માફી ઉપર ઘણું લખાયું છે, જ્યાં સુધી હું જાણું છું, દુનિયાના દરેક ધર્મોમાં માફીને એક દિવ્ય ગુણ તરીકે ગણવામાં આવે છે. માફી એ એક ખુબ જ ઉદારતા દર્શાવતો ભાવ છે, એ તમારા મનનો ભાર ઓછો કરે છે, અને તમને હળવા મહેસુસ કરાવે છે. જો કે માફ કરવું હંમેશા સહેલું હોતું નથી. હું મારા વિચારો વ્યક્ત કરું એ પહેલાં ચાલો હું તમને એક વાર્તા કહું.

એક વખત એક મઠમાં એક ગુરુ માફી ઉપર ઉપદેશ આપતા હતાં. કેટલાંક શિષ્યોએ દલીલ કરતાં કહ્યું કે જતું કરવું એ એક શ્રેષ્ઠ વાત છે છતાં એ કઠીન છે. તેમને લાગ્યું કે અમુક લાગણીને મનમાં રાખી મુકવામાં શું ખોટું છે ખાસ કરીને જયારે તે ધ્યાનમાં અવરોધરૂપ ન બનતી હોય?

સ્વામીએ તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળી. તેમને શિષ્યો ને થોડા બટેકા લાવવા માટે કહ્યું, અને તેના ઉપર તે વ્યક્તિનું નામ લખવાનું કહ્યું જેમને તેઓ માફ કરવા નથી માંગતા; એક વ્યક્તિ દીઠ એક બટેકો. તેમને કહ્યું કે આ બટેકા એક થેલીમાં મૂકવા, અને રોજ મઠમાં લઈને આવવાનું અને સાંજે પાછા પોતાની કુટિરમાં લઇ જવા.

શિષ્યોએ તો તેમની સૂચના મુજબ બીજા દિવસથી થેલી લઈને આવવાનું શરુ કર્યુ. કેટલાંક શિષ્યો તો બીજા કરતા મોટો થેલો લઈને આવ્યા હતાં. એક અઠવાડિયા જેટલો સમય પસાર થઇ ગયો, ભિક્ષુઓને તો આ થેલો લઈને આવવાની વાત હવે હાસ્યાસ્પદ લાગવા માંડી. બટેકા પણ સડવા લાગ્યા અને તેમાંથી દુર્ગંધ છુટવા લાગી. તેઓએ પોતાના ગુરુને પૂછ્યું કે ક્યાં સુધી તેમને આ ક્રિયા ચાલુ રાખવાની છે, કારણકે હવે તેમનાથી આ બિનજરૂરી વજન અને દુર્ગંધ સહન થઇ શકે તેમ નથી.

“તો, તમે શું શીખ્યા?” ગુરુએ પૂછ્યું.
“બટેકા અમારી નકારાત્મક લાગણી જેવા છે. તેમને પકડી રાખવા એ વજન અને દુર્ગંધને સાથે લઈને જીવવા જેવું છે,” તેઓએ જવાબ આપતા કહ્યું.
“બરાબર. પરંતુ, તમે થેલા વગર બટેકાને સાથે રાખી શક્યા હોત?” ગુરુએ કહ્યું, “જો બટેકા તમારી નકારાત્મક લાગણીઓને સૂચવે છે, તો થેલો સૂચવે છે?”

તરત જ ત્યાં આગળ એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ પથરાઈ ગયી. જ્ઞાનનો ઉદય જયારે થાય એ વખતે એવું થતું હોય છે. તેઓ સમજી ગયાં કે થેલો એ એમનું મન હતું.

કૃતજ્ઞતા, એકાગ્રતા અને હકારાત્મકતા જેવી ઘણી બધી આદતોની જેમ માફ કરવાની બાબતને પણ એક આદતની જેમ જોઈ શકાય. એક સજાગ પ્રયાસ, સતત જાતને યાદ અપાવવાનું કે તમારે સડેલો બટેકો તમારા થેલામાં નથી મુકવાનો. અને સમય જતાં, એ તમારી આદત બની જશે, તમારો બીજો સ્વભાવ બની જશે.

આજનો મારો વિષય બીજાને માફ કરવા ઉપર કેન્દ્રિત નથી, પરંતુ પોતાની જાતને માફ કરવા વિષે છે. જયારે બીજા બધા તમારી નજર અને તમારા મનથી દૂર હોય છે, ત્યારે અંતે તમે તેમને માફ કરી જ દો છો, કાં તો પછી તમે તેમને ભુલી જતાં હોવ છો, તેમના દ્વારા જે દુઃખ તમને થયું તે સમય જતાં ઓછુ થઇ જાય છે. પરંતુ, તમે તમારાથી દૂર થઇ શકતા નથી, તમે તમારાથી દૂર ભાગી પણ શકતા નથી, તમે હંમેશા તમારા મનમાં હોવ છો, તમારા કર્મોથી તમે બેખબર નથી રહી શકતા. જાણ્યે અજાણ્યે, જયારે પણ તમે ભૂલ કરો છો, તમે તમારી જાતને એક બટેકો આપો છો.

પોતાની જાત પ્રત્યે મોટી અપેક્ષા રાખવી એ એક માનવ સ્વભાવ છે, આવી અપેક્ષાઓ જ આપણને પ્રગતી કરવાની, પયત્ન કરવાની, કઈક બનવાની, કઈક મેળવવાની, પ્રેરણા આપે છે. અન્ય લોકોને આપણા તરફથી જે અપેક્ષાઓ હોય છે તેના કરતા આપણી પોતાની જાત પ્રત્યેની અપેક્ષાઓને એક કતારમાં ગોઠવવી એ એક ખુબ કઠીન વાત છે. જયારે જયારે તમે તમારી અપેક્ષાઓમાં ખરા નથી ઉતરતાં, તમે તમારી જાતને એક બીજો બટેકો આપો છો.

જયારે તમારી પાસે બધું જ હોય છતાં પણ કઈક ખૂટે છે ની લાગણી, કોઈ પણ જાતનાં દેખીતા કારણ વગર થતી નકારાત્મકતાની લાગણી, પોતાની અંદરનાં આનંદની સ્થિતિને ટકાવી રાખવાની અસમર્થતા…આ બધું એ વાતની નિશાની છે કે તમે તમારી જાત પ્રત્યે કેટલાં સખ્ત છો. આ તમારા નહિ માફ કરી શકવાનાં સ્વભાવનાં લક્ષણો છે.

જયારે તમે તમારી જાતને માફ કરતા થઇ જાઓ છો ત્યારે બીજાને માફ કરવાની જરૂરિયાત એકદમ ઓછી થતી જાય છે. કારણકે માફી આપવાનો સવાલ તો જ ઉઠે કે જયારે તમને એમ લાગે કે તમારી વિરુદ્ધ કઈ ખોટું થઇ રહ્યું છે. જો તમને બીજાએ જે કર્યુ એમાં કશું ખોટું ન લાગે, કે પછી તમે તેનાથી અસરમુક્ત થઇ જાઓ, તો પછી માફ કરવાને માટે કોઈ કે કશું રેહતું જ નથી. જેમ વધુ તમે તમારા કૃત્યોને માફ કરતા શીખી જાઓ છો, એટલા જ વધુ તમે બીજાના કૃત્યોથી અસરમુક્ત રહી શકો છો. વિરોધાભાસી લાગે છે? ફક્ત જો માફીને ખોટું કર્યે રાખવાનું લાઇસન્સ ગણી લેવાની ભૂલ કરો તો કદાચ વિરોધાભાસી લાગી શકે ખરું.

તો, તમારી જાતને માફ કેવી રીતે કરવાની? ચાલો હું તમને એક સાદા બે જ સ્ટેપમાં તે બતાવું.

૧. લખી નાખો

શાંતિથી બેસો અને તમે તમને કઈ કઈ બાબતો માટે માફ કરવા માંગો છો એનું લીસ્ટ બનાવો. તમારા લીસ્ટમાં ખાલી તમારા કર્મો જ નાં હોવા જોઈએ, પરંતુ તમારી નિષ્ફળતાઓ પણ લખો, તમે તમારા જીવનમાં શું ખોટુ કર્યુ છે, જે કઈ પણ કમનસીબ બનાવો તમારી સાથે બન્યા છે એ પણ લખો. તમારી જાત ને માફ કરો. તમને સ્વસ્થ કરો. આપોઆપ તે થવા દો. તમારી જોડે જે કઈ પણ ખોટું થયું કે થઇ રહ્યું છે એમાં તમારો વાંક છે, એવી અફસોસની લાગણીને જતી કરો. ઘણીવાર પ્રામાણિક પસંદગી અને સારા હેતુ પણ મુશ્કેલી ભરી પસંદગી અને ખોટા પરિણામ તરફ લઇ જતાં હોય છે. તમે તમને એ સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યુ, તમને જે બરાબર લાગ્યું તે કર્યુ. તમે તે જ્ઞાનપૂર્વક કર્યુ અને તે પણ જો ખોટું ઠર્યુ હોય તો પણ તમારી જાતને માફ કરો, ખાસ કરીને જો તમે એ જ વાતનું પુનરાવર્તન થાય એવું ના ઇચ્છતા હોય તો. શા માટે? કેમ કે ભૂતકાળને બદલી શકાતો નથી, અને ફક્ત એટલી જ વાત તમારા વર્તમાનને સજા કરવા માટે અને ભવિષ્યને ખતમ કરવા માટે પુરતી નથી. હકીકતમાં, તમારી જાત ને માફ કરવાથી તમારી અંદર એક સંકલ્પ અને શક્તિ પેદા થશે જે તમને આવી ભૂલો ફરી ના થાય એના માટે મદદરૂપ બનશે.

૨. નિશ્ચિતપણે માફ કરી દો

અરીસા સામે ઊભા રહો, બધી વિગતોને વાંચી જાઓ, થોડી ક્ષણો પુરતું એના વિષે ચિંતન કરો અને મોટેથી કહી નાખો “હું મારી જાત ને માફ કરું છું” તમે આજ વાતને ભારપૂર્વક કહેવા માટે બીજા કોઈ પણ શબ્દો કે વાક્યોનો ઉપયોગ પણ કરી શકો છો. એ બાબતને ભૂસી નાખો અને હવે બીજી બાબત ઉપર પહોચો. આખું લીસ્ટ પૂરું થઇ જાય ત્યાં સુધી આમ કરો. જો તમે સાચી રીતે આમ કરશો તો આખી એક્સરસાઈઝ કરતી વખતે કાં તો તમે રડી ઉઠશો કે હસી પડશો. જયારે તમારું લીસ્ટ ખતમ થઇ જાય ત્યારે તેને ફાડી ને નષ્ટ કરી નાખો. જયારે તમે ફરી આ પ્રયોગ કરો ત્યારે ફરી વખત નવું લીસ્ટ બનાવો. એમાં કદાચ ફરીથી એની એ જ બાબત આવી શકે, પરંતુ, દર વખતે નવું લીસ્ટ બનાવો અને એના ઉપયોગ પછી તેને નષ્ટ કરી નાખો.

જયારે બીજું કોઈ “સોરી” કહે, તમે કહો છો “કઈ વાંધો નહિ”, પણ તમે તમારી જાત ને એમ કેટલી વખત કહ્યું છે? ટેઈક ઈટ ઇઝી.

જો તમે આ પ્રયોગમાંથી ખરેખર લાભ મેળવવા માંગતા હોય તો બે એક સરખા લાંબા લીસ્ટ બનાવો. પહેલું લીસ્ટ એ બાબતોનું જેના માટે તમે તમારી જાતને માફ કરવા માંગતા હોય. અને બીજું, તમે બીજાને જે બાબતો માટે માફ કરવા માંગતા હોય. દરેક ભૂલ જે તમે કરી હોય એના માટે તમે તમને માફ કરી દો, અને બીજાને એની ભૂલ માટે માફ કરી દો. તમે બધા બટેકાથી બહુ જલ્દીથી મુક્ત થઇ જશો.

મુલ્લા નસરુદ્દીન એક વખત એક કબ્રસ્તાનમાંથી પસાર થઇ રહ્યા હતાં. એક કબર પરના લખાણે તેમનું ધ્યાન ખેચ્યું. લખ્યું હતું: “મરી નથી ગયા, ખાલી સુતાં છે”

એ વાક્ય ઉપર થોડી વાર વિચાર કર્યા પછી, મુલ્લા બોલ્યા, “ઓહ, એ બીજા કોઈને નહિ પણ પોતાની જાત ને જ મુર્ખ બનાવે છે”

ખોટું પુષ્ટિકરણ બહુ નથી ચાલતું. જયારે તમે તમારા વિષે ચિંતન કરતા હોવ ત્યારે તમારા બોજાને નકારો નહિ, તમે જોશો કે તમારો થેલો કેટલો મોટો છે, બટેકા કેટલાં જુના છે, કેટલું વજન છે, તમને તેને ખાલી કરવાની એક તક મળશે, તમે તમને ખુદને એક પીછા જેટલાં હલકા મહેસુસ કરશો, મુક્ત થશો અને છેક ચંદ્ર પર પહોચી જશો.

એક ઊંડો શ્વાસ લો. અને છોડી દો. માફ કરવાની પ્રેકટીશ કરો, તમારી જાત સાથે પ્રથમ શરૂઆત કરો. તમારી જાત ને સારી રીતે પ્રેમપૂર્વક અને કાળજીપૂર્વક રાખો, દયા ભાવ રાખો, તમારું જીવન એના ઉપર આધારિત છે.

શાંતિ
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email