ગયા અઠવાડિયે, મેં મેલોડી બેટ્ટીનાં Codependent No More નામનાં પુસ્તકને ટાંક્યું હતું. આજે, સંબંધ ઉપરનાં મારા વિચારોને ચાલુ રાખતાં, હું એ જ પુસ્તકમાંથી એક ફકરો ટાંકીને શરૂઆત કરું છું.
કોઈ વખત, મારો સૌથી નાનો દીકરો, શેન, મને ખુબ જ જોરથી અને ખુબ જ લાંબા સમય સુધી આલિંગન આપતો હોય છે. એ આખો મારા ઉપર ઝુકી જતો હોય છે. હું મારું સંતુલન ગુમાવી દઉં છું, અને એ મને વળગે નહિ એનાં માટે અધીરી બની જાવ છું. મેં તેને નકારવાનું ચાલુ કર્યું. કદાચ એ મને એટલાં માટે એવું કરતો હોય છે કે જેથી કરીને તે મને તેની પાસે વધુ સમય સુધી રાખી શકે. કદાચ એ મારા ઉપર કાબુ કરવાં માંગતો હોય તેનાં પ્રતિકરૂપ જેવું લાગતું હતું. ખબર નહિ. એક રાતે તેને ફરી એવું કર્યું ત્યારે મારી દીકરી આ ત્યાં સુધી જોઈ રહી કે તે પણ આખરે ત્રાસીને અધીરી બની ગઈ.
“શેન,” તેને કહ્યું, “એવો પણ સમય આવે કે પછી છોડી દેવાનું હોય.”
આપણા પ્રત્યેક માટે, એવો સમય આવતો હોય છે કે પછી છોડી દેવું પડે. તમને ખબર પડશે જ જયારે એવો સમય આવશે. જયારે તમે તમારાથી બનતું બધું જ કરી છૂટ્યાં હશો ત્યારે હવે અનાસક્ત થઇ જવાનો સમય પાકી જાય છે. તમારો કાબુ જતો રહેશે તે ડરનો સામનો કરો. તમારા ઉપર અને તમારી જવાબદારી ઉપર કાબુ મેળવો. બીજા લોકોને તેઓ જેવા છે તેવાં બની રહેવા દેવાં માટે તેમને મુક્ત કરો. આમ કરવાથી, તમે તમને પોતાને જ મુક્ત કરો છો.
અંગત રીતે, આ સુચના મને ખુબ જ અર્થસભર લાગે છે. અનાસક્તિ દ્વારા હું એમ નથી કહી રહ્યો એક તમે તમારા સાથી સાથે સંબધ વિચ્છેદ કરી નાંખો. જો કે, હું સહમત થાઉં છું કે કોઈ વખત એમાં બીજો વિકલ્પ પણ નથી રહેતો હોતો. હાલમાં, જોકે, મારું કેન્દ્રબિંદુ છે કે જયારે હજી પણ સંબંધથી બંધાયેલા રહેલાં હોઈએ તો પણ તેમાં એક અનાસક્તિ ઉભી કરવી. જો તમે બહુ જ સખત રીતે બહુ જ લાંબા સમય સુધી બંધાયેલા રહો તો તમે બન્ને ગરબડિયું ખાઈ જશો.
જયારે તમે તમારી જાતને અવગણવાનું ચાલુ રાખી તમારા સાથીને જે જોઈતું હોય તે પૂરું પાડ્યાં કરો ત્યારે તમારા બન્નેમાંથી કોઈપણ ખુશ નથી રહી શકતું. તેનાંથી સંબંધમાં સારું થવાને બદલે નુકશાન વધુ થાય છે. જો બેમાંથી તમે તે એક હોવ કે જેને હંમેશાં મજબુત રહેવું પડતું હોય અને બધું પ્રુરુ પાડવું પડતું હોય તો, એક દિવસે, તે તમને બિલકુલ તોડી પાડશે. આ મુદ્દો મને મારા આજના મુખ્ય વિવરણ તરફ લઇ જાય છે – ફરજીયાતપણે થતી કાળજી.
વધારે પડતું વળેગેલું રહેવું (સંબંધમાં એક અંગતતાની ગેરહાજરી) અને/અથવા તો મનમાં એક ગેરવ્યાજબી ડર (તમારી લાગણીને અવાજ નહિ આપી શકવાની અસમર્થતા કેમકે સામે વાળી વ્યક્તિ તેનાંથી કાં તો હિંસક રીતે પ્રત્યુત્તર આપતી હોય કે પછી તમારે જે કહેવું હોય તેનાં પ્રત્યે અવગણના દાખવતી હોય) એ ઝેરીલા સંબધનાં ઉત્તમ લક્ષણો છે. જયારે તમને કાળજી કરાવડાવવા માટે ફરજ પાડવામાં આવતી હોય, એટલાં માટે નહિ કે તમે એક જવાબદારી ભર્યા સંબંધથી બંધાયેલા છો, પરંતુ એક ડર કે આકર્ષણનાં લીધે, ત્યારે તમે ફરજીયાત પણે કરવી પડતી કાળજીનાં શિકાર છો. અને આવા સંજોગોમાં, તમે ત્રણ પ્રકારની લાગણીઓમાંથી પસાર થાવ છો. આ એક ચક્ર સમાન છે.
જો કે, આ બાબતમાં મારા અભિપ્રાયો મૂળભૂત પણ નથી કે નથી સુધારાવાદી. ઉલટાનું, હું જે કઈ પણ આજે કહી રહ્યો છું તે સૌ પ્રથમ એરીસ્ટૉટલ દ્વારા કહેવામાં આવ્યું હતું અને પાછળથી અર્થપૂર્ણ રીતે અને યોગ્ય રીતે ડૉ. સ્ટીફન કાર્પમેને તેમનાં પ્રભાવશાળી સંશોધન કાર્યમાં જણાવ્યું હતું. હું તો ફક્ત મારું પોતાનું અર્થઘટન મારા પોતાનાં અનુભવ અને અવલોકન ઉપરથી જણાવું છું. આ ત્રણ લાગણીઓને કાર્પમેનનાં નાટકીય ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રહ્યું તે વિવરણ:
૧. ઉદ્ધારક:
એક અસંતુલિત સંબધમાં કોઈ એક વ્યક્તિ હંમેશાં ઉદ્ધારકનો ભાગ ભજવતી હોય છે. એક ઉદ્ધારક તરીકે તમે એક મજબુત, સાથી અને સંચાલક તરીકે વર્તો છો. જેવું તમારું પાત્ર એક પીડિત તરીકે વર્તીને મદદ માટે પોકાર પાડે કે તમે તમારી જાતને તરત મદદ માટે હાજર કરી દો છો. “ચાલો, હું તમને મદદ કરું,” ઉદ્ધારક કહે છે. “ચિંતા નહિ કર, હું આવી ગયો/ગઈ છું.” તમે તમારી પોતાની પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને ચિંતાઓ બાજુ પર મૂકી દો છો. તમે પ્રસંગે પહોંચી જઈને તમારા પાત્રને મદદ કરો છો કે જે તમારા ઉપર લાગણીકીય રીતે આધારિત બની ગયા હોય છે. કમનસીબે કોઈ કોઈ વખત તો આ ઉદ્ધારક પોતાનું અંગત કામ, કાળજી અને દયાનાં નામ હેઠળ છુપાવે છે. તેઓ ફરજીયાતપણે સારા, અને બીજી વ્યક્તિ માટે ગમે ત્યારે પોતાને હાજર રાખતાં હોય છે, પછી ભલેને તે માટે થઇને પોતાનું જેમાં સારું થતું હોય તે વાતને બાજુ પર મુકવી પડે. જો કે આમ કરવાથી અંગત રીતે ઘણી મોટી ખોટ જતી હોય છે, કારણકે એક વખત જયારે પ્રશ્ન હલ થઇ જાય પછી ઉદ્ધારક આ ત્રિકોણનાં બીજા ખૂણે પહોંચી જાય છે.
૨. અત્યાચારી
જેવો એક પ્રશ્ન હલ થઇ જાય કે તરત જ ઉદ્ધારકની આંતરિક ખુશી અદ્રશ્ય થઇ જાય છે અને તેમનાં પોતાનાં મુદ્દાઓ સપાટી ઉપર પાછા આવે છે. હવે તેઓને એવું નથી લાગતું હોતું કે જે નબળું પાત્ર છે તેને ખરેખર મદદની જરૂર હતી. એનાં બદલે, ઉદ્ધારક હવે ત્રાસદાયી – એક પ્રકારે અત્યાચાર દાખવતાં થઇ જાય છે. “બધો તારો જ વાંક છે,” તેનાં માટે પ્રથમ તો એવી લાગણી અનુભવાય છે. જે મજબુત હોવાનો ભાગ ભજવતું હતું તેનામાં હવે એક ગુસ્સો ઉત્પન્ન થતો જાય છે. ઉદ્ધારકને હવે ક્રોધ, દુઃખ, પોતાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું, અને પોતાને પ્રતાડિત કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. આ બાબતથી તેમનામાં હવે સામેવાળા પાત્રનાં સ્વભાવ ઉપર કાબુ કરવાની ઈચ્છા ઉભી થાય છે, તેમનું અપમાન કરવાનો કે તેમને દબાવી દેવાનો વિચાર આવે છે કે જેથી કરીને આવી પરીસ્થિતી ફરીથી ઉભી જ ન થાય. ઉદ્ધારકને એવું લાગે છે, “મારે તેને કહેવું જ જોઈએ કે આવું હવે ફરીથી નહિ ચાલે.” પરંતુ, ઉદ્ધારક પોતાની જાતની કાળજી કેવી રીતે કરવાની તે શીખ્યા નહિ હોવાથી, અને બન્ને પાત્રોમાં સુસંવાદ કરવાની કલાનો અભાવ હોવાથી, ઉદ્ધારક પોતની જાતને યોગ્ય રીતે વ્યક્ત નથી કરી શકતી. પરિણામે, એક ઉદ્ધારક હવે બીજી વ્યક્તિને પોતે કેવું અનુભવે છે તેને માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવીને એક અત્યાચારી વ્યક્તિ બની જાય છે. આ બાબતનો અંત જો કે અહી નથી આવી જતો. એકવાર, જે પાત્ર મજબુત હોવાનું વર્તન કરે છે અને પછી બીજા પાત્રનો વાંક કાઢે છે, તે હવે આ નાટકીય ત્રિકોણનાં ત્રીજા ખૂણે પહોંચી જાય છે.
૩. પીડિત
ઉદ્ધારક હવે પોતાની જાતને એક પીડિત વ્યક્તિ તરીકે જોતા થઇ જાય છે. તેમનાં મનમાં હવે એક સ્વ-દયાનો ભાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ કે જે પોતે એકવાર ઉદ્ધારક હતો તે હવે લાચારી, શક્તિહીનતા, વિચારશકિત વિહીનતા અને તણાવ અનુભવે છે. જીવનને માણવાની ઈચ્છા હવે પાછલી પાટલીએ જઈને બેસી જાય છે અને નકારાત્મક લાગણીઓ આ પીડિતને હવે ગળી જાય છે. “બિચારો/બિચારી હું” એ મુખ્ય લાગણી બની જાય છે. પીડિત પોતાનાં માટે ખુબ જ દિલગીરી અનુભવે છે અને પોતાને કોઈ મદદ કરે તેવું તે ઈચ્છે છે.
અને હવે આવે છે એક કરુણ વસ્તુસ્થિતિ: એક પીડિત હવે એક ઉદ્ધારક ઈચ્છે છે (કાં તો પછી એક બીજો અત્યાચારી ઈચ્છે છે કારણકે તે હવે વધુ મજબુત લાગે છે). આ જ કારણ છે અમુક લોકો શા માટે એક અત્યાચારી સંબંધમાંથી બીજા અત્યાચારી સંબંધ તરફ આગળ વધે છે. તેઓ એક જ પ્રકારનાં લોકોને પોતાનાં જીવનમાં આકર્ષે છે. દરેક વખતે, તેમને લાગે છે આ સંબંધ જરા જુદો સાબિત થશે, પણ તે હતો તેવો ને તેવો જ સાબિત થતો હોય છે. થોડો વધારે કે થોડો ઓછો.
આવું ન હોવું જોઈએ. આમાં સુધારાની શરૂઆત થાય છે એક જવાબદારીપૂર્વક જીવન જીવવાથી. એક એવું જીવન કે જેમાં તમે એ સમજતાં હોવ છો કે કોઈ બીજાને પ્રેમ કરવાં માટે તમારે પ્રથમ તો તમારી જાતને પ્રેમથી ભરી દેવી પડશે. કોઈ બીજાની કાળજી કરવાં માટે જરૂર છે તમે તમારી જાતની પ્રથમ કાળજી કરતાં થાવ. એક એવી સમજણ કે બીજી વ્યક્તિની કાળજી કરવામાં તમારી પણ એક મર્યાદા છે. એક દિવસે તેમને પોતાનાં વર્તનની જવાબદારી પોતે જ લેવી પડશે.
જયારે તમે પોતે જ થાકી ગયા હોવ ત્યારે પણ તમે મજબુત હોવાનું વર્તન દાખવતા રહો, તો પછી એક દિવસે તમે એટલાં તૂટી જશો કે તમને સરખા પણ નહિ કરી શકાય. ખુશી એક અંગત મુસાફરી છે પરંતુ તે એક પરસ્પર લાગણી છે. જો તમે સતત ઉદ્ધારક બની રહેવાનું ચાલુ રાખશો તો તમારું પાત્ર મોટાભાગે એક પીડિત વ્યક્તિ બની રહેશે. અને, જો તમે તમારી જાતને એક પીડિત તરીકે જોતા થઇ જશો તો, તમે એક અત્યાચારીને તમારા જીવનમાં આકર્ષશો. કોઈપણ રીતે, એ તમારા આત્મ-સન્માન અને સારા માટે પ્રાણઘાતક સાબિત થશે.
એક ૨૫ વર્ષનો પુત્ર, પોતાની સ્ત્રી મિત્ર સાથે લગ્ન કરવાના ઈરાદા સાથે, પોતાનાં પિતા પાસે જાય છે, “પપ્પા, એક લગ્નનો કેટલો ખર્ચો આવતો હોય છે?”
“ખબર નહિ, બેટા,” પિતાએ જવાબ આપતાં કહ્યું. “હું તો હજી પણ ચૂકવી રહ્યો છું.”
જ્યાં સુધી એક સંબધ પરસ્પર પરિપૂર્ણતા, સંશોધન અને અભિવ્યક્તિ કરવાં માટેની અંગતતા નહિ પૂરી પાડતો હોય ત્યાં સુધી એ કાયમ એક બોજ સમાન લાગતો હોય છે અને નહિ કે કોઈ ઇનામ લાગ્યું હોય તેવો. હા, તમારે કાળજી કરવી જોઈએ અને પ્રેમ પણ કરવો જોઈએ, પણ તેની શરૂઆત તમારાથી થવી જોઈએ. જો તમે પોતાની કાળજી બરાબર કરતાં થશો અને તમારી પોતાની જાત સાથે પ્રેમપૂર્વક વર્તતા હશો તો તમારા જીવનનાં મોટાભાગનાં પ્રશ્નો અદ્રશ્ય થઇ જશે. જે નમ્રતા તમે તમારી પ્રિય વ્યક્તિઓ પ્રત્યે (કે અજાણી વ્યક્તિઓ પ્રત્યે) દાખવતા હોવ છો એ જ નમ્રતા જો તમે તમારી જાત પ્રત્યે પણ બતાવશો તો તમારા જીવનમાં એક અનોખું પરિમાણ ઉમેરાશે.
નહિ ઉદ્ધારક, નહિ અત્યાચારી કે નહિ પીડિત પરંતુ એ વ્યક્તિ, કે જે સ્વ-કાળજી અને સ્વ-પ્રેમની કલાને હસ્તગત કરે છે, તે જ બુદ્ધ બની શકે છે, દિવ્ય બની શકે છે. જે કોઈ પણ પરિપૂર્ણ જીવન જીવે છે તેનામાં પરોપકાર તો કુદરતી રીતે જ ઉગી ઉઠે છે. અને તમારી પરિપૂર્ણતાને તમારા પોતાનાં ધ્યેય અને પ્રાથમિકતાઓથી અલગ નથી કરી શકાતી.
સુકા પર્વતો પરથી ઝરણા નથી વહી શકતાં. એ તો આવતાં હોય છે એવા પર્વતો પરથી કે જેને વરસાદનાં પાણીને પોતાની અંદર શોષી લીધું હોય છે, તે તો ત્યાંથી ધસી આવતું હોય છે કે જે પોતે ભરેલું હોય છે. તમારી અંદર તમે જેટલો વધુ પ્રેમ રેડશો, તેટલો જ વધુ તે છલકાશે. તમારે જે કઈ પણ આપવાની ઈચ્છા હોય તેનાંથી તમારી જાતને ભરી દો, કારણકે જે અંદર હશે તે જ બહાર પ્રગટ થવાનું છે.
શાંતિ.
સ્વામી