આપણને બધાંને ભય લાગતો હોય છે. ભવિષ્યમાં શું થશે તેનો ડર, કબાટમાં છુપાયેલ હાડપિંજરનો ડર, બીજા કે આપણે નિષ્ફળ થઈશું તેનો ડર વિગેરે. આપણને એ બાબતનો પણ ભય લાગતો હોય છે કે આપણો મોટામાં મોટો ડર સાચો પડશે તો! આપણી મોટાભાગની ચિંતાઓ આવાં અનેક ભયમાંથી આવતી હોય છે. આપણે સ્વ-મદદ માટેનાં પુસ્તકો કે જે એવું કહેતાં હોય “ચિંતા ન કરશો” અથવા “હકારાત્મક બનો” તે પણ વાંચતા હોઈએ છીએ. પરંતુ, મોટાભાગે તે કામ નથી કરતાં, દરેક વખતે તો નહિ જ. કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું, “તમારા ભયથી ઉપર ઉઠવાનો કોઈ માર્ગ હોય છે ખરો?”
વારુ, તે તમારા ભયનાં પ્રકાર ઉપર આધાર રાખે છે. જો તમને અતિશય વિચારો કર્યે રાખવાથી થતાં ચિત્તભ્રમ, ભય, અને ચિંતાઓ હોય તો ચોક્કસ એક શાંત મનથી તમને અત્યંત લાભ થશે. આજનું મારું લક્ષ્ય જો કે બેચેન મનમાં ચાલતી ચટરપટરથી ઉદ્દભવતાં ડર વિશેનું નથી. હું ભૂતકાળમાં આ વિષય ઉપર ઘણું બધું લખી અને બોલી ચુક્યો છું. આજનાં આ લેખમાં હું ખરા ભય વિશે કઈક કહેવાં માંગું છું. એવાં ભય હેઠળ જયારે એક શાંત મન તમારી ચિંતાઓને સંતુષ્ટ નથી કરી શકતું, અને જયારે દરેક પ્રકારની હકારાત્મક અભિપુષ્ટિઓ પણ નિષ્ફળ જાય છે, ત્યારે આવાં ભયનો સામનો કરવામાં ફક્ત એક વસ્તુ કામ કરે છે. તમે પૂછશો કઈ વસ્તુ?
તે પહેલાં ચાલો હું તમને એક નાનકડી વાર્તા કહું.
ઘણાં વર્ષો પહેલાં એક ખેડૂત પાસે દરિયા કિનારાની નજીક એક વિશાળ ખેતર હતું. તે જગ્યાએ દરિયાઈ તોફાનો કુદરતી રીતે આવતાં રહેતાં હતાં કે જેનાંથી થતાં નુકશાનને તે ટાળી શકે તેમ નહોતો. તે હંમેશાં મજબુત અને લંબતડંગ માણસોની શોધમાં રહેતો કે જે તેનાં પાક, વાડો અને ઘાસની રખેવાળી કરી શકે. પરંતુ, તે ગમે તેટલો સારો પગાર કેમ ન આપે, દરેકજણ એક કે બે તોફાન જોઈને ભાગી જ જાય.
એક દીવસે, એક ઠીંગણા અને પાતળા માણસે નોકરી માટે તેનો સંપર્ક કર્યો. તેનો નીચા કદનો બાંધો જોઇને, ખેડૂતને આ નોકરી માટેની તેની ક્ષમતા માટે શંકા થઇ. તેણે આ નોકરી માટે ખુબ શારીરરિક ક્ષમતાની જરૂર છે તેવું કહીને એમ જણાવ્યું કે તેનું નાના કદનું શરીર આ નોકરી નહિ કરી શકે. પેલા માણસે, તો જો કે ખાતરી આપતા કહ્યું કે તે આ નોકરી માટે ખુબ જ યોગ્ય છે.
“દરેકજણ તો એક જ તોફાન જોઇને ભાગી જાય છે,” ખેડૂતે કહ્યું.
“સાચું કહું તો, હું તો તોફાનમાં પણ શાંતિથી ઊંઘી જઉં છું.”
ખેડૂતને તેનાં જવાબથી કુતુહલતા લાગી, તેમ છતાં તેનો નોકરી માટેનો આગ્રહ જોઇને તેણે તે ઠીંગણા વ્યક્તિને નોકરીએ રાખી લીધો.
આ નાનો વ્યક્તિ તો ખુબ સક્ષમ અને કટિબદ્ધ કામદાર નીકળ્યો. તે તો ખેતરમાં ખુબ સરસ કામ કરતો હતો, સવારથી સાંજ સુધી વ્યસ્ત રહેતો, અને ખેડૂત પણ તેનાં કામથી સંતુષ્ટ હતો. એક રાત્રે પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને એક મોટું તોફાન આવવાનું હોય તેવાં સંકેત મળવા લાગ્યા. વીજળી તરત જ ગુલ થઇ ગઈ અને ચોતરફ કાળું ડીબાંગ અંધારું છવાઈ ગયું. ખેડૂત તો પોતાની પથારીમાંથી કુદકો મારીને બેઠો થઇ ગયો અને હાથમાં ટોર્ચ લઇને બાજુમાં આવેલાં પેલા નોકરનાં મકાન તરફ ગયો.
કાન બેરા કરી નાંખે તેવી ગર્જના વાદળોમાં થવા લાગી. વીજળીનાં ચમકારા અને શક્તિશાળી પવનનાં ફૂંફાડાથી દરિયાકિનારો એકદમ ડરામણો લાગતો હતો.
“ઉઠ, ઉભો થા!” ખેડૂતે બુમ પડી અને પેલા ઠીંગણા વ્યક્તિને હલાવ્યો. “તોફાન આવી રહ્યું છે!”
પેલા માણસે તો પોતાનાં પર ફેંકાયેલાં પ્રકાશ તરફ અધખુલ્લી આંખે જોયું અને પાછી આંખો બંધ કરી દીધી જાણે કે તેને પોતાને ઉઠવાનું બિલકુલ મન ન હોય તેમ. પોતાનાં માન્યામાં ન આવતાં ખેડૂતે તો તેનાં ઓરડામાં ચોતરફ નજર કરીને ખાતરી કરી જોઈ કે આ દારૂ પીને તો નથી સુઈ ગયો ને. પરંતુ ના, તેનો ઓરડો તો એકદમ ચોક્ખો હતો.
ખેડૂતે તેને ફરીથી જોરપૂર્વક હલાવી જોયો અને હતું તેટલું જોર કરીને બુમ પાડી, “આ શું છે! ઉભો થા, અને બધું ઉડી જાય એ પહેલાં સરખું બાંધી દે!”
“ના સાહેબ,” પેલા ઠીંગણા વ્યક્તિએ પથારીમાં પડખું ફરતાં જવાબ આપ્યો. “મેં તમને કહ્યું હતું, હું તો તોફાનમાં પણ શાંતિથી સુઈ જઉં છું.”
તેની આ લાપરવાહીથી ગુસ્સે થઈને, ખેડૂત બબડાટ કરતો દોડ્યો અને બધું તૈયાર કરવાં કરવાં માટે બહાર ગયો. બહાર, જો કે, ઘાસનાં પુરાઓ પહેલેથી જ તાડપત્રીથી ઢાંકી દીધેલાં હતાં. ગાયોને તબેલામાં બાંધી દીધી હતી, મરઘાં પાંજરામાં પૂરી દીધેલાં હતાં. અને બારણાંને આડું બાંધી દીધું હતું. બધું જ સખત બાંધી દીધું હતું. કશું જ ઉડી જાય તેમ નહોતું.
આનંદથી આશ્ચર્યચકિત થઈને, ખેડૂતે પેલા ઠીંગણાની માફી માંગી અને તે પણ પોતાની પથારીમાં જતો રહ્યો. જયારે તોફાન બરાબરનું આવે તો પણ શાંતિથી સુઈ જવા માટે.
શબ્દ છે ‘તૈયારી’.
જયારે તમારા ડર વ્યાજબી હોય, જે તમારા વ્યવહારુ ગણતરીમાંથી આવતો હોય કે ચોક્કસ કારણથી (કે તેનાં અભાવે) હોય, તૈયારી જ એકમાત્ર એવી વસ્તુ છે જે તમને આવા ડરનો સામનો કરવાં માટે તૈયાર કરે છે. દાખલા તરીકે, તમને જો કાલની પરીક્ષામાં નાપાસ થવાનો ભય હોય કારણકે તમે તેનાં માટે તૈયારી જ નથી કરી, તો તે ભય બિલકુલ વ્યાજબી છે. હકારાત્મક વાત કે સ્વ-અભિપુષ્ટિ તમને ત્યાં મદદ ન કરી શકે. ફક્ત તૈયારી જ કરી શકે.
અને, તૈયારીનાં મૂળમાં હોય છે એક સરળ અભિપુષ્ટિ. તમારા હૃદય ઉપર હાથ રાખીને, જો તમે કહી શકો કે કે મારાથી બનતું બધું જ મેં કરી લીધું છે તો પછી તમારો ભાગ તમે બરાબર ભજવી લીધો છે. બાકીનું પછી કુદરત, નસીબ, કર્મ, ઈશ્વર કે પછી તમે જે નામે તે તત્વને ઓળખતાં હોવ તેનાં ઉપર છોડી દેવાનું, આપણે ફક્ત જે કરી શકતાં હોઈએ તેજ કરી શકીએ અને અંતે, આપણાંથી એટલું જ થતું હોય છે. જો તમે બની શકે તેટલી તૈયારી કરી હોય, તો બસ પછી એટલું જ મહત્વનું છે. આપણો કાબુ આપણી આજુબાજુ ઘટતી દરેક બાબતો ઉપર નથી ચાલતો હોતો. તમારી કાબુ બહારની વસ્તુ ઉપર ચિંતા કરવી કે ખીજ ચડવી તેમાં કોઈ બુદ્ધિમાની નથી.
જો તમે સીટ બેલ્ટ પહેર્યો હોય અને ટ્રાફિકનાં બધાં નિયમોનું પાલન કરી રહ્યાં હોય, તો પછી અકસ્માતનો ડર રાખવો અર્થહીન છે. તમારો તેનાં ઉપર કોઈ કાબુ નથી. જયારે વિમાનપ્રવાસ કરી રહ્યાં હોય ત્યારે વિમાન પડી ભાંગશે તેવો ડર રાખવો, તે બીજું ઉદાહરણ છે. અતિશય વિચાર આવા બધાં ભયની જનેતા છે. કોઈ એક વિશિષ્ટ ડર કે જેને તમે તમારાં મગજમાંથી બહાર ન કાઢી શકતાં હોવ તો તે એક ફોબિયા (ડર) છે. કોઈપણ રીતે, સારું ધ્યાન, કોઈની સાથે સલાહ મસલત, કે પછી એવી કોઈ પણ બીજી રીત તમને તેમાંથી બહાર આવવા માટે મદદરૂપ થઇ શકે. બાકીનાં તમામ ભય કે જે વ્યાજબીપણે હોય છે, તેનાં માટેનો એકમાત્ર માર્ગ કે જેની મને ખબર હોય તે છે તેનાં માટેની તૈયારી.
એક વૃદ્ધાએ વિમાનમાં પોતાનાં એક સહપ્રવાસી કે જે લગભગ ચાલીસ વર્ષનો હશે તેને પૂછ્યું, “કોઈ આપણા વિમાનમાં બોમ્બ લઇને આવ્યું હોય તેની કેટલી સંભાવના હોઈ શકે?”
“હું તો એવી કોઈ ચિંતા નહિ કરું,” તેને આત્મવિશ્વાસ સાથે કહ્યું. “દસ લાખમાં એકાદ વાર એવું બને.”
“હં…” વૃદ્ધાએ ડોકું હલાવતાં કહ્યું.
અને, બે તદ્દન અજાણ્યા વ્યક્તિઓ વિમાનની અંદર બોમ્બ લઇને બેઠા હોય તેની સંભાવના કેટલી?” પેલી વૃદ્ધાએ થોડી મિનીટો પછી પાછું પૂછ્યું.
“કદાચ કરોડમાં એકાદી વાર,” પેલા માણસે જવાબ આપ્યો અને પાછો પોતાનું મેગેઝીન વાંચવા લાગ્યો.
“સારું તો પછી,” વૃદ્ધાએ કહ્યું અને પોતાની હેન્ડબેગ કે જેમાં બોમ્બ હતો તે ખોલીને બતાવ્યો અને બોલી, “મેં આપણી સલામતીનાં ધોરણને સુધારી દીધાં છે.”
આ રમુજ પમાડે એવું લાગે છે પરંતુ આવી જ રીતે આપણું બેચેન મન ડર સાથે કામ લેતું હોય છે. આપણે આપણી ચિંતાઓથી છૂટવા માટે તેનાં વિશે વધુ ચિંતા કરતાં હોઈએ છીએ. આવી રીતે તે કામ ન કરે. તમારા જીવનમાં આવતાં તોફાનો તમારી ક્ષમતા ઉપર આધાર રાખે છે. તમારે જેટલું વધારે આપવાનું હશે, કુદરત તમારા માર્ગે તેટલાં વધુ અવરોધો મોકલશે. તમારી પોતાની જાતને બીજા સ્તરે લઇ જવા માટેનો, તમારી પૂરી ક્ષમતા સુધી પહોંચવાનો અને તેને પણ પાર કરીને આગળ વધવાનો આ જ એકમાત્ર રસ્તો છે.
કબુતરની અને બાજની ચુનોતીઓ એકસરખી નથી હોતી. તમારા અસ્તિત્વનું પરિમાણ જેટલું મોટું, તેટલાં જ મોટા તમારા તોફાનો. આવાં તોફાનો કદાચ આંતરિક લાગણીઓની આંધી રૂપે ઉઠતાં હોય છે પછી વિચારોનું બર્ફીલું તોફાન, તે કદાચ બાહ્ય તકલીફોની આંધી હોય કે પછી સંજોગોનાં વાવાઝોડા. ગમે તે હોય, જો તમે તોફાનની વચ્ચે પણ શાંતિથી ઊંઘી રહેવાં માંગતા હોય, તો પછી સારું એ રહેશે કે જો તમે અગાઉથી તેની તૈયારી પણ કરી રાખો. તેની શરૂઆત થાય છે આપણી પસંદગીઓ અને કર્મો પ્રત્યે સભાન થવાથી અને તેની જવાબદારી સ્વીકારવાથી. એવું કશું નથી કે જે આપણે શીખી ન શકીએ, ખુશ અને હકારાત્મક રહેવાથી લઈને પોતાની જાતને સિદ્ધ કરી લેવા સુધીનું – બધું જ શક્ય છે.
તોફાનો આવશે. તેમને આવવા દો. કારણકે, ત્યારબાદની સ્વસ્થતા અને શાંતિનો આનંદ તેનાંથી અનેકગણો વધારે છે. દરેક તોફાન તમને એક પાઠ ભણાવીને જાય છે. આવા પાઠો દ્વારા જ આપણે જીવનમાં ડહાપણ એકઠું કરતાં હોઈએ છીએ. વધુમાં, ડહાપણ, એ કાદવ વાળા પાણીમાં જોઈ શકવાની ક્ષમતા ઉભી કરે છે જેથી કરીને તમે ઉછાળા મારતાં સમુદ્રમાં પણ તમારી નાવ હંકારી શકો. તમારે જો સમુદ્રની વિશાળતાનો આનંદ માણવો હોય તો તમે તોફાનોથી ભાગી ન શકો. ચાલો પગ બહાર કાઢો, ડૂબકી મારો, અને ઊંડે સુધી જાવ. તેમાં શું ગુમાવવાનું છે? આખું બ્રહ્માંડ તમારું પોતાનું જ છે. તો પછી બીજી કોઈ રીતે જીવન જીવવાનો શો અર્થ?
તૈયારી રાખો. રમતાં જાવ. થોભી જાવ. વિચારો. પુનરાવર્તન કરો.
શાંતિ.
સ્વામી