ઘણી પૂર્વીય સંસ્કૃતિમાં, જયારે શિષ્ય ગુરુને ત્યાં પોતાનો અભ્યાસ સંપૂર્ણ કરી લે ત્યારે ગુરુદક્ષિણા – કૃતજ્ઞતાના પ્રતિક રૂપે કઈક આપવાનો રીવાજ હતો. અમુક કિસ્સાઓમાં, ગુરુ પોતે સ્પષ્ટપણે જણાવતાં કે પોતાને શેની જરૂર છે. એવી એક રીતે, એક વખત શિષ્યોની ટોળી શિક્ષાના અંતે પોતાનાં ગુરુ પાસે જાય છે અને પૂછે છે કે તેમને ગુરુદક્ષિણામાં કઈ ખાસ કશાની જરૂરત છે કે કેમ?

“વાસ્તવમાં,” ગુરુએ કહ્યું, “મારે ખરેખર કઈક ખાસ જોઈએ છીએ.”
“જરૂર તમારા માટે તો, કઈ પણ,” તેઓએ એકી અવાજે કહ્યું.
“કઈ પણ?”
“હા, ગુરુજી,” શિષ્યોએ જવાબ આપતાં કહ્યું.
“સારું તો પછી,” ગુરુએ ધીમા અવાજે કહ્યું, “તમારા ઘરમાંથી મને જે સૌથી કીમતીમાં કીમતી ભૌતિક વસ્તુ હોય તે મારા માટે લઇ આવો. તે પછી સોનું, ચાંદી, જવેરાત કે પછી ગમે તે કે જે કીમતી હોય.”
સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓને લાગ્યું કે તેમનાં ગુરુ કઈ મજાક કરી રહ્યા છે. પોતાનાં તેમની સાથેના છેલ્લાં ૧૨ વર્ષના વસવાટ દરમ્યાન તેમને પોતાનાં ગુરુને ક્યારેય કોઈ ભૌતિક વસ્તુની માંગ કરતાં જોયા નહોતા.
“પરંતુ,” ગુરુએ આગળ બોલતાં કહ્યું, “તેમાં એક શરત છે. તમારે તે તમારા માતા-પિતા કે બીજા કોઈની પણ પાસેથી માંગીને નહિ આપવાનું. જયારે કોઈ જોતું ન હોય ત્યારે તમારે તે છાનુંમાનું લઇ લેવાનું.”
એક શિષ્ય પોતાને રોકી ન શક્યો અને તેને પૂછ્યું, “ગુરુજી, તમે અમને ચોરી કરવાનું કહી રહ્યાં છો?”
“મને તો એમ કે તમે તો મારા માટે ગમે તે કરવા તૈયાર છો.”
“હા, અમે જરૂર કરીશું,” તેઓ ત્યાંથી જતાં પહેલાં બોલ્યા.
“અને યાદ રાખજો, તે કોઈ ભૌતિક ચીજ-વસ્તુ હોવી જોઈએ,” તેમને પુન: યાદ અપાવતા કહ્યું.

એક અઠવાડિયા પછી તેઓ બધા આશ્રમમાં એકઠા થયા અને અલબત્ત તેઓ ખાલી હાથે તો
નહોતા જ. એક પછી એક, તેઓ આગળ આવ્યા અને કિમતી વસ્તુઓ ગુરુને અર્પણ કરવા લાગ્યા. સિવાય એક શિષ્ય.

“તું કેમ કઈ નથી લાવ્યો?”
“હું દિલગીર છું, ગુરુજી, પણ મને કોઈ એવો સમય જ મળ્યો નહિ કે જયારે કોઈ મને દેખતું ન હોય.”
“આખા અઠવાડિયામાં એક પણ વખત નહિ?” ગુરુએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું. “શું તું મને એમ કહી રહ્યો છે કે તું થોડી ક્ષણો માટે પણ એકલો નહોતો પડ્યો?”
“હા, એકલો તો પડ્યો હતો ને ગુરુજી,” તેને જવાબ આપ્યો, “પણ એવી તો એક પણ ક્ષણ નહોતી કે જયારે કોઈ મારી પાસે ન હોય. જયારે મારા માતા-પિતા કે ભાઈ-ભાંડું પણ મારી જોડે નહોતા ત્યારે ભગવાન તો મારી પાસે હતાં જ. જયારે કોઈપણ મને દેખતું નહોતું ત્યારે મારો પોતાનો અંતરાત્મા તો મને જોઈ જ રહ્યો હતો. મેં પ્રયત્ન પણ કરી જોયો પરંતુ તમારો શબ્દભંગ કર્યા વગર તમારા માટે ગુરુદક્ષિણા હું લાવી શકું તેમ હતો જ નહિ.”

શિષ્યોને તેમની ભેટો પાછી આપતાં ગુરુએ કહ્યું, “આ ફક્ત એક પરીક્ષા હતી. હું એ જોવા માંગતો હતો કે તમે મારા શિક્ષણને સમજી શક્યાં છો કે નહિ. હું એ ચકાસવા માંગતો હતો કે તમે હજી પણ પોતાનાં અંતર્નાદનો વિશ્વાસ કરવાનું શીખ્યા છો કે નહિ.”

મોટાભાગે, આપણે આપણા કર્મોની ચકાસણી માટે બાહ્ય પુષ્ટીકરણની અપેક્ષા રાખતાં હોઈએ છીએ, સામાન્ય રીતે કોઈ ગુરુ કે કોઈ ધાર્મિક સંસ્થા તરફથી. પરંતુ સત્ય તો એ છે કે આપણી અંદર ઊંડે તો આપણે આપણી વાસ્તવિકતાને જાણતા જ હોઈએ છીએ. આપણે આપણા ઈરાદાઓ કોઈ બીજા કરતાં વધારે સારી રીતે જાણતા હોઈએ છીએ. આપણી ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ ના જોરે આપણે આપણા અંતર્નાદને આપણી અનુકુળતાએ મૂક બનાવી દેતા હોઈએ છીએ. અને, જયારે આત્માનાં અવાજને મૂક કરી દેવામાં આવે ત્યારે આપણે આપણા ખરા આનંદના સ્વભાવ સાથેનો સ્પર્શ ગુમાવી દઈએ છીએ. પછી આપણે આપણી ઇચ્છાઓની પૂર્તિ ન થાય ત્યારે શોક અને દુઃખનો અનુભવ એવી રીતે કરીએ છીએ જાણે કે કોઈ વિશાળ યોજનામાં તેનો (દુઃખ અને પીડાનો) આપણા જીવન ઉપર કોઈ સંબંધ ન હોય (વાસ્તવમાં તેનો કોઈ જ સંબંધ નથી.)

કપિલ મુની (ઇ.સ. પૂર્વે ૨૦૦૦)એ સાંખ્ય ફિલસુફી ઉપર રચેલા ૫૨૬ સુત્રોમાંથી ખાસ કરીને પાંચ સુત્રો આજનાં સંદર્ભમાં અલગ તરી આવે છે.

 

इदानीमिव सर्वत्र नाट्यन्तोच्चेदह
व्यावरात्तो भुयारूप:
अक्षासंबधतसाक्षीत्वं
नित्यमुक्ततवं
उदासीन्यम चेती 

સંસારિક વસ્તુઓનો કોઈ અંત નથી, પરંતુ આત્મા તો બંધનમાં લાગતો હોવા છતાંપણ મુક્ત જ હોય છે. આત્મા તો એક ફક્ત સાક્ષી છે. આત્માની સાચી અને સાશ્વત અવસ્થા એક નિરંતર મુક્તિ જ હોય છે, કારણકે, આત્મા તો સુખ અને પીડા પ્રત્યે તટસ્થ જ હોય છે.

જો તમે તમારા આત્મસ્વરૂપ ઉપર ધ્યાન કરી શકો, જો તમે તમારી જાતને એક મૂકસાક્ષી તરીકે જોઈ શકો તો જીવનમાં મોટાભાગની વસ્તુઓ તરફનો તમારો દ્રષ્ટિકોણ તમારા સારા માટે બદલાઈ જશે. જયારે તમે જીવન તમારા પ્રમાણે ન ચાલી રહ્યું હોય અને જો તેનાંથી તમને દુઃખ થઇ રહ્યું હોય તો, એક ડગલું પાછાં હટી જાવ, અટકી જાવ, ઉભા રહી જાવ, બેસી જાવ. એક ઊંડો શ્વાસ લો. કલ્પના કરો કે તમે ફક્ત તમારા જીવનનાં એક દ્રષ્ટા છો. કે તમે તમારા શરીરને, તમારા મનને, તમારા જીવનને જોઈ રહ્યા છો. તમારું સાચું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ તો દરેક પ્રકારનાં દુઃખથી ઉપર છે.

તમારા જીવન અને તમારી લાગણીઓને કોઈપણ પ્રકારનાં પ્રતિકાર આપ્યા વિના કે તેનાં પ્રત્યે નિર્ણાયક બન્યા વગર ફક્ત તેને જોઈ શકવું તે આત્મ-સાક્ષાત્કારનો એક ગહન અને ત્વરિત માર્ગ છે.

મુલ્લા નસરુદ્દીન માંચડા ઉપરથી ત્રણ માળ નીચે પડી ગયા. બીજા કામદારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને એકે તેમને પૂછ્યું, “તમે પડ્યા તો તમને વાગ્યું?”
“હું નીચે પડ્યો તેનાંથી તો મને નથી વાગ્યું,” મુલ્લાએ દર્દભર્યા અવાજે કહ્યું. “પણ હું અચાનક અટકી ગયો તેનાંથી મને વાગ્યું.”

એવી જ રીતે, કોઈપણ પરીસ્થિતીમાં થતો અનુભવ કોઈને પીડા નથી આપતો, પરંતુ તેનાં પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ તે દુઃખ આપતો હોય છે. જયારે આપણે અટકી જઈએ અને સવાલ કરવા માંડીએ ત્યારે, જયારે આપણે તેનું પૃથ્થકરણ કરીએ તેનાં વિશે કોઈ આકલન કરીએ ત્યારે આપણને જે કઈપણ લાગતું હોય તે અનુભવતા હોઈએ છીએ. જયારે તમે એ ક્ષણમાં કોઈ નિર્ણય લેતાં હોવ છો ત્યારે તમે તમારા દ્રષ્ટિકોણને પસંદ કરી શકો છો, તમે ફક્ત એક સાક્ષી હોવાનું પણ પસંદ કરી શકો છો, જાણે કે એ કઈ તમારા માટે નથી પણ તમે તમારી અંદર રહેલાં કોઈ એક ભાગને જેને તમે ઓળખો છો તેનાં માટે ઘટી રહ્યું છે. તમારા દુઃખભર્યા અને હિંસક પ્રતીકારો તરત જ અને ત્યાં જ શમી જશે.

તમારો આત્મા તમે જે કઈ પણ કરો છો કે તમારી સાથે જે કઈ પણ ઘટી રહ્યું છે તેનો એક મૂકસાક્ષી છે. જયારે તમે એ અનુભવવાનું શરુ કરી દેશો કે તમે તો તમારા શરીર અને મનનાં કુલ સરવાળા કરતાં ક્યાંય વધુ છો ત્યારે એક સતત આનંદની લાગણી તમારા અસ્તિત્વનો એક ભાગ બની જશે જેમ કે અગરબત્તીનીસુંગધ – જીવન જેટલું તમને બાળતું રહેશે તેટલી જ સુવાસ તમે બહાર ફેંકતા જશો. અરે, જયારે તે ઓલવાઈ જશે, ત્યારે પણ એક મસ્ત મહેક તેની પાછળ આવતી રહેશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone