મહેરબાની કરીને મને આશિર્વાદ આપો કે હું મારા ધંધામાં સફળ થાવ. મારે ઘણો પૈસો કમાવવો છે પરંતુ મારા માટે નહિ! મારે અન્ય લોકોને મદદ કરવાં માટે ધન ઉપાર્જન કરવું છે.

તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે જયારે લોકો એમ કહેતા હોય કે, તેમનો ધંધો કરવાનો કે પૈસા કમાવવાનો મુખ્ય હેતુ બીજા લોકોને મદદ કરવાનો છે? મેં એવું સાંભળ્યું છે. અસંખ્ય વાર. મને તે સાંભળીને હસવું આવતું હોય છે કેમ કે કોઈ પણ ટકી રહી શકે તેવો ધંધો ફક્ત કઈ બીજાને મદદ કરવાનાં ઈરાદા માત્રથી નથી થતો હોતો. તે તો તમારું ઉત્પાદન કે સેવાને જે ખરીદનાર હોય તેનાં જીવનમાં કોઈ ફરક લાવવાનાં ઈરાદા સાથે થતો હોય છે. આવા ફરકથી તમે તમારી આવક રળી શકો અને તેને કદાચ તમે કોઈ બીજાને મદદ કરવાં માટે ઉપયોગ કરી શકો. તમારી વેચવાની વસ્તુ કે સેવાનાં માધ્યમે તમે કોઈનાં જીવનમાં ફરક લાવશો તે જ એક માત્ર હેતુ તમારા ધંધા પાછળ હોવો જોઈએ, નહિતર તેને નફાકારક બનાવી શકવાની કોઈ શક્યતા નથી.

કોઈ પણ ધંધો ત્યારે જ ટકી શકે જયારે તે નફો કરતો હોય. કોઈપણ વ્યાપારિક સાહસનો મુખ્ય ધર્મ નફો અને ટકી શકે તેવો વિકાસ કરવાનો જ હોય છે. ચોક્કસ, સમાજ પ્રત્યે જવાબદાર ધંધો જે હોય તે સમાજની મદદ માટે અમુક કાર્યક્રમો ઘડી શકે, પરંતુ આવું કઈ પણ ત્યારે જ શક્ય બનવાનું જયારે સૌ પ્રથમ તે ધંધો નફો રળતો હોય. વધુમાં, જો તમારો મુખ્ય ઈરાદો લોકોને મદદ કરવાનો જ હોય, તો તમારે ધંધો ઉભો કરવાની ચિંતા ન કરવાની હોય, ફક્ત તમારું જે સ્વપ્ન છે તે જ સાકાર કરવાનું હોય. ચાલો જવા દો બધી વાત, આજનો મારો હેતુ કોઈ ધંધો ઉભો કરવાનો કે બીજું કશું કરવાનો નથી. મારો હેતુ તો, તમને સફળતાની એક ખુબ જ અગત્યની અંતર્દ્રષ્ટિ આપવાનો છે, પછી તમારું લક્ષ્ય ગમે તે કેમ ન હોય – ભૌતિક કે આધ્યાત્મિક.

તમે ગમે તે ધ્યેય હાથમાં કેમ ન લો, જો તમારે તેમાં સફળ થવું હોય, તો તમારે સફળતાનું સૌથી મૂળભૂત તત્વ અપનાવવું પડશે, અને તે છે: હેતુશુદ્ધિ. જો તમારો હેતુ શુદ્ધ હશે, તો તમને કટિબદ્ધતા અને આંતરિક શક્તિ કુદરતી રીતે જ મળી જશે. હેતુશુદ્ધિ દ્વારા હું કઈ ઉમદા કે નૈતિકતા પ્રત્યે કોઈ ઈશારો નથી કરી રહ્યો. નીતિમત્તાનાં સિદ્ધાંતો વિભિન્ન સંસ્કૃતિમાં જુદા-જુદા હોય છે. હું જયારે શુદ્ધ હેતુની વાત કરી રહ્યો હોય ત્યારે હું કોઈ ધાર્મિક કે નૈતિક મુલ્યોની વાત નથી કરી રહ્યો. એ બધાં સદ્દગુણોની જરૂર અન્ય કારણો માટે પડતી હોય છે. હાલનાં સંદર્ભમાં, હેતુશુદ્ધિ દ્વારા, મારા કહેવાનો અર્થ માત્ર એટલો છે કે તમે તમારા કારણ પ્રત્યે સમર્પિત રહો, તમારી જાત પ્રત્યે પ્રમાણિક રહો.

દાખલા તરીકે, જો કોઈ મેડીકલનું ભણતાં વિદ્યાર્થીનું ધ્યેય ડૉક્ટર બનવાનું હોય તો હેતુની શુદ્ધતા માટે જરૂરી છે કે તેનું પોતાનું એકમાત્ર ધ્યેય એ પોતે જેટલું ભણી શકે તેટલું ભણીને પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ સાથે પાસ થવાનું જ હોય. જે ક્ષણે તમે એવી વાતો કરવાં લાગો કે ગરીબોને મદદ કરવી એ તમારો મુખ્ય ઈરાદો છે, તો ત્યારે તમે તમારી જાત પ્રત્યે પ્રમાણિક નથી રહેતાં. જો એ તમારી મુખ્ય પ્રેરણા હોય (કે જે બિલકુલ શક્ય છે, જો કે ભાગ્યે જ એવું હોય છે) અને તમે ખરેખર કોઈ ગામડામાં વસવાટ કરીને તબીબી સેવા આપવા લાગો તો વાત જુદી છે.

પરંતુ, જો તમે જીવનની તમામ ભવ્ય સુવિધાઓ ભોગવવાનું અને જાકજમાળ વાળું શહેરી જીવન જીવવાનું સ્વપ્ન સેવતા હોવ, તો તમે કદાચ ગરીબોની સેવા કરવાં માટે ગંભીર ન હોઈ શકો. અને આ રહ્યો એક અગત્યનો મુદ્દો: જીવનની જાકજમાળને ભોગવવાની ઈચ્છા રાખવામાં કશું ખોટું નથી, તેનાંથી તમે કોઈ એક ઓછી કિંમતનાં માનવ નથી બની જતાં, પરંતુ જો તમારે એ જોઈતું હોય તો તમે તેનાં વિશે સ્પષ્ટ બની જાવ. તેને તમારો ઈરાદો બનાવો. બે વસ્તુને ભેગી ન કરી દો. એક વખત તમે ડૉક્ટર બની જાવ અને દુનિયાનાં સૌથી મોંઘામાં મોંઘા શહેરમાં રહી તમારી પ્રેક્ટીસ કરતાં હોવ તો પણ તમે હજી ઘણું બધું સારું કરી શકો તેમ હોવ છો. એ તો મુખ્ય મુદ્દા સિવાયની બીજી વાત થઇ જો કે. સૌ પ્રથમ તો એ બનવા માટે જરૂરી છે તમારા હેતુની શુદ્ધિ અને એક લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત હોવું.

એક જુનું દેવળ હતું કે જેની મરામત કરવી પડે તેમ હતું. તેનાં નવીનીકરણનો અંદાજીત ખર્ચ થતો હતો એક લાખ ડોલર, પરંતુ કોઈએ આ કાર્યમાં ભાગ લેવાનો ઈરાદો જતાવ્યો નહિ. રવિવારની સભાની સમાપ્તિ વખતે પાદરીએ ખંડમાં ખીચોખીચ ભરેલા લોકોને સંબોધતા કહ્યું, “મારે તમને એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર આપવાના છે. તમારે પ્રથમ કયા સમાચાર સાંભળવા છે?”
“પ્રથમ સારા સમાચાર સાંભળીએ!” મોટાભાગનાં લોકોએ કહ્યું.
“સારું ત્યારે,” પાદરીએ ઉત્સાહિત થઇને કહ્ય, “સારા સમાચાર એ છે કે આપણને દેવળનાં નવીનીકરણ માટે જરૂરી હતાં તે એક લાખ ડોલર મળી ગયા છે!”
આ જાહેરાતને જોરદાર તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી.
“હવે, ખરાબ સમાચાર એ છે, ભાઈઓ અને બહેનો,” પાદરીએ માઈકની નજીક જઈને બોલતાં કહ્યું.
“તે પૈસા હજી તમારા ખિસ્સામાં જ પડી રહ્યાં છે.”

આપણે જીવનમાં કઈ પણ મેળવવું હોય તો તેનાં માટેનાં જરૂરી સ્રોત બ્રહ્માંડમાં પહેલેથી જ કોઈને કોઈ રીતે હાજર છે. એ તમારી હેતુશુદ્ધિ હોય છે કે જે આ સ્રોતોને એકઠા કરી લાવે છે. જો તમારે જે જોઈતું હોય તેનાં માટે થઈને તમારા મનમાં કોઈપણ પ્રકારની ગુંચવણ ન હોય અને તમારા કર્મો તમારા ઈરાદા સાથે મેળ ખાતા હોય, તો તમે સફળતાનાં પંથ ઉપર જ છો.

કોઈ વખત કોઈને પોતાને ઉદ્યોગપતિ બનવાનું ધ્યેય હોય તેવું કોઈ મને જયારે મળવા આવે ત્યારે તે મને એમ કહેતા હોય છે કે તેઓને એટલાં માટે ધંધો ઉભો કરવો હોય છે કે જેથી કરીને તેઓ લોકોને રોજગારી આપી શકે અને તેમને મદદ કરી શકે. જો એ જ તમારો ખરો ઈરાદો હોય તો પછી તેનાં માટે ધંધો ઉભો કરવાની ક્યાં જરૂર છે? કોઈ જગ્યાએ નિમણુંક અધિકારી બની જાવ. તમે વધારે લોકોને સારી નોકરી શોધવામાં મદદરૂપ બની શકશો. તમે નક્કી કરો કે તમારા માટે શું વધારે જરૂરી છે. (અ) તમે જેની ઈચ્છા રાખો છો તે કાર ખરીદવાનું કે પછી ધંધો ઉભો કરીને ઘર ખરીદવાનું સ્વપ્ન જોવો છે તે (બ) ખરેખર લોકોને મદદ કરવાનું.

જો તમારે ખરેખર લોકોની મદદ જ કરવી હોય, તો તમારે સંપત્તિ એકઠી કરવાની કોઈ જરૂર નથી. જરૂર છે તમારે ફક્ત જે સ્રોત કે જે પહેલેથી ત્યાં હાજર છે તેને પુરા પાડવાની. આપણા વિશ્વમાં ઘણાં બધાં સુંદર લોકો રહેલાં છે કે જેમની ઉદારતાની કોઈ સીમા નથી. હું આ મારા સ્વ-અનુભવનાં આધારે કહું છું. મને અનેકવાર આવા લોકો મળતાં હોય છે. તેઓ મદદ કરવાં માટે કે કોઈ સમાજિક કાર્ય વિગેરેમાં ભાગ લેવા માટે તત્પર હોય છે. જો તમારે ખરેખર મદદ જ કરવી હોય તો તમારી સાથે ચાલવા વાળા અસંખ્ય લોકો તમને મળી જશે.

એક દિવસે, કોઈએ મને એક નાનકડી વિડીઓ મોકલી. આ વિડીઓ ૩ મિનીટથી પણ ઓછી છે અને તેમાં એક વ્યક્તિની વાત છે કે જે મોટાભાગનાં ઉપદેશકો, સ્વામીઓ (મારા સહીત), પુજારીઓ અને ગુરુઓ કરતાં ક્યાંય વધુ સારી છે. મેં આ વિડીઓ જોઈ અને મને લાગ્યું કે અહી આ ખરેખર કોઈ છે કે જે પોતાનાં કારણ માટે કટિબદ્ધતાપૂર્વક સમર્પિત હોય. આપણી દુનિયામાં કે જ્યાં રાજકીય પક્ષો મત માટે, દેશો પોતાનાં સીમાડાઓ માટે, ધાર્મિક નેતાઓ પોતાની માન્યતાઓ માટે જયારે એકબીજા સાથે ઝઘડી રહ્યાં છે, ત્યારે અહી આ એક વ્યક્તિ ધરતી પર રહીને લોકોને સાચી મદદ કરી રહી છે, કોઈ એવું કે જે પોતાનાં સત્યને જીવી રહ્યું છે અને નહિ કે ફક્ત તેનાં વિશે વાતો કરીને કે પુસ્તકો (કે લેખો, જો તમને એ જણાતું હોય કે હું શેની વાત કરી રહ્યો છું) લખીને.

મને નથી યાદ કે મેં આ પહેલાં ક્યારેય કોઈ વિડીઓ અહી મૂકી હોય (સિવાય કે ફક્ત શરૂઆતના દિવસોમાં મારા પોતાનાં પ્રવચનોની), પરંતુ આ એક વિડીઓ જોઈને મને થયું કે મારે આ તમારી સાથે વહેચવી જ જોઈએ. તમારામાંનાં જે પણ મને એક સંત તરીકે જોતા હોય તેમનાં માટે અહી આ વિડીઓમાં ક્યાંય એક મોટા સંત રહેલાં છે, એક વધુ સારા સંન્યાસી, એવા પ્રકારનાં કે જેમની જરૂર આપણી દુનિયાને આજે વધારે છે. તમારામાંનાં ઘણાં બધાં લોકો કે જે મારી પાસે આધ્યાત્મિક માર્ગ માટેનું માર્ગદર્શન માંગવા માટે આવે છે, તેમને હું કહીશ કે મારા અનુસરણ કરતાં આ વિડીઓમાંની વ્યક્તિ પાસેથી શીખીને તમે એક વધુ સારા વ્યક્તિ કે વધુ સારો સમાજ બનાવી શકશો. તમે જે આ વિડીઓમાં જુઓ છો તે છે એક ખરી જીવંત આધ્યાત્મિકતા. સાધનાની શરૂઆત સેવાથી થતી હોય છે, અને તેનો અંત પણ ચોક્કસ સેવામાં જ આવતો હોય છે.

સૌથી મોટી શીખ આ વિડીઓમાં મને એ દેખાય છે કે જેનો પણ ઈરાદો શુદ્ધ હોય, જે પોતે પોતાનાં પ્રયત્નોમાં પ્રમાણિક હોય, તેને કોઈ અવરોધ નથી નડતો. હું એમ નથી સુચવી રહ્યો કે ગરીબી એ સેવા કરવાનો માર્ગ છે. ફક્ત એમ કહી રહ્યો છું કે સંપત્તિનો અભાવ એ કોઈ સાચો અવરોધ નથી હોતો જયારે તમારી પ્રેરણા કોઈ એક જ વસ્તુ કરવાની હોય.

તમારે શું કરવું છે તે બાબતે સ્પષ્ટ બનો. અને તમને જે કરવું ગમે છે એ જ તમારો ઈરાદો હોય છે. જો તમે તમારા ખરા ઈરાદા સાથે પ્રમાણિક બની રહો, તો તે તમને વધુ સારી પસંદગીઓ કરવાં માટે મદદરૂપ બની રહેશે. જયારેપણ તમારે કોઈ એક નિર્ણય કરવાનો હોય તો સહજપણે તમારો ઈરાદો શું છે તે ચકાસો, અને તમારે કઈ બાજુએ જવું તેની તમને ખબર પડી જશે. તેનાં માટે પ્રમાણિક બની રહો. ત્યારે બધું જ શક્ય થઇ જશે. લગભગ બધું જ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone