જો તમે મહાન કે સફળ માણસોની જિંદગી તપાસશો, તો તમને તેમાં એક લક્ષણ ચોક્કસ દેખાશે. એક એવો ગુણ – એક એવું પાસુ, કે જે તેમને તેમના વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ધારણ કરેલું છે. તેઓ નમ્ર લાગતા હોય તેમ છતાં તે પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે. કોઈ વખત ગર્વ અને ગૌરવ વચ્ચે, તો કોઈ વખત દ્રઢતા અને ઘમંડતા વચ્ચેની પાતળી ભેદરેખા ભુસાતી જતી હોય એવું લાગે, તેમ છતાં તેઓ પોતાનું કામ ખુબ જ આદરપૂર્વક આયોજિત કરતાં હોય છે.

આત્મવિશ્વાસ આવે છે સ્વનું મહત્વ અનુભવવાથી, દૃઢવિશ્વાસ આવે છે પોતાનાં કામનું મહત્વ સમજવાથી, અને, સંતોષ આવે છે જયારે તમે બીજાને તેમનું પોતાનું મહત્વ અનુભવડાવો છો. હકીકતમાં બીજાને પોતાનું મહત્વ સમજાવવાની જે કલા છે તે જ નેતા અને માલિક તેમજ અસામાન્ય અને સામાન્ય ને એકબીજાથી જુદા પાડે છે.

સ્વ-મહત્વ એ એક એવો શબ્દ છે જેનાં ઉપર લોકો ભવાં ચડાવતા હોય છે, મોટાભાગે તેને અહંની સમકક્ષ ગણી લેતા હોય છે. તેમાં કદાચ કોઈ નકારાત્મક સુચિતાર્થ હોઈ શકે છે. તેમ છતાં જયારે સ્વ-મહત્વને પ્રભાવશાળી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે સફળ જીવન માટેનું એક જરૂરી ઘટક બની જાય છે. ચાલો વિષયવસ્તુને બે વર્ગમાં વહેચીને સમજીએ:

૧. તમે પોતે મહત્વનાં છો એમ માનવું.

જયારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો છો અને તમને લાગે કે તમે જે કરો છો એ મહત્વનું છે, ત્યારે તમે આંતરિક શક્તિ પેદા કરો છો. તમારા કામને જયારે તમે મહત્વનું ગણો છો, ભલેને એ પછી નાનકડું કેમ નાં હોય, તે તમારાં આત્મગૌરવને પોષનારું બને છે અને તેનાથી પેદા થતો જુસ્સો તમારામાં એક આત્મવિશ્વાસ જગાડે છે, અને આ આત્મવિશ્વાસ તમારી ધ્યેયપ્રાપ્તિ અને સફળતામાં એક અગત્યનો ભાગ ભજવે છે, ચાહે તે આધ્યાત્મિક પ્રયાસ હોય કે પછી ભૌતિક.

તમે તમારુ કેટલું મહત્વ આંકો છે એ બાબત ત્રણ વસ્તુ પર આધારિત છે: પ્રથમ, તમે તમને કેવી રીતે જુઓ છો, બીજું, તમે જે કંઈપણ કરો તેમાં તમે કેટલા અંશે સફળ રહો છો, અને ત્રીજું, બીજા લોકો તમેને કેવી રીતે જુએ છે. જો તમે પ્રમાણિકપણે તમારાં મહત્વનાં કામ માટે પ્રયત્નશીલ રહેતા હશો તો પ્રથમ વાત આપોઆપ વધી જશે. અને જેમ જેમ પ્રથમ અને બીજી વાત સુધરતી – વધતી જશે તેમ તેમ ત્રીજી વાત ધીમે ધીમે તમારા માટે ઓછી મહત્વની થતી જશે.

કોઈએક જગ્યાએ, મેં એકવાર નોબેલ પારિતોષિક વિજેતા, ભારતીય ફિલસૂફ અને લેખક, રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ટાંકેલી છે, અહીં ફરી એકવાર કહું છુ:

ટાગોરનો એક શિષ્ય હતો જે બહુ સરસ ચિત્રકાર હતો. જો કે તેને લોકો તેના વિષે, તેના કામ વિષે શું વિચારતા હશે, અને તેમના મત શું હશે એની ચિંતા કાયમ થયા કરતી. તેની ચિંતા એટલી વધી ગયી કે તેની સર્જનાત્મક શક્તિ રૂંધાવા લાગી. ઘણાબધા પ્રસંગોએ ટાગોર એને કહેતા કે જયારે જયારે કલાની વાત આવે ત્યારે તેને પોતાના હૃદયનું સાંભળવું જોઈએ, તેને જે ઠીક લાગે તે તેને દોરવું જોઈએ, અને કેનવાસ તેનાં માટે રમતનું મેદાન હોવું જોઈએ નહિ કે લોકોના મતનો ટોકરો.

એક દિવસે, તેને ટાગોરનું સુંદર ચિત્ર દોર્યું. તે બધી રીતે સંપૂર્ણ હતું. ટાગોરે પોતે પણ તે પસંદ કર્યુ, પરંતુ તે શિષ્યને ખાતરી નહોતી, તેને ટાગોરને પુછ્યું કે તે ચિત્ર વિષે બીજા લોકોના મત લઈએ તો કેવું? ટાગોરને લાગ્યું કે આ પાઠ શીખવવાનો એક સારો મોકો છે.

“સારું તારે જો ખરેખર જાણવું જ હોય કે બીજા લોકો શું વિચારે છે,” ટાગોરે કહ્યું, “જા અને સવારમાં વ્યસ્ત બજારમાં એક ખૂણા આગળ આ ચિત્ર મૂકી આવ. મારો એક અસલ ફોટો પણ સાથે મૂકજે, જોડે થોડી પેન્સિલો અને લોકોના મત માંગતી એક નોંધ પણ મૂકજે. આખો દિવસ તેને ત્યાં રેહવા દેજે અને સાંજે તેને પાછું અહી લઇ આવજે.”
શિષ્ય તો સહમત થઈ ગયો. બે દિવસ પછી એ પાછો ટાગોરને મળવા ગયો. તે એક્દમ નાખુશ જણાતો હતો.

“મને મારી ચિત્રકલા ઉપર ખુબ જ આઘાત લાગ્યો છે. તમે કહેતા હતા કે ચિત્ર સંપૂર્ણ રીતે સરસ છે, પણ મને ખબર હતી કે એ સંપૂર્ણ નથી. અને એવુંજ બીજા બધાને પણ લાગે છે,” તેને એ ચિત્ર નાખુશ થઈ ને ટાગોરે સમક્ષ મુકયું. ચિત્ર કાળા કુંડાળા અને ડાઘ-ધબ્બાઓ થી ખરડાઈ ગયું હતું. લોકો એ આખા ચિત્રમા ભૂલો કાઢીને ભરી મુક્યું હતું.

ટાગોરે થોડી મિનિટો માટે શાંતિ જાળવી અને પછી બોલ્યા, “આ બધા અભિપ્રાયોની મારે મન કોઈ કિંમત નથી. મને તો હજુ ય ચિત્ર સુંદર જ લાગે છે. પણ મને એમ કહે કે તે નોંધમાં શું લખ્યું હતું?”
“નોંધમાં લખ્યું હતું કે, ‘મેહરબાની કરીને આ ચિત્રને અસલ ફોટા સાથે સરખાવો અને જ્યાં ભૂલ દેખાય ત્યાં માર્ક કરો.’”, શિષ્યે કહ્યું.

“બરાબર. હવે કાળા ડાઘા દુર કરી ચિત્રની પાછું લઇ જા.આ વખતે તારી નોંધ બદલીને લખજે ‘મેહરબાની કરી ને અસલ ફોટા સાથે સરખાવીને જ્યાં ફર્ક દેખાય તેને સુધારો.’”

અને પ્રયોગને અંતે તે ચિત્રને પાછું ટાગોર પાસે લઇ ગયો અને કહ્યું, “આ વખતે એક પણ કાળો ડાઘ નથી. આમ કેમ? આ એનું એ જ ચિત્ર છે તેમ છતાં કોઈએ કંઈપણ સુધાર્યું નહિ.” ટાગોરે કહ્યું, “ખામીઓ કાઢવી બહુ સહેલી છે, બેટા. મોટાભાગનાં લોકો ખામી અને ખૂબી વચ્ચેનો ભેદ પારખતાં હોતા નથી. જો પારખી શકતાં હોત તો તેઓ બીજાની ભૂલો શોધવામાં સમય ના બગાડતાં પોતાની ખૂબીઓ બનાવવામાં વ્યસ્ત હોત. જયારે તારી પોતાની કલાની વાત આવતી હોય ત્યારે તારી અંત:સ્ફૂરણા પર વિશ્વાસ રાખ.”

જો તમે પોતે જ તમે કોણ છો અને શું કરો છો તેમાં વિશ્વાસ ના રાખો, તો પછી બીજા લોકો તમારાં પ્રસ્તાવનું સમર્થન કેવી રીતે કરશે? હકારાત્મક સ્વ-મહત્વ તો જ આવશે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, અને તમારો તમારાં કામ પ્રત્યેનો મત પ્રામાણિક હશે. તમારી જાત ને પ્રેમ કરતા શીખો, તમારી જાતનું ધ્યાન રાખો, તમારી જાત ને સારી રીતે રાખો, આ રીતે તમે તમને મહત્વના અનુભવ કરી શકો છો.

૨. બીજાને તેઓ પોતે કેટલાં મહત્વના છે તેનો અનુભવ કરાવો.

આ એક એવો ગુણ છે જે દરેક નેતામાં હોય છે, અને એ દરેક સંબધમાં સુસંગતતા અને સમજણ લાવે છે.
તમારો કોઈ પણ પ્રકારનો સંબધ હોય ચાહે વ્યાવસાયિક કે અંગત, જો તમે કોઈ ને પ્રેરિત કરવા માંગતા હોવ તો, તમે તેમને તમારામાં વિશ્વાસ કરતા કરો, તમારાં પોતાનાં બનાવો. તમારે તેમને તેઓ પોતે મહત્વનાં છે એવું માનતા કરવા પડશે. જયારે તમે કોઈને તે પોતે મહત્વનાં છે એવું માનતા કરો, ત્યારે તમે તે વ્યક્તિ સાથે એક ખાસ બંધન પેદા કરો છો. તમારો સંબધ અને તેનાથી મળતું બળ એક ખાસ બાબત બની જાય છે, તે પ્રેમની અને કાળજીની એક નિશાની છે. તમે આપોઆપ તે વ્યક્તિમાંથી હકારાત્મક લાગણીઓનો અનુભવ કરો છો.

બીજાને તેઓ પોતે કેટલા મહત્વનાં છે તેવું માનતાં કરવા માટેનાં ત્રણ સહેલા રસ્તા છે:

(અ). સારા વચનો કહેવા.
તમે ચકિત થઇ જશો એ જોઇને કે એક પ્રામાણિકપણે કેહવાતા સારા વચનો શું કરી શકે છે. દરેકમાં કઈ ને કઈ તો સારી બાબત ચોક્કસપણે હોય છે જ, તેના પર ધ્યાન આપો અને તેને સારા શબ્દોમાં સામે વાળાને કહો. એ રીતે, તમારું વચન સત્ય, પ્રામાણિક, અને તથ્યપૂર્ણ પણ હશે, અને તેની અસર ખુબ જ ઊંડી તેમજ લાંબી હશે. જયારે જે સંબંધમાં બન્ને વ્યક્તિઓ ખુશ હશે તો એ સંબધનું પોષણ પણ સરળ રીતે થઇ શકશે.

(બ). કાળજી
જયારે તમે તમારા શબ્દોથી અને હાવભાવથી સામેવાળા પ્રત્યે કાળજી દર્શાવો છો ત્યારે તમે સામેવાળાને પોતે કેટલો ખાસ, તમારાથી કેટલો નજીક, અને પ્રેમાળ છે એવું અનુભવે છે. કાળજીનો અર્થ એવો નથી કે તમારે હમેશાં કઈક મોટું ભવ્ય કામ કરવું પડે, કાળજી કે પ્રેમ એક સાદા હાવભાવ દ્વારા પણ દર્શાવી શકાય કે બીજી વ્યક્તિ તમારા માટે કઈક છે, તેમની ખુશી અને તેમનું કલ્યાણ તમારા માટે મહત્વનાં છે.

(ક). ધ્યાન
જયારે કોઈ તમારી સાથે વાત કરતુ હોય, તમારે તેને સંપૂર્ણપણે ધ્યાન આપી ને સાંભળવું જોઈએ. મારી દ્રષ્ટીએ આ જગ્યાએ મોટા ભાગના લોકો ટુંકા પડે છે, ખાસ કરી સંબધ જયારે વધારે ઘાઢ હોય. જયારે બીજી વ્યક્તિ તમારી સાથે વાત કરતી હોય, તમે તેને ધ્યાન દઈ ને સાંભળતા હોવ ત્યારે તમે તેના મનમાં તે પોતે કેટલી મહત્વની છે, કેટલી ખાસ છે એવો ભાવ પેદા કરો છો.

જયારે તમે બીજાને તેઓ પોતે કેટલાં મહત્વનાં છે એવું અનુભવડાવો છો, ત્યારે તેમનામાં તાકાત, ધૈર્ય, અને વિશ્વાસ પેદા થાય છે. બદલામાં તેઓ તમને સારી રીતે પ્રેમ કરવા માટે સક્ષમ બને છે, તમને જરૂર હોય ત્યારે તમારી સાથે ઊભા રહે છે. તમારે જો કે પ્રામાણિક રેહવું પડશે.

એક વખત મુલ્લા નસરૂદ્દીન ખરીદી કરવા ગયાં. “મારે મારી સૌથી પ્યારી સ્ત્રી માટે એક શુભેચ્છા-કાર્ડ લેવું છે” તેમને કહ્યું.

દુકાનદારે એક કાર્ડ બતાવ્યું જેમાંનું લખાણ કહેતું હતું, “તું એક માત્ર એવી છે જેના માટે હું જીવી શકુ છું અને મરી પણ શકુ છું.”
“આ સુંદર છે.” મુલ્લાએ કહ્યું, “મને આવા છ કાર્ડ આપો.”

અપ્રમાણિકતા ક્ષણભંગુર હોય છે, હમેશાં પ્રામાણિક બનો.

જો તમે તમારી જાતને પ્રેમ કરતા હોવ, તો બીજા ને પ્રેમ કરવું તમને સરળ લાગશે. તમને તમે પોતે મહત્વનાં લાગતા હશો, તો તમે બીજાને પણ એવો જ અનુભવ આપી શકશો. આપણે જે ઊંડે ઊંડે હોઈએ છીએ તે જ આપણે બીજાને અનુભવડાવી શકીએ છીએ. જો તમારે તમારાં માટે તમે જે નથી, એ અનુભવવું હોય તો તમારે બીજાને એ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ, કુદરત તમને તે જ વાતનું બદલામાં પ્રદાન કરશે.

જાવ! કોઈને તે ખાસ છે તેવું અનુભવવા માટે મદદ કરો, તેમનો દિવસ ખાસ બનાવો, તમારી જાતને અભિવ્યક્ત કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email