હકારાત્મક કેવી રીતે બનવું? મને આ સવાલ અનેકવાર પૂછવામાં આવતો હોય છે. અને જયારે પણ લોકો એવું પૂછતાં હોય છે કે તેઓ હકારાત્મક બની રહેવા ઈચ્છે છે, ત્યારે ખરેખર તો તેવું એવું કહેતા હોય છે કે તેઓ દરેક સંજોગોમાં ખુશ અને આશાવાન કેવી રીતે રહી શકે? કે પોતે મુશ્કેલીનાં સમયમાં હતાશ કે ગુસ્સે થવા નથી માંગતા, કે ગમે તેમ કરીને, શાંતિથી કેવી રીતે રહી શકે.

સત્ય તો એ છે કે જીવન એક કડી મહેનત સમાન છે અને તેમાં હકારાત્મક બની રહેવા માટેનો કોઈ એકમાત્ર સરળ માર્ગ હોય એવું નથી. જો કે, આપણે મોટાભાગે હકારાત્મક બની રહેવાનું શીખી શકીએ ખરા. અરે, જે લોકો કુદરતી રીતે જ હકારાત્મક અને આત્મવિશ્વાસુ જણાતાં હોય તેઓ પણ તેમ રહેવાનું જાગૃતપણે શીખ્યાં હોય છે. એ પહેલાં કે હું મારા બે શબ્દ આ બાબતે કહું, પ્રથમ હું તમને એક નાની વાત કહીશ.

અનેક અનાથાલયમાં રહ્યાં પછી, જાર્વિસ જય માસ્ટર્સ માટે તેમનું બાળપણ બહુ કઠીન હતું. તેમનાં માટે હિંસા એ પોતાની જાતને બચાવવા માટેનો એક જવાબ જેવુ બની ગયું હતું, એક જાતનું સ્વબચાવ માટેનું સાધન. ૧૯ વર્ષની વયે, તે એક જેલરની હત્યાનાં આરોપસર, આજીવન કેદની સજા રૂપે, ૧૦ વર્ષ માટે જેલમાં ગયા (જો કે જયારે આ પ્રસંગ બન્યો ત્યારે પોતે જેલમાં કેદ હતાં!) તેમનાં પુસ્તક, Finding Freedom, માં તેમને એક રસપ્રદ અવલોકન વિશે લખ્યું છે. અહી તે થોડા ફેરફાર સાથે પ્રસ્તુત છે:

“જાર્વિસ, ચેનલ ૭ જોવી હોય તો,” એક સાંજે જયારે હું ધ્યાન ઉપર એક પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે મારી બાજુની જેલમાં રહેલાં એક કેદીએ કહ્યું. “તેઓ લુઝીયાનામાં કુ ક્લ્ક્સ ક્લાન રેલીને બતાવી રહ્યાં છે. ક્લાંસમેન ચીસો પાડતાં હતાં અને રાડો પાડી પાડીને તેઓ કચરા જેવાં નારા લગાવી રહ્યાં હતાં. તે સાંભળ્યું તેઓ જે કહેતાં હતાં એ?”
“ના, ભાઈ. હું તો ચુકી ગયો. મેં અવાજ ધીમો કરી દીધો હતોં,” મેં ટીવી તરફ એક નજર ફેંકતા કહ્યું. “જો કે મેં કેટલાંક ગુસ્સે ભરેલા ચહેરા અને જાતિભેદ વાળા પોસ્ટર જોયા.”
દસ મિનીટ પછી, ઓમરે બુમ પાડી, “હે, જાર્વિસ! જોવા હોય તો આ બધાં લોકો. હજારો લોકોનું ટોળું સાન ફ્રાન્સિસ્કોમાં કુચ કરતુ જાય છે. તે જોયા?”
“વાઉ!” મેં મારા ટીવીનાં પડદા પર એક મોટું પ્રદર્શન જોતા કહ્યું. “તેમનું શું છે?”
“પર્યાવરણવાદીઓ અમુક જગ્યાએ વૃક્ષછેદનનો વિરોધ કરી રહ્યાં છે. તેઓ એમ કહી રહ્યાં છે કે આપણા ગ્રહનો નાશ કરવામાં આવી રહ્યો છે અને વધુ ને વધુ જંગલી જીવો લુપ્ત થવાનાં આરે આવી ગયાં છે.”
“શું આ સાચી વાત છે? હું તેમને જોઈને જ કહી શકું છું કે તેઓ ખરેખર આ બાબતે નારાજ છે. જો એક સ્ત્રી ગુસ્સે થઇને માઈકમાં કશું બોલી રહી છે અને પેલા પ્રદર્શન કરતાં લોકો પોસ્ટર લઇને રાડો પાડી રહ્યાં છે અને તેમને બંદી બનાવવામાં આવી રહ્યાં છે. તેમને બુમો પાડતાં જોતા તે બધાં ખુબ જ ગુસ્સે ભરાયા હોય એવું લાગે છે.”
થોડી વાર બાદ, ઓમરે ફરી બુમ પાડી, “હે, આ જો. હજી જુવે છે તું? જો આ પ્રેસિડેન્ટ અને બધાં કોંગ્રેસમેન રાષ્ટ્રીય ચેનલ ઉપર, બધાં ઝઘડી રહ્યાં છે અને દલીલો કરી રહ્યાં છે, દરેકજણ આ ખરાબ અર્થતંત્ર માટે એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યાં છે.”
હા, હું જોવું છું તેમને. શું તેઓ એટલાં માટે આટલું બધું નાટક કરી રહ્યાં છે? હું કહી શકું કે આ લોકો કશાકને માટે ઉધમ મચાવી રહ્યાં છે. પેલો એક સેનેટર, લગભગ થૂંકી રહ્યો છે. પણ તને ખબર છે ઓમર, કે આ બધાંમાં રસપ્રદ વાત શું છે?”
“નાં, શું છે તે?”
“અમેરિકાનાં પ્રેસિડેન્ટ અને આ કોંગ્રેસીઓ ઉપર જે ગુસ્સો અને કડવાશ છે તે પેલા પર્યાવરણવાદીઓ અને ક્લાંસમેન જેવો જ છે. આ બધાં એક ગુસ્સે ભરેલા લોકો છે.”

ગુસ્સો, રોષ, અને નકારાત્મકતા આ બધી જો કુદરતી નહિ તો પણ એક સામાન્ય માનવ લાગણીઓ તો છે જ. મોટાભાગનાં લોકો દરરોજનાં ધોરણે તેનો અનુભવ કરતાં હોય છે, અને તે પણ દિવસમાં અનેકવાર. ઘરમાં, કામનાં સ્થળે, બજારમાં, ટ્રેઈનમાં, દરેક જગ્યાએ આપણી આજુબાજુ લોકો રહેલાં હોય છે. મોટાભાગનાં લોકોનાં જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે. કેટલાંક લોકો પોતાનાં ઉપર આ ગુસ્સો કરતાં હોય છે, તો કેટલાંક સરકાર ઉપર, તો કેટલાંક પોતાનાં પ્રેમીજનો ઉપર, કે પછી તારી ઉપર વિગેરે. ગુસ્સે ભરાયેલા લોકો. તારે તેમનાં જેવું બનવું છે?

આ દુનિયા આવી બની શકે છે – ક્રોધિત અને નિર્દયી. તો હવે આપણે શું કરીએ? આપણી પાસે એક પસંદગી છે. કાં તો આપણે પણ ગુસ્સે ભરાઈને તેમનાં જેવા જ બની શકીએ ને કાં તો આપણે જાગૃતપણે એક પસંદગી કરી શકીએ કે આપણે કેવા વિચાર, વાણી અને વર્તન કરવાં છે. દુનિયામાં શાંતિનો અનુભવ કરવાં માટે તમારે અંદરથી પ્રથમ શાંત થવું પડે. અને તમે અંદરથી જેટલાં વધુ શાંત, તેટલા જ તમે વધુ કેન્દ્રિત અને સ્થિત.

એક સ્થિર વ્યક્તિ કદાચ ખુશીઓનાં આવેગો નહિ અનુભવે જો તમે મારું કહેવાનું સમજી શકતાં હોય તો. તેમનામાં કદાચ ઉત્સાહની ભરતી પણ નહિ આવે, પરંતુ તેઓમાં વાસ્તિવક હકારાત્મકતાનો એક ટકાઉ પ્રવાહ જાણે કે શિયાળામાં વહેતી નદી જેવો સતત ટકી રહેશે. તમે તમારા વિચારોમાં, વાણીમાં, અને વર્તનમાં જેટલાં સત્ય અને વાસ્તવિક બની રહેશો, તેટલાં જ વધુ તમે હકારાત્મક અને ખુશ પણ રહી શકશો.

સરળતા એ શાંતિનું બીજ છે.

એક સાંજે, દાદીમાંએ પોતાનાં પૌત્ર જ્હોનીને રાંધવા માટે નીચેથી કુવામાં પાણી લઇ આવવા માટે મોકલ્યો. જેવો તે પોતાની પાણીની ડોલ ભરી રહ્યો હતો કે તેને બે આંખો તેનાં તરફ તાકીને જોતી જોઈ. તેણે તો પાણીની ડોલ અંદર નાંખીને, રસોડા તરફ દોટ મૂકી.

“પાણી ક્યાં છે?” દાદીમાંએ પૂછ્યું. “અને મારી પાણીની ડોલ?”
“હું કુવામાંથી પાણી ન લાવી શક્યો, દાદીમાં.” જ્હોનીએ આશ્ચર્યપૂર્વક કહ્યું.
“તેમાં એક મોટો ઘરડો મગર છે!”
“હવે જ્હોની તું એ મગરથી બીતો નહિ.” તે તો ત્યાં વર્ષોથી છે અને તે કોઈને નુકશાન નથી પહોંચાડતો. તે પણ કદાચ તારાથી એટલો જ ડરી ગયો છે જેટલો તું તેનાંથી!”
“વારુ, તો પછી દાદીમાં,” જ્હોનીએ જવાબ આપતા કહ્યું, “જો તે પણ મારાથી એટલો જ ડરી ગયો હોય તો પછી તે પાણી પીવા લાયક નથી!”

જો આપણું આંતરિક વિશ્વ પણ બાહ્ય વિશ્વનાં જેટલું જ ગુસ્સા અને ધ્રુણાનાં તોફાનોથી એટલું જ ખરાબ થઇ ગયું હોય તો તે જીવન જીવવા માટે યોગ્ય નહિ રહે. શરીર અને મનનાં રોગો, જેનું મન સતત કૃદ્ધ અને જેની ચેતના સતત નારાજ રહેતી હોય તેને જલ્દી થતાં હોય છે. જયારે એક સરળ હૃદય, એક સંતોષી આત્મા કુદરતી રીતે જ શાંત હોય છે અને માટે હકારાત્મક પણ.

જેમ કે લેમેન પાંગ (૭૪૦-૮૦૮) કહ્યું હતું, “જયારે મન શાંત હોય છે, ત્યારે દુનિયા પણ શાંત હોય છે. કશું વાસ્તવિક પણ નહિ અને કશું ગેરહાજર પણ નહિ. વાસ્તવિકતાને પણ વળગી નહિ રહો, અને એક ખાલીપામાં પણ ન ઉતરી પડો, તમે કોઈ પવિત્ર પણ નથી કે નથી કોઈ જ્ઞાની, ફક્ત એક સામાન્ય માણસ છો કે જેણે પોતાનું કામ પૂરું કર્યું છે.”

મને લાગે છે સરળતા દ્વારા હું આ કહેવા માંગું છું. કે આપણે નમ્ર, વાસ્તવિક, કેન્દ્રિત, અને આપણી જાત પ્રત્યે પ્રમાણિક બની રહીએ. આશા, હકારાત્મકતા અને ખુશી એ સંતોષનાં માળામાં વસતાં પંખીઓ છે. તમારે અઘરા લોકો, પરિસ્થિતિઓ અને સંજોગોનો સામનો કરવો પડશે. તમારા દરેક પગલે તકલીફો તમારું અભિવાદન કરતી સામે મળશે. જીવન આવું જ છે. તો પછી હવે શું? શું તમે છોડી દેશો, જતું કરી દેશો કે પછી ચાલતાં રહેશો, એક સમયે એક ડગલું? આ છોડી નહિ દેવાની અને સરળ અને પ્રમાણિક શિસ્ત જ તમે શાંતિ અને હકારાત્મકતાનો અનુભવ કરાવશે. હકારાત્મક રહેવાનો અર્થ હંમેશાં ખુશ રહેવું એવો પણ નથી જો કે. કોઈ વખત, તેનો અર્થ માત્ર એટલો જ કે તમે શાંત છો, સરળ છો.

જે પોતાનું જીવન આડંબરમુક્ત જીવે છે તેઓ કુદરતી રીતે જ હકારાત્મક બની રહે છે. જો તમે તમારી જાત પ્રત્યે પ્રમાણિક હશો, તો તમે શું કરી શકો અને શું ન કરી શકો તેનાં પ્રત્યે વાસ્તવિક બની રહેશો. આ ભાન જ તમને હકારાત્મક બની રહેવાં માટે મદદરૂપ થશે. આ જ છે હકારાત્મક બની રહેવાનું રહસ્ય.
વાસ્તવિક બનો. સરળ બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook1Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone