન કરાવે તેવો નહોતો.

અંતે સંત બોલ્યા:
“ગુસ્સો તરત જ તમારી વચ્ચે અંતર પેદા કરી દે છે. જયારે બે લોકો એકબીજા પર ગુસ્સે થતા હોય છે, ત્યારે તેમનાં હૃદય એકબીજાથી નજીક હોતા નથી. તેમની લાગણીઓ વહેચાઈ જાય છે અને તેઓ એકબીજાથી મીલો દૂર થઇ જાય છે. એ અંતરને કાપવા માટે તેઓ રાડો પાડે છે. તેઓ જેમ વધુ ગુસ્સે થાય, તેટલી વધુ રાડો પાડે છે. તેઓ હવે પ્રેમ કરવાના, સ્વીકાર કરવાના કે પછી નજીક આવવાના મૂડમાં નથી હોતા. તેઓ એકબીજાને સાંભળી પણ શકતા નથી, તેમને લાગે છે કે રાડો પાડવાથી જ તે એકબીજાને સાંભળી કે સંભળાવી શકશે.

“અને! જયારે બે વ્યક્તિ એકબીજા નાં પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકબીજા ઉપર રાડો નથી પાડતા, પરંતુ એકદમ ધીમેથી બોલે છે, તેઓ જાણે કે ગણગણે છે, કારણ તેઓના હૃદય એકબીજાથી નજીક હોય છે. તેમની વચ્ચે થોડું કાં તો બિલકુલ અંતર રહેતું નથી.

“જેમ તેઓ એકબીજાને વધુ પ્રેમ કરે છે, તેઓ એનાથી પણ ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે, એકદમ ધીમેથી વાત કરે છે, છતાં પણ એકબીજાને વધુ સારી રીતે સાંભળે છે, તેમનું બંધન વધુ મજબૂત બને છે, તેમનો પ્રેમ વધુ ખીલે છે. અંતે તેઓ ગણગણતા પણ નથી, તે ખાલી એકબીજા સામે જુએ છે, તેઓનું મૌન તેમનાં સંવાદો કરતાં વધારે અસરકારક બની જાય છે. અને આ રીતે પ્રેમમાં તેઓ એકબીજાની નજીક આવે છે

“ તો હવે જયારે તમે દલીલ કરો ત્યારે તમારા પ્રેમનો બંધ તૂટી જાય અને તમારી વચ્ચે અંતર પેદા થાય તેવા શબ્દોનો ઉપયોગ ન કરો.”

ગુસ્સો મોટાભાગે નિરાશામાંથી જન્મે છે, અને નિરાશા તમારી અપેક્ષાઓ નહી સંતોષવાથી જન્મતી હોય છે. હું તમારી અપેક્ષાઓ કે નિરાશાઓને તે સાચી છે કે ખોટી એવા લેબલ નથી લગાવતો. એના માટે તમે જાતે જ તમારા જજ બનો. જયારે તમને બીજા તરફી અપેક્ષાઓ હોય છે અને તે પૂરી નથી થતી તો તેનાંથી દુઃખ થાય છે. છતાં જે કંઈપણ કારણ હોય, જયારે પણ તમે ગુસ્સે થાવ છો ત્યારે તમે એકદમ તરત જ નિર્ણયશક્તિ ગુમાવી દો છો, તમે ખુદ તમે નથી રહેતા. શબ્દોથી થતું દુઃખ સમય જતાં મટી જાય ખરું, પણ એ અટલ અને ભરપાઈ ન થઇ શકે તેવું તો કાયમ રહેતું જ હોય છે.

જયારે બે વ્યક્તિ નજીક રહેવાનો પ્રયત્ન કરે છે, જયારે તે એકબીજા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જયારે તેઓ એક સાથે ઊભા રહે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર આપોઆપ ઘટી જાય છે. અને જયારે તેઓ દુરી નથી અનુભવતા ત્યારે રાડો પાડવાની જરૂરત પણ નથી રહેતી. હા, ત્યાં થોડી ઘણી દલીલો થઇ શકે છે, છતાં તેની અસર ઘણાં અંશે ઓછી થઇ જાય છે.

ગુસ્સો મૂળભૂત રીતે તમારું બોઈલીંગ પોઈન્ટ છે, જો પાણી ગરમ તવાઈ પર હશે તો કુદરતી રીતે ઉકળી ઉઠશે. નીચેની ગરમીને બંધ કરવાથી જ તે પાણી પાછું પોતાનાં મૂળ સ્વરૂપમાં આવી શકે. એ જ રીતે જયારે તમે ગુસ્સાથી ઉકળતા હોવ છો, તમે રેગ્યુલેટર તમારા હાથમાં રાખો છો. સામેની વ્યક્તિ તેમાં ઇંધણ પૂરું પાડે છે. છતાં એ તમારા હાથમાં છે કે પોતાની ગરમી કેટલી કંટ્રોલમાં રાખવી. તમે હુફાળા, કોકરવરણા, કે ઉકળેલા રહેવાનું પસંદ જાતે કરી શકો છો.

અંતે તો ગરમી તમારા અસ્તિત્વનું બાષ્પિભવન કરી જ નાખે છે, એ તમારી પસંદગીની વાત છે, સ્વીકાર એ ખરેખર અઘરી બાબત છે, અને તે કોઈ વખત અવ્યવહારુ પણ લાગી શકે. તો તમારી જાતને સ્વસ્થ રાખવા માટે શું કરવાનું? એવું કઈ છે કે જેને અપનાવવાથી તમે જ્યાં સુધી એ ઉન્નત સ્તરે ન પહોચી જાઓ કે જ્યાં પહોચ્યા પછી કશું પણ તમને હલાવી ન શકે, ત્યાં સુધી તમને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થઇ શકે? જવાબ છે: હા.

છતાં, ત્યાં પહોચતા પહેલાં, બે પ્રકારના ગુસ્સાને ઓળખી લેવા જોઈએ, જેને સમજી લઈએ છીએ તેને સંભાળવામાં વાંધો નથી આવતો. હું બીજી પોસ્ટમાં એના વિશે વાત કરીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email