લગભગ તમારા જીવનની દરેક પરીસ્થિતિમાં જો તમારી આત્મશક્તિ, તમારું ધ્યાન, તમારું લક્ષ્ય, ને તમારાં પ્રયત્નો જો તમારી મુશ્કેલીઓ સામે લાંબા સમય સુધી ટકી રહે, તો તમે જે ધાર્યું હોય તેને પાર પાડી શકો છો. એક દયાળુ-માયાળુ હૃદય એ એક અડગ અથાગ અને અજબ માનસિક શક્તિનું જન્મસ્થાન છે. આ એક વિરોધાભાસ લાગી શકે પરંતુ દયા અને મજબૂતાઈ એકબીજાના પુરક મુલ્યો છે. આજે હું તમને એક ખુબ જ પાવ૨ફુલ પ્રેકટીશ બતાવીશ કે જે તમને ખુબ જ આંતરિક શક્તિ આપશે, તમારુ શુદ્ધિકરણ કરશે અને તમારું મન અને હૃદય મજબુત બનાવશે. જેથી કરીને તમે તમને જેવા બનાવવા કે જોવા માંગતા હોય તેવા બનાવામાં આ યુક્તિ તમને મદદ કરશે.

મેં ઘણી વાર લખ્યું છે કે કોઈ ઉપર પ્રેમ રાખવા માટે, તેમની આંખોના તારા બનવા માટે કે પછી તેમના માર્ગદર્શક કે આધારસ્તંભ બનવા માટે થોડા પ્રમાણમાં આંતરિક શક્તિની ચોક્કસપણે જરુર પડતી હોય છે. તમને એ જાણી ને નવાઈ લાગશે કે એનું ઉલટું પણ એટલું જ સત્ય છે. અર્થાત કે જો તમે પ્રેમાળ, કાળજી લેનાર, મદદરૂપ, કે દયાળુ બનવાનું પસંદ કરો તો તમે આપોઆપ જ તમે એક ખુબ જ શક્તિશાળી વ્યક્તિ બની જશો.

એક વખતની વાત છે, એ સમયે એક સ્થળે એક રહસ્યમય આધ્યાત્મિક વ્યક્તિ રહેતા હતા, લોકો એમને એક આત્મસાક્ષાત્કારી વ્યક્તિ ગણતા હતા. તે પોતે દયા, સત્ય, અહિંસા અને બીજા અનેક સદગુણોથી ભરેલું જીવન જીવતા તેમજ તે સદગુણો વિષે ઉપદેશ પણ આપતા. તેમ છતાં, તેમને ચોરી કરવાની એક વિચિત્ર આદત હતી. તે કાયમ ચોરી કરીને જાતે પકડાઈ જતા, કોર્ટમાં પોતાનો ગુનો કબુલ કરી લેતા અને જેલમાં જતા. આવું જોઈને તેમના શિષ્યો, પડોશીઓ, પોલીસ, જજ અને ખુદ જેલરને પણ મુંજવણ થતી. તેઓ સમજી શકતા ન હતા કે આ માણસ પાસે કશી ખોટ ન હોવા છતાંપછી તે ચોરી કેમ કરે છે? એમને લાગતું કે આ માણસનો પોતાના પરનો બધી વાતે કંટ્રોલ છે, તો પછી તે ચોરી કરવાની આ ખરાબ આદત ને વશ કેમ થઇ જાય છે? બારમાં થી નવ મહિના તો આ માણસ જેલમાં જ ગુજારતો. વારંવાર આજ એક ગુનો જોઈ ને જજને પણ સહાનુભુતિ થઇ જતી પરંતુ કાયદા સામે તે કશું કરી શકે તેમ પણ નહોતા.

સમય જતા તેઓ વૃદ્ધ થયા પરંતુ તેમ છતાં તેમનું ચોરી કરવાનું તો ચાલુ જ રહ્યું. એક દિવસે, તેમના શિષ્યો અને તેમને અનુસરનારા લોકો તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને કહ્યું, “ તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમ છતાંય જો કઈ ખૂટતું કરતુ હોય તો અમને આદેશ આપો અને અમે તે તમને લાવી આપીશું, પણ મેહરબાની કરીને ચોરી ના કરશો. તમારા આ ચોરી ના કર્મને અમે ગહેરાઈથી તો નથી સમજી શકતા, પણ તમને જેલમાં જતા જોતા અમારા હૃદયને ખુબ દુ:ખ થાય છે, અને જયારે તમે અમારી સાથે નથી હોતા ત્યારે અમે તમને ખુબ જ યાદ કરીએ છીએ, અને તમારી અમને ખોટ પડી જાય છે.

“ઓહ, તો તમને મારી ખોટ પડી જાય છે અને તમે મને યાદ કરતા હોવ છો જયારે હું તમારાથી દુર હોવ છું?!!?” બસ આજ તો એકમાત્ર કારણ છે મારું જેલમાં જવાનું કેમ કે જયારે હું જેલમાં નથી હોતો ત્યારે બધા કેદીઓ મને યાદ કરતા હોય છે. તમે તો મુક્ત છો અને મારા જેવા બીજા કેટલાય ગુરુઓ પાસે જઈ શકો છો, પણ કેદીઓ પાસે તો એ સ્વતંત્રતા કે સુવિધા બિલકુલ હોતી નથી. એટલા માટે તો હું જયારે છૂટી જાઉં છું, તરત પાછો ચોરી કરીને જેલમાં જાઉં છું. કારણકે કઈ બધા બંદિવાનો કઈ ગુનેગાર નથી, અને કદાચ કેટલાક એમાના ગુનેગાર હોય તો પણ તેઓને થોડી દયા, થોડી મદદ, કે પછી થોડી સારી સોબતથી સુધારી શકાય છે. માટે હું ચોરી કરીશ અને જેલમાં જવાનું ચાલુ રાખીશ.”

ઉપરોક્ત દંતકથા સાંકેતિક છે અને તેને સંદર્ભમાં સમજવાની છે. જેલ એક એવું સ્થળ છે કે જ્યાં તમારી સ્વંત્રતા ખુબજ ઓછી હોય છે. તેજ રીતે દયાવાન બનવું કઈ કાયમ તમારા માટે આનંદદાયક હોય એ જરૂરી નથી, એ કદાચ આકર્ષક વિકલ્પ ના પણ લાગે. અને કદાચ જેલ જેવું પણ લાગે. તમને શું લાગે છે શા માટે આ બધા પયગંબરો, ઉપદેશકો, મસીહાઓ, ઋષિ મુનીઓ અહી પૃથ્વી ઉપર આવવાની વારંવાર તકલીફ લેતા હોય છે? દયા એ હૃદયપરિવર્તન અને બદલાવ ની પ્રક્રિયા ને વેગવાન બનાવે છે. પ્રેમ, કાળજી, દયા, દાન નું કર્મ એક માત્ર બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી જ થવું જોઈએ.

તમે નિ:સ્વાર્થ ભાવે અને બીજા કોઈ પણ છુપા ઈરાદા વગર જે કઈ પણ કામ કરશો, તો એ તમને હંમેશા મજબુત બનાવશે. અને આવી શક્તિ તમને શાંતિ અને પરમ સુખનો અનુભવ કરાવશે, તમારામાં આત્મસંતોષ અને પૂર્ણતાનો ભાવ જન્માવશે, એવો ભાવ કે જે તમને મનભાવતું ભોજન જમ્યા પછી થતો હોય છે. એક ક્ષણ માટે વિચારો, શા માટે સિંહ જંગલમાં મુક્તપણે ફરતો હોય છે? કારણકે તે પોતાની આત્મશક્તિથી પરીચિત હોય છે. પોતાનું સાચું આત્મદર્શન જ તેનામાં આત્મવિશ્વાસ તેમજ નિર્ભયતા જગાવે છે અને તે જંગલમાં મુક્તપણે ફરી શકે છે અને શિકાર કરી શકે છે. બિલકુલ તેવી જ રીતે જેઓ અંદરથી શક્તિશાળી છે તેઓ કુદરતી રીતે જ વધુ આત્મવિશ્વાસી હોય છે, તે સહજ પણ હોય છે અને શાંત પણ હોય છે.

દયા એ દિવ્યતા તરફ લઇ જતો એક શોર્ટકટ છે. પરંતુ દયા ના બદલામાં જો તમે કૃતજ્ઞતાની પણ અપેક્ષા રાખશો તો તમારું એ દયાનું કર્મ શુદ્ધ સાત્વિક કર્મ નહિ રહે. એ હશે તો દયા જ, તેમ છતાં જો સામેવાળાની પ્રતિક્રિયા તમારી અપેક્ષા મુજબની નહિ હોય તો એ જ દયા તમારી અંદર નકારાત્મકતાનો ભાવ જગાવવા માટે જવાબદાર બની જશે. શુદ્ધ-સાત્વિક દયા કોઈપણ જાતની અપેક્ષારહિત જ હોવી જોઈએ. દયા નું કામ એ કઈ સાચું કે ખોટું હોવાની બાબત નથી, બસ દયા એ દયા હોય છે. જો તમારી દયા (ભલાઈ) થી એક માણસને પણ ફર્ક પડતો હોય તો આખી દુનિયા ને ફર્ક પડે છે કે નહિ એ બાબત બેમતલબ છે.

મને એક બીજી વાર્તા તમને કેહવાનું મન થાય છે:

એક વૃદ્ધ માણસ દરિયાકિનારે સવાર સવારમાં ફરવા ગયો હતો. આગલી રાતે દરિયામાં ભરતી આવી હતી અને દરિયાના મોજા સાથે કંઈ કેટલીએ નાની માછલીઓને કિનારા સૂધી ખેચાઈ આવેલી. હજારોની સંખ્યામાં માંછલીઓ દરિયાકાંઠે પડેલી હતી, તેમાંની બધી કઈ મરેલી નહોતી. તે ઘરડા માણસને આ જોઈને માંછલીઓ માટે દુ:ખ થયું, પણ તેને ચાલવાનું ચાલુ રાખ્યું, કારણકે, તેને લાગ્યું કે તે ભાગ્યે જ આવી પરિસ્થીતિમાં કઈ કરી શકે તેમ છે.

થોડું ચાલ્યા પછી તેને એક બીજા એક નવજુવાન માણસને જોયો, તે વાંકો વળતો, જમીન પરથી કઈક ઉઠાવતો અને દરિયામાં ફેકતો.
“આ શું કરી રહ્યો છે તું?” – ઘરડાં માણસે કઈક નવાઈ પામતા પૂછ્યું.
“ઓહ, હું આ માછલીને બચાવી રહ્યો છુ. સૂર્યોદય થવાની થોડી વાર છે અને જોતજોતામાં માં જ આ માછલીઓ મરી જશે.”
ઘરડો માણસ હસ્યો અને બોલ્યો: “ આ દરિયાકાંઠો માઈલો સુધી ફેલાયેલો છે, અને ભરતીને લીધે હજારોની સંખ્યામાં માછલીઓ બહાર ખેચાઈ આવી છે, અને મરી રહી છે. તું એક મુઠ્ઠીભર માછલી બચાવીશ તો તેનાથી કોઈ ફર્ક નથી પડી જવાનો.”
પેલો નવજુવાન નીચે એક માછલી તરફ ઝુકયો, તેને ઉઠાવી, અને પાછી દરિયામાં ફેકતા બોલ્યો: “આ એક ને તો ફર્ક પડ્યો ને?”

મને આ વાર્તા ખુબ જ સુંદર લાગે છે. દાનકર્મ એ હંમેશા ભૌતિક વસ્તુની વાત નથી. દયા માટે કોઈ એવા ભવ્ય પ્લાન બનાવવા કે જેના અમલીકરણ માટે સમય જ નાં મળે એવી વાત નથી. કોઈ એક નાનું કામ, કોઈ અજાણ્યાં માટે કરેલું કામ, એ બધું જ જમાં થાય છે જેમ તમારા એકાઉન્ટમાં પૈસા જમાં થાય છે તેમ. તમારું એક-એક દયાનું કર્મ તમારા હકારાત્મકતા અને પૂર્ણતાની લાગણી ના એકાઉન્ટમાં જમાં થાય છે. મજબુત બનવા માટે દયાળુ બનવાની ની પ્રેક્ટિસ કરો. તમે કૃતજ્ઞ પણ બનશો અને તમારામાં શાંતિની અનુભૂતિ પણ આપોઆપ પ્રગટશે. દુનિયા આખીને ભલે તમારું દયાનું કાર્ય તર્કહીન કે બેમતલબ લાગતું, એનાથી તમને કશો ફર્ક ના પડવો જોઈએ.

કાં તો મજબુત, પીઢ, દયાળુ, અને મોટા મન વાળા બની દયા ની પ્રેક્ટિસ કરો, કાં તો પછી સહજ દયાવાન બની જાઓ અને તમે જોશો કે બાકી બધા સદગુણો આપોઆપ કુદરતી રીતે તમારામાં આવી જશે જેમ લોઢું લોહીચુંમ્બકની પાસે ખેચાઈ આવે છે તેમ…

સિમટી સિમટી જલ ભરહી તલાવા જીમી સદગુણ સજ્જન પાયી આવા

ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે જેમ તળાવમાં વરસાદ ના ટીપાં ભેગા થાય છે તેવી જ રીતે સદગુણો સજ્જન માણસમાં ભેગા થાય છે. કોઈ એક સદગુણની પ્રેક્ટીસ કરો અને બાકીના ઘણા બધા ગુણો તમારા હૃદયને પોતાનું કાયમી ઘર બનાવશે.

જાઓ!, આજે ભલાઈનું કોઈ પણ એક કામ ફાવે તે રીતે કરો. કોઈકને પોતે કેટલો (કે કેટલી) ખાસ છે તેનો અનુભવ કરાવડાવો, કોઈને સારા શબ્દો કહો, કોઈને કઈક બનતી મદદ કરો, કોઈક અજાણ્યા ને શોપિંગ મોલમાં મુવીની ટિકિટ લઇ આપો, પાર્કિંગ એટેન્ડન્ટને, સફાઈ કામદારને, કસ્ટમર સર્વિસ વાળાને , કોઈક અજાણ્યાને, કે કોઈપણને કઈક બનતી મદદ કરો, કોઈને જમાડો, કે કોઈના આઈસ્ક્રીમના પૈસા તમે ચૂકવી દો, તમારાથી જે કઈ પણ થઇ શકે , જે કઈ પણ તમારા મગજમાં આવે. તેનાથી ફક્ત તમે કોઈકના જીવનમાં ફર્ક જ માત્ર નહિ લાવો, તમે ભલાઈના બીજ વાવશો, કે જે એના દિલમાં પણ ભલાઈ ઉગાડશે અને તે ભલાઈ એક યા બીજા સ્વરૂપે કોઈ ત્રીજા સુધી પહોચી જશે. આ દુનિયા રેહવા માટેનું એક વધારે સારું સ્થળ બનશે, અને તમે, એક વધારે સારા વ્યક્તિ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email