કુટુંબમાં, સમાજમાં અને આ દુનિયામાં જીવન જીવતા, કોઈ વખત તમારાં દેખીતા કોઈ પણ વાંક વગર, તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતાં હોવ છો, જેમાં સામેની વ્યક્તિ નકારાત્મક, તટસ્થ, થોડી વધારે પડતી દોષગ્રાહી, થોડી વધારે અસંવેદનશીલ બની જતી હોય છે. જો તમને ખબર હોય કે આવી વ્યક્તિઓ સાથે અને આવી પરિસ્થતિમાં કઈ રીતે કામ લેવાય, તો તમારી આંતરિક આંનંદની સ્થિતિ અને શાંતિ અસરમુક્ત રહેશે. જોકે હું આ વિષય પર મારા વિચારો રજુ કરું તે પહેલા મારા આ વિષય પરનાં વિચારો એક ઉદાહરણથી સ્પષ્ટ કરી દઉં.

કલ્પના કરો કે તમે એક બાળકોના ડોકટર છો અને સવારમાં ચાલવા માટે નીકળ્યાં છો. એક નાનો છોકરો સ્કેટબોર્ડ લઈ ને પાછળથી આવતો હોય છે, તે પોતાનું સમતોલન ગુમાવી દે છે અને તમારી જોડે ભટકાઈ પડે છે. તમે ઈજાગ્રસ્ત થઈને પડી જાઓ છો. દેખીતી રીતે તમારો કોઈ વાંક નહોતો, છતાં પણ તમે પડો છો અને તમને દુઃખ થાય છે. તમારે સહન કરવું પડે છે, તમારે પ્રાથમિક સારવારની, તમારાં પ્રત્યે ધ્યાન આપવાની, અને તમારે સાજા થવાની પ્રથમ જરૂર છે. આ એક અકસ્માત હતો કે જાણી જોઇને કરેલું કર્મ એની પરવાહ કર્યા વગર પેલા છોકરાને દવા આપવાથી તમારાં ઘાવ સાજા થવાના નથી.

ઉપરની વાત ધ્યાનમાં રાખી, આ “તેમને” શું કર્યુ, આવું “તેમને” શા માટે કર્યુ, “તેઓ” આવા કેમ હશે, “તેઓ” ક્યારે સુધરશે, વિગેરે વિગેરે ઉપર મારું ધ્યાન નથી. મારું ધ્યાન “તેઓ” ઉપર નથી, મારું ધ્યાન છે “તમારાં” ઉપર. આપણે “તેમને” ન બદલી શકીએ, આપણે “તમને” બદલી શકીએ. તેઓ ખોટા હોઈ શકે છે, તેઓ ખરાબ હોઈ શકે છે, હકીકત એ છે કે જો તમે દુ:ખી થયા હોય તો તમને કેમ સાજા કરવા, તમને કેમ સાચવવા, તમને કેમ મજબુત બનાવવા તે આપડે સમજવું પડશે. તમારી સાથે જે કઈ પણ ન બનવાનું બન્યું, જો તમે તે ફરી ન બને તેમ ઈચ્છતા હોવ તો તેના માટે તકેદારીના પગલાં તમારે ખુદને જ લેવા પડશે.

જયારે તમે એવા લોકોથી ઘેરાયેલાં હોવ કે જે તમને લાગણીથી નિચોવી નાખતા હોય, મગજથી થકવાડી દેતા હોય, તેમની નકારાત્મકતા તમને આપતા હોય, તમને નિરુત્સાહ કરી નાખતા હોય, તમને નક્કામાં, બિનજરૂરી કે ઓછા મહત્વનાં હોવાનો અહેસાસ કરાવતા હોય તેમજ એવી ઘણી બધી નકારાત્મક લાગણીઓનો અનુભવ કરાવતા હોય; તો કોઈ એક જગ્યાએ તે એ પણ સૂચવે છે કે તમે તમારી જાતનું બરાબર રક્ષણ કરતાં નથી, તમે તમારું બરાબર ધ્યાન નથી રાખતા તમે તમને બીજાને હળવાશથી લેવા દો છો. જો તમે તમારી જાતને આવી રીતે રાખશો તો, પરિણામે તમે તમારા પોતાનાં માટે વિષાદગ્રસ્તતા, કમજોરતા, અને નિર્બળતા અનુભવશો. એવા કેટલાંક પગલાં છે જે તમે લઇ શકો છો, અને આજનો મારો વિષય પણ આજ છે – બીજાની નકારાત્મકતા સાથે કેવી રીતે કામ લેવું. ત્રણ વસ્તુ એવી છે જે તમે કરી શકો છો.

૧). તમારી જાતને અભિવ્યક્ત કરો.

સામેની વ્યક્તિને બને એટલું નમ્રતાથી એટલું સ્પષ્ટ કરી દો કે તમને તેમની વાતો, ટિપ્પણીઓ, અને વર્તનની બિલકુલ ગમતાં નથી. તેમને જણાવી દો કે તમે હકારાત્મક રહેવાનું પસંદ કરો છો, અને તમારો એમની સાથેના સંબધને સમૃદ્ધ કરવા માટે તમને એક ચોક્કસ સન્માન, સ્વીકાર, અને થોડી અંગતતા (પર્સનલ સ્પેઇસ) જોઈએ. જો બીજી વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરતી હશે તો તે ચોક્કસ આ વાતનો ખ્યાલ રાખશે. અને જો તે જૂની પદ્ધતિ ચાલુ રાખે તો, એ તમે છો કે જેને હવે એ નિર્ણય લેવાનો છે કે તમારે સહન કરવું છે ને ટકાવવું છે, કે પછી આગળ વધવું છે. તેઓ બદલાઈ શકે તેવી શક્યતા નહીવત છે.

૨). તમારી જાતને દુર કરી દો.

જો તમે સામેની વ્યક્તિને વારંવાર તમારી વાત ભૂતકાળમાં કહી ચુક્યાં હોય અને તેનાંથી કશો ફર્ક પડ્યો ન હોય તો તમારી જાતને એ જગ્યાએથી શારીરિક રીતે દુર કરી દેવાથી તમને મદદ મળશે. જયારે તમારાં માટે સંબધને તોડી નાખવો શક્ય કે વ્યાજબી ના હોય તો ખાલી ઉભા થઈને થોડું ચાલવા માટે જતાં રહો, જેથી કરીને તમારી દ્રષ્ટી અને પરિસ્થિતિમાં બદલાવ આવે. આ રીતે સામે વાળી વ્યક્તિને પણ એક સંદેશ મળે.. હું એમ નથી કેહતો કે હંમેશા દરેક ન ગમે તેવા સંવાદો થાય તો તેમાં આ વલણ રાખો, પરંતુ કોઈ વખત આ સામાન્ય અને જરૂરી હોય છે. તેમ છતાં જો તમે કાયમ માટે નકારાત્મકતા અને ટિપ્પણીઓનો સામનો કરતા હોય તો, તમારી જાતને આ પરિસ્થિતિથી દુર કરી દેવી એ જ એક માત્ર પસંદગી હોય છે.

૩). તમારી જાતને અવાહક બનાવો.

કારની અંદર રહેલા સેફટી ફીચર્સનો વિચાર કરો, ટ્રેકશન કંટ્રોલ સીસ્ટમથી એક્ટીવ સેફટી બનેલી હોય છે, અને સીટ બેલ્ટથી પેસિવ સેફટી. તમારી જાતને અવાહક બનાવવી તે એક પેસિવ સેફટી છે. તેમાં જો કે કોઈ ધમાકાની જરૂર એર બેગને ખોલવા માટે નથી. બીજી વ્યક્તિની ટિકા-ટિપ્પણી, નકારાત્મકતા તરફ અસંવેદનશીલ થઇ જવું તે એક તમે જે છો તે બની રહેવાનો તેમજ તમારી જાતનું રક્ષણ કરવાનો એક સરસ રસ્તો છે, છતાં એ સરળ નથી.

થોડા સમય પેહલા મેં એક “ટિકા-ટિપ્પણીઓ થી કેવી રીતે કામ લેવું?” વિષય ઉપર એક પોસ્ટ લખી હતી, જો તમારે ફરીથી એ વાચવી હોય તો. તેમાં તમારી જાત ફરતે કવચ બનાવવાના પાંચ રસ્તા વિષે લખ્યું છે. જયારે તમે તમારી જાતને નકારાત્મકતા અને ટીકા-ટીપ્પણીઓને અસંવેદનશીલતાનું કવચ બનાવીને રક્ષા કરો છો ત્યારે તમને અંદરથી એક શક્તિનો અનુભવ કરો છો એટલું જ નહિ પરંતુ સામે વાળી વ્યક્તિને રીતસરની શક્તિહીન બનાવી દો છો. તેઓને જયારે તમારી તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળતો, તેઓની તમારી મન:સ્થિતિને બદલવામાં મળતી નિષ્ફળતાથી તમને એક ચોક્કસ ફાયદો થાય છે જેમ કે તમારામાં એક દ્રઢતા એક નિર્ભયતાની ભાવના જાગે છે અને એક શાંતિની ચાદર તમારા મનને ઢાંકી દે છે.

મહાત્મા ગાંધીજીના માતુશ્રી એટલે કે પુતળીબાઈ, તેમને એક વખતે ગાંધીજીને કહ્યું કે તે તેમની રખડું છોકરાઓ સાથેની સોબતથી ચિંતિત છે. ગાંધીજી એ વખતે તરુણ વયનાં હતા એટલા માટે પુતળીબાઈને એમની વધુ ચિંતા થતી હતી.

“હું નથી ઈચ્છતી કે તું તેમના જેવો થાય, એટલા માટે મને લાગે છે કે તારે એવા છોકરાઓની સાથે ન રમવું જોઈએ, નહી તો તું પણ એ બધાની જેમ એક લોફર જેવો બની જઈશ.” – પુતળીબાઈએ કહ્યું.
“મારામાં વિશ્વાસ રાખ, મા. હું તેમની સાથે ફરું છું જેથી હું તેમને બદલી શકું. તેઓ મને નહિ બદલી શકે. હું માનસિક રીતે તેમનાથી વધુ સખ્ત અને લાગણીની દ્રષ્ટીએ તેમનાથી વધારે મજબૂત છું.”

પુતળીબાઈ તો એ જ જગ્યાએ અવાક થઇ ઊભા રહી ગયાં અને ગાંધીજીએ પોતે આખી જીન્દગી સુધી તેમનું બોલેલું પાળી બતાવ્યું.

કોઈ પણ વ્યક્તિ તેની પોતાની નકારાત્મકતા તમારમાં ત્યારે જ પ્રસરાવી શકે જયારે તે તમારાથી વધુ મજબૂત હોય. એટલા માટે જ અંતર્મુખી બનવાની પ્રક્રિયા તમને પોતાને બદલવાની પ્રક્રિયા છે, તમને મજબૂત બનાવવાની પ્રક્રિયા છે, કે જેથી કરીને તમે હમેશાં આ બધી નકારાત્મકતાની અસરથી મુક્ત રહી શકો. જે લાગણીને તમે તમારા હૃદયમાં ફૂટવા દો છો, જે વિચાર તમે તમારા મગજમાં સંઘરી રાખો છો, કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારો જે પ્રત્યાઘાત પસંદ કરો છો, તે તમારી અંગત બાબત છે, તે એક બીજા પર આધારિત કે જોડાયેલું કે સંબધિત હોઈ શકે છે, પણ તે તમારી અંગત બાબત બની રહે છે. સાવધાન બનો, સજાગ રહો.

શાંતિ
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email