તમે થાક્યા-પાક્યા ઘરે આવો છો; તમારા માટે આ એક સામાન્ય દિવસ જ હતો. કદાચ સવારે તમારાથી પાંચ મિનીટ વધુ સુઈ જવાયું હશે, અને તેને લીધે દિવસની શરૂઆત દોડધામ સાથે થઈ હશે – બધું ઝડપથી કરવું પડ્યું હશે; જ્યાં સુધી તમે સવારના નાસ્તા માટે તૈયાર થાવ, ત્યાં સુધીમાં તો દસ મિનીટ મોડા થઇ ગયા હતા. ભગવાન જાણે તે પાંચ મીનીટ કોણ ખાઈ ગયું, તમે તો આંખ પણ માંડ મીંચી હતી.

કઈ નહિ, તમે કાં તો અડધો-પડધો નાસ્તો ખાવ છો, કે તે સમૂળગો છોડીને કામ પર ભાગો છો. તમે મનને મનાવો છો કે નાસ્તો ન કરવાથી થોડું વજન ઓછું થશે, પણ એમ કરવાથી લોહીમાં ફુગાવાની જેમ ઈન્સ્યુલીન વધી જશે અને તેનાંથી જે નુકસાન થશે તેના વિશે વિચારવા પણ નથી માંગતા. કારમાં તમે એ જ નિરસ રેડિયો વગાડો છો, ઘરડી ગોકળગાય કરતા પણ ધીમી ગતિના ટ્રાફિકમાં મુસાફરી કરો છો. કામ પર પહોંચો છો. હજી તો શ્વાસ પણ લો તે પહેલા, તમારા કમ્પ્યુટર પર લોગ-ઇન કરીને એક-બે ઈ-મેઈલ લખી નાંખો છો, તમારા આગમનની શાંત જાહેરાત જાણે ન કરી રહ્યા હોય તેમ.

થકવી દેતો દિવસ! નકામા લોકો સાથે નિરુદ્દેશ ચાલતી મિટીંગ્સ, પાયા વગરના લક્ષ્યાંકો, બેજવાબદરી ભર્યા ખર્ચા, ઢંગ વગરનું અમલીકરણ, નિરંતર ચાલતા ઈ-મેઈલ્સ, વિચાર્યા વગરનું આયોજન અને સાવ ઓછું વળતર; ટુકમાં, એક સામાન્ય કોર્પોરેટ દિવસમાં હાજર હોય તેવા બધા તત્વોથી ભરેલો તમારો એ દિવસ હોય છે. તમે તમારો દિવસ એવી બાબતો માટે સહમતીમાં માથું હલાવીને કાઢો છે કે જે બાબતો માટે તમે અંદરથી બિલકુલ અસહમત થતા હોવ. પણ જાણે કે વિશ્વશાંતિ માટે થઇને તમે તમારી સહમતી અને સ્મિત આપીને પતાવી દો છો. જે તમને દીઠા ના ગમતા હોય, કે જેના પર તમને ખુન્નસ હોય અને જેનું માથું વધેરીને તમે દુર્ગાની જેમ વાળ સોતું પકડવાનું સપનું જોતા હોવ તેની સાથે પણ તમે સ્મિતની આપ-લે કરી લેતા હોવ છો. અને જો તમારો શિકાર કોઈ ટાલિયો માણસ હોય, તો તમે શું કરો, તેની તો હું કલ્પના પણ નથી કરી શકતો નથી.

હવે બપોરના જમવાનો સમય થઇ ગયો છે. તમે ભૂખ્યા તો છો, પરંતુ સવારનો નાસ્તો છોડવાના કારણે, અને પાતળા દુધની કોફી પીવાના કારણે, લોહીમાં ઈન્સ્યુલિન નું પ્રમાણ વધવાને કારણે તમારી ભૂખ પણ તમારા મનની જેમ મરી જાય છે. જેમ તમને એની ખબર નથી કે તમે જે રીતે આ કામ કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો, તેવી જ રીત તમે એ પણ નક્કી નથી કરી શકતા કે શું ખાવું. પૂરું ભાણું કદાચ વધારે પડતું થઈ જશે અને એક સેન્ડવીચ પુરતી નહીં થાય. ઓહ! આ પસંદગીઓ! તમારા સહકર્મચારીઓ તમને લન્ચ માટે આમંત્રે છે અને તમે તરત જ સહમત થાવ છો અને ઘેંટાના ટોળાની જેમ બધા સાથે જમવા જાવ છો. તમારા અંતરમનમાં ચાલતો ઘોંઘાટ ઓછો પડતો હોય તેમ તમે એક ઘોંઘાટીયા રેસ્ટોરંટમાં પહોચો છો. બધા જ બોલી રહ્યા છે, પણ કોઈ સાંભળી નથી રહ્યું, અને ભાગ્યે જ કશું સંભળાતું પણ હોય છે. આ એક રોજીંદી શરૂઆત છે. તમે લન્ચ પૂરું કરો છો, પોતાના ભાગના પૈસા આપો છો અને પાછા કામ પર આવો છો. બધું જાણે કંટાળાજનક રીતે શાંત છે. તમે કામનો બાકીનો દિવસ પણ પતાવો છો.

હવે તમે ઘરે પાછા આવવાની મુસાફરી શરુ કરો છો. તમે એટલા થાકી ગયા હોવ છો કે કશું વિચારી પણ શકો તેમ નથી હોતા. કદાચ તમે થોડા અંગત ફોનકોલ્સ કરો છો. તમે કોઈ સંગીત ચેનલ વગાડો છો, રેડીઓ નહિ, એવી આશાએ કે કદાચ તેનાથી તમને થોડી શાંતિ કે ઉત્સાહ પ્રાપ્ત થશે. પરંતુ ટ્રાફિકમાં લેઈન બદલતાં બદલતાં તમને હજી તો કઈ ખબર પણ પડે તે પહેલા તો તમે ઘરે પહોંચી જાવ છો. કદાચ તમે એવા લોકોમાંના એક હશો કે જે આવીને તરત જ ન્હાવા માટે જતાં રહેતાં હશો અથવા તો પહેલા થોડો હળવો નાસ્તો કરી, બ્રશ કરી અને પછી ન્હાવા માટે જતા હશો કે જેથી તમને તાજગીઅને હળવાશનો અનુભવ થાય. જે પણ હોય, સ્નાન કર્યા બાદ, હવે દિવસની સૌથી મહત્વની ક્ષણ આવે છે: આ લો, સાંજ પણ પડી ગઈ – અને તમે તમારા પાયજામામાં આવી જાવ છો.

એવું લાગે છે કે જાણે દિવસ આવો તણાવવાળો હતો જ નહીં. તમે ઉડતા પંખીની જેમ સ્વતંત્રતા અને એક ઉંદરની જેમ શાંતિ અનુભવો છો. હમણાં આપણે તમારા પતિ/ પત્નીની સતત સુડતાલીસ વખત ચેનલ બદલીને ટીવી જોવાની ટેવની વાત નહીં વિચારીએ. તમારી જ વાત કરીએ તો પાયજામામાં ઘુસવાથી તમારા પર કંઈક જાદુ થયો છે. તમે સાહજિક બનો છો. હવે તમે હસો છો, વાતો કરો છો, જમો છો અને કઈક અલગ જ વર્તન કરી રહ્યા છો. જે એક ચૌદ ડોલરનો વોલમાર્ટનો સસ્તા ભાવનો મેઈડ-ઇન-ચાઈનાનો પાયજામો કરી શક્યો છે, તે વર્સાચીનો મોંઘા ભાવનો સુટ પણ નથી કરી શક્યો. તમે બસ તેમાં હવે આરામદાયક મહેસુસ કરો છો. કદાચ તમને નાઈટડ્રેસને પણ ઈસ્ત્રી કરવાનો રોગ હોઈ શકે છે પણ તેથી તમને કઈ ફરક પડતો નથી કેમ કે તમે હવે ખુદ તમે જેવા છો તેવા બની ગયા હોવ છો. પાયજામાંનો આ તો કેવો કમાલ કહેવાય!

હું આશા રાખું છું કે તમે સમજી રહ્યા છો કે આમાં પડદા પાછળ શું ઘટી રહ્યું છે. તમે એક મુક્તિ અને હળવાશ અનુભવી રહ્યા છો કારણ કે તમે સહજ જેવા છો તેવા બની ગયા છો. તમારે તમે કોઈ બીજી વ્યક્તિ છો એવો દેખાડો હવે કરવો નથી પડી રહ્યો. મોટા ભાગે તો તમે જે હોવાનો દેખાડો કરો છો તે કોઈ વ્યક્તિનો નહીં, પણ એક ભૂમિકાનો હોય છે. એ ભૂમિકા કદાચ એક કાર્યદક્ષ કાર્યકર્તાની, કે એક માયાળુ બોસની, કે એક મિત્રભાવવાળા સહકાર્યકરની, કાર્યાલયમાં એક રમતવીરની, રસ્તા પર શિસ્તબદ્ધ વાહનચલાવતા એક ડ્રાયવરની, કે ફોન પર ધ્યાનથી વાત સંભાળનાર એક વ્યક્તિની, કાળજી કરનાર કોઈ એક માતાની, પ્રેમાળ સાથીની, એક કરુણામય વ્યક્તિની, કે પછી એક સારી દીકરીની વિગેરેની હોઈ શકે. તમને તમારા પાયજામામાં રહેવાની તક મળતી નથી હોતી. તમારે હમેશા કોઈને કોઈ ભૂમિકાનો પોશાક ધારણ કરવો પડતો હોય છે. તમે જે પોશાક પહેરો તે પણ તમારામાં કેમ જાણે તે આપમેળે જ ન થતું હોય તેમ તમારા વ્યક્તિત્વમાં એક બદલાવ લાવે છે, પછી ભલે ને તે એક છૂપો, સ્પષ્ટ કે થોડા સમય પુરતો જ કેમ ન હોય. કારણકે હવે તમે એક ચોક્કસ ભૂમિકા “ભજવી” રહ્યા હોવ છો, તમારા મન પર તે ભૂમિકાને બરાબર ભજવવાનો એક અદ્રશ્ય ભાર રહેલો હોય છે.

પોતાનામાં ઝાંખવાનુંકામ એ આરામદાયક, કરચલીઓ વગરનો મુલાયમ પાયજામો પહેરવા જેવું છે. એકવાર તમે તમારો પાયજામો પહેરી લો, અને પોતાની જાતને તે પહેરેલી જોવા માટે ટેવાઈ જાવ એટલે તમે બધી ભૂમિકાઓને વધુ અસરકારક રીતે ફક્ત ભજવી જ નહીં શકો, પરંતુ બહુ આસાની અને કોઈ પણ પ્રયત્ન વગર જીવી શકશો.

પાયજામામાં રહેવું એટલે પોતે જેવા છો તેવા સાહજિક રીતે રહેવું. કોઈ મેક-અપ નહીં, મેચિંગ બુટ કે અન્ય કોઈ ચીજો પહેરવાની જરૂર નહીં, કે પછી અમુક જ રીતે પોતાની જાતને પ્રસ્તુત કરવાની કોઈ ચિંતા નહીં– કોઈ બીજી ફાલતું વાત નહિ – ફક્ત તમે જેવા છો તેવા બની રહેવાની વાત. હવે તમારે હસતી વખતે ધ્યાન રાખીને હાસ્ય દબાવવું નહીં પડે, તમે વીજળીની જેમ ગર્જના કરી શકો, ખડખડાટ હસી શકો. જે લોકો તમે અમુક જ રીતે વર્તન કરો કે હસો તેવી અપેક્ષા રાખે, તેમના તરફથી કશું પણ મેળવવાની અપેક્ષા શા માટે રાખવી! બીજા લોકોને તે જેવા છે તેવા સ્વીકારી લો અને જો તેઓ તમને તમે જેવા છો તેવા સ્વીકારી ના શકતા હોય, તો તેમની પાછળ ખોટો સમય ન બગાડશો. એક વાર મનમાં તમે સ્પષ્ટ થઈ જશો એટલે બાકીનું બધું એની મેળે સ્પષ્ટ થઈ જશે. તમે બીજાને કે જે તેના પોતાના પાયજામામાં હશે તેને પણ ચાહવા લાગશો, અને તેઓને પણ તમારા માટે પ્રેમ અને માન હશે. બાકીની બધી લાગણીઓ હવે તમારા બીજા ગંદા પોશાકો કે જે ધોવાના થયા છે તેમાં જતી રહેશે.

હવે જાવ! તમારા માટે એક પાયજામો શોધો અને તે પહેરીને જીવતા શીખો. તમારે તમારી જાતની ખોજ કરતા પહેલા તમારે તમે જે છો તે બની રહેવું પડશે. અંતે તો, જો તમારા પાયજામાંની સાઈઝ XS હશે તો XXL સાઈઝનો પાયજામો પહેરવાથી તમને એ આરામદાયકતા અને ઉષ્માનો અનુભવ નહિ થાય.

તમારું સત્ય જાતે શોધો. તમારો પોતાનો પાયજામો પહેરો – કે જે ઇચ્છનીય છે કે કોઈ કુદરતી સામગ્રી જેવી કે કોટનમાંથી બનેલો હોય અને નહિ કે કોઈ કૃત્રિમ કાપડમાંથી. સ્પષ્ટ છે કે તમે કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમાં ભાગ લેવા નથી જઈ રહ્યા. તમારા પાયજામામાં તમે કદાચ મોટા પૂહ જેવા કે નાનકડા ટેલીટબી જેવા લાગી શકો છો, પણ તમે જેવા લાગો તેવા, તમે તમારી જાતનું મનોરંજન પુરા હૃદયથી કરી શકશો, એટલું સત્ય જાણી લેશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook2Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone