એક દિવસે, મેં રાઘવાનંદ સ્વામી, જેમને હું સામાન્ય રીતે રઘુસ્વામી (કે જે એક ખુબ જ સમર્પિત શિષ્ય છે, જીવનરસથી ભરપુર અને પુરા અનાસક્ત) કહીને બોલાવું છું, ને પૂછ્યું કે શું હું તેમની એક વાત મારા બ્લોગમાં લખી શકું છું? શ્રદ્ધા અને કૃપા, સાદગી અને નૈતિકતાની એક સુંદર વાર્તા. એક મોટા સ્મિત સાથે તેઓ સહમત થયાં. જો તમે મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યું હશે તો તમે રઘુસ્વામીને જાણતા હશો. કે જેઓ પોતે પૂર્વાશ્રમમાં પ્રદીપ બ્રહ્મચારી હતાં અને જયારે હું હિમાલયનાં જગલમાં તપ કરતો હતો ત્યારે તેમણે જ મારું ધ્યાન રાખેલું.

આશરે ૩૩ વર્ષ પહેલાં કે જયારે રઘુ સ્વામી ભાગ્યે જ ૭ વર્ષનાં હતાં, ત્યારે તેમનાં પિતાને છ મહિના સુધી પગાર થયો નહોતો. કારણ બહુ સરળ હતું: તેમની એક દુરનાં સ્થળે બદલી થઇ હતી અને જો તે નવાં સ્થળે હાજર થાય તો તેમની પાછી બદલી જલ્દી મૂળ સ્થળે ફરીથી થાય નહિ. નવા સ્થળે હાજર થવાનો અર્થ એ પણ હતો કે તેમને નવું ઘર પણ ભાડે રાખવું પડે (જયારે હાલનાં સ્થળે તેમની પાસે પહેલેથી જ પોતાનું એક ઘર હતું) બાળકોની શાળા બદલવાની અને બધું ફેરવવાનું વિગેરે કારણો પણ હતાં. એક નજીવા સરકારી પગારમાં રહીને આ બધું કરવું આર્થિક રીતે પાલવે તેમ નહોતું. માટે બધાંએ તેમને સલાહ આપી કે તેમને આ બદલીનો સ્વીકાર ન કરવો અને તેને રદ કરવાં માટે અરજી કરવી. તેમને બધાંની સલાહ માનીને તે મુજબ કર્યું.

છ મહિના વિતી ગયા, જો કે તે બહુ મોટો સમયગાળો હતો અને તે દરમ્યાન કુટુંબમાં જે કઈ થોડી બચત હતી તે ખર્ચાઈ ગયી. ત્રણ મહિના સુધી બીલ નહિ ભરાવાથી વીજળી કપાઈ ગઈ. મીણબત્તી કે તેલ લેવા માટેનાં પણ પૈસા નહોતાં. બાકી હતું તો એ દિવસ પણ આવી ગયો કે ઘરમાં રાંધવા કે ખાવા માટે કશું બચ્યું નહોતું. અરે ચોખા કે મીઠું પણ નહિ. પાંચ સભ્ય વાળા આ કુટુંબને કશી ખબર નહોતી પડતી કે બીજા દિવસે કે સાંજે તેઓ શું ખાશે. ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓએ કોઈ મદદ ન કરી અને બદલી પછી ખેંચવા માટે સતત પૈસાની માંગણી કરતાં હતાં. રઘુસ્વામીનાં પિતાએ પોતાની પત્નીની સોનાની ચેઈન અને કાનની બુટ્ટી (મંગલસૂત્ર અને નાકની ચૂંક સિવાયનાં તેમનાં એકમાત્ર ઘરેણાં) તો ગીરવે મૂકી જ દીધા હતાં.

ઘરમાં ઠાલા વાસણો જોઇને અને ભવિષ્ય માટે કોઈ સુરક્ષિત ધન નહિ હોવાથી, તેમને અંતે નવા સ્થળે હાજર થઇ જવાનું વિચાર્યું, જો કે ત્યાં પણ એક મહિના સુધી તો તેમનો પગાર થાય તેમ હતું જ નહિ. ફક્ત કોઈ ચમત્કાર જ સાંજનાં જમણની વ્યવસ્થા કરે તેવી પરીસ્થિતી ઉભી થઇ હતી.

તે દિવસે, રવિવાર હતો, અને તેમને રામચરિતમાનસનાં પાઠમાં જવાનું નિમંત્રણ મળ્યું હતું. તેમની મોટી બહેનને જવામાં બહુ શરમ આવતી હતી. ખાસ કરીને જયારે માતાપિતા જવાનાં નહોતાં. માટે તે બધાં એ ઘેર બેસવાનું નક્કી કર્યું કારણકે પૂજાની થાળીમાં મુકવા માટે કે મહારાજને દક્ષિણા આપવા માટે તેમની પાસે કશું જ નહોતું. અંતે ૭ વર્ષનાં રઘુસ્વામી અને તેમનાં ૧૩ વર્ષનાં મોટાભાઈએ જવાનું નક્કી કર્યું કારણકે રઘુસ્વામી નાનપણથી રામનાં બહુ મોટા ભક્ત હતાં. અને અલબત્ત, સારું જમણ પણ ત્યાં મળવાનું હતું.

જયારે બંને ભાઈ શાંતિથી પણ એક આતુરતાથી ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે જ એક માણસ સ્કુટર લઈને તેમની આગળથી પસાર થયો. થોડા અંતરેથી તેમને તે સ્કુટરચાલકનાં ખિસ્સામાંથી કશુંક નીચે પડતાં જોયું. રઘુસ્વામી અને તેમનાં ભાઈએ પેલા માણસને બુમ પાડી પરંતુ તે તો તે પહેલાં જ દુર નીકળી ગયો હતો. તેમને રસ્તા પર જે પડ્યું હતું તેનાં તરફ જોતા જ તેમની આંખો ફાટી ગઈ. રૂપિયાની નોટોનો એક થોકડો લાલ રબરબેન્ડથી બાંધેલો પડ્યો હતો. પેલો સ્કુટર ચાલક બાજુની ગલીમાં વળી જવાથી આમેય દેખાતો નહોતો. બન્ને ભાઈ તો પણ તે ગલીનાં નાકાં સુધી દોડતા ગયા પણ પેલો સ્કુટરચાલક તો ક્યાંય દેખાયો જ નહિ.

જમવા માટે મોડું ન થાય તે માટે થઇને તેઓએ નોટોનું બંડલ ખિસ્સામાં મુક્યું અને કથાનાં સ્થળે જલ્દી પહોંચી ગયા. તેમને ખાવામાં તેમને સલાડ, ભાત, કઠોળ, બટાકાનું શાક, કોળાનું શાક, પૂરી, અથાણું, દહીં, ખીર અને શીરો મળ્યું. બન્ને ભાઈઓએ તો ધરાઈને ખાધું અને પછી ઉપર અગાસીએ ગયાં (જ્યાં કોઈ તેમને જોતું ન હોય) અને પેલા પૈસા ગણ્યાં. પુરા ૧૫૦૦ રૂપિયા હતાં.

તેઓ તો નજીકમાં જ કરીયાણાની દુકાને ગયા અને ૭૦૦ કિલો ચોખા અને મીઠાનાં ૧૦ પેકેટ લીધા. એક નાનકડાં ગાડામાં બધું કરિયાણું ભરીને ઘરે લઇને આવ્યા. બીજું કઈ નહિ તો, રઘુસ્વામીએ મને કહ્યું, કે તેઓ મીઠા વાળા ભાત તો થોડાં મહિના સુધી ખાઈને ગુજારો કરી શકે તેમ હતાં. ઘરનાં દરેક લોકોને આનંદ થઇ ગયો જાણે કે કોઈ લોટરી ન લાગી હોય. તેમની માંની આંખમાં કૃતજ્ઞતાનાં આંસુ આવી ગયા. તે રાતે કોઈ ભૂખે નહિ સુવે.

એક અઠવાડિયા પછી, રઘુસ્વામી અને તેમનાં ૧૦ વર્ષનાં મોટાબેન શાળામાંથી પોતાનો વર્ગ છોડીને ચીફ મેડીકલ ઓફિસર (CMO)ને મળવા ગયા – કે જે તેમનાં પિતાની અરજી મંજુર કરવાં માટેનાં અધિકારી હતાં. તેઓ ઓફીસની બહાર રાહ જોતા બેઠા અને આગ્રહ રાખ્યો કે પોતે તેમને મળ્યા સિવાય ત્યાંથી જશે નહિ. એક ભલા કારકુને તેમને અંદર જવા દીધા. તેઓ બંને તે અધિકારી સમક્ષ રડી પડ્યાં અને પોતાની આખી વાત કહી સંભળાવી. અધિકારીએ તુરંત જ ફાઈલ મંગાવી અને બદલી રદ કરવાની અરજી મંજુર કરી દીધી. તેમને છ મહિનાનો પગાર પણ બે જ કલાકમાં ચૂકવવાનો હુકમ કરી દીધો. તેમનાં પિતા બીજા જ દિવસે નોકરી પર હાજર થઇ ગયા અને સાંજે ઘરે છ મહિનાનો પગાર લઈને આવ્યા. એ પહેલાં કે ઘરમાં કરિયાણું ભરે કે ગીરવે મુકેલી જણસો છોડાવે કે વીજળીનું બીલ ભરે કે જેથી ઘરમાં અજવાળું થાય, તેમણે તે બધો પૈસો ઘરમાં આવેલાં પૂજાલયમાં મુક્યો અને પ્રાર્થના કરી. ત્યારબાદ રઘુસ્વામીને બોલાવીને તેમાંથી ૧૫૦૦ રૂપિયા આપ્યાં.

“જા અને આ પૈસા કોઈ મંદિરની દાનપેટીમાં મૂકી આવ,” તેમને અશ્રુભરી આંખે કહ્યું. “જયારે આપણને જરૂર હતી ત્યારે ભગવાને મદદ કરી હતી, હવે આપણે તે પાછું આપવું જોઈએ.”

મને જયારે પણ આ વાત યાદ આવી જાય ત્યારે મારું હૃદય ભરાઈ આવે છે. કોણ કહે છે કે શ્રદ્ધા કામ નથી આવતી? કૃપા થતાં વાર લાગી શકે છે પરંતુ તે ચોક્કસપણે આવે તો છે જ. આપણી દુનિયામાં ખરાબ લોકો હોઈ શકે છે કે જેઓ બીજાને દુઃખ પહોંચાડતા હોય કે નુકશાન કરતાં હોય પરંતુ એમાં સુંદર લોકો પણ છે કે જેઓ બીજાને મદદ કરવાં માટે કાયમ તૈયાર હોય. જે કોઈપણ સત્યવાન, ધૈર્યવાન અને શ્રદ્ધાવાન છે તેને કુદરત ક્યારેય નિરાશ નથી કરતુ. આવી વ્યક્તિને માટે માર્ગ કરવાં માટે સમગ્ર બ્રહ્માંડ સંમિલિત થઈને કામ કરે છે. તે તમને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે મેળવી આપતું હોય છે.

આ વાતનો સૌથી સુંદર ભાગ છે રઘુસ્વામીનાં પિતા પૈસા પાછા આપે છે તે. આ સત્ય અને નૈતિકતાનો સર્વશ્રેષ્ઠ નમુનો છે, કારણકે આ નરી પ્રામાણિકતા છે. કારણકે ઓક્સફર્ડ ડીક્ષનરી મુજબ પ્રમાણિકતાની વ્યાખ્યા છે: છેતરામણીથી મુક્ત, સત્ય અને પ્રમાણિકતા.

જે કોઈ પણ પ્રમાણિકતાભર્યું જીવન જીવે છે તે કૃપાનાં વર્તુળમાંથી ક્યારેય બહાર નથી રહી જતાં. તે વ્યક્તિ માટે કદાચ કાયમ બધું જ બરાબર નહિ રહેતું હોય, છતાં બધું પડી પણ નહિ ભાંગતું હોય. જો તમારા ઈરાદાઓ, શબ્દો અને કર્મો પ્રમાણિક હશે, તો હું વચન આપું છું કે તમારામાં એક દિવ્ય આભા ચમકી ઉઠશે. તમારી એક ઝલક લોકોને શાંતિ પ્રદાન કરશે.

કોઈ પણ રીતે, તમારા હૃદયને ઈર્ષ્યા, બળતરા કે લાલચથી બળવા દેવાં કરતાં તમારામાં સત્ય અને દયાનો અગ્નિ પ્રજ્જવલિત કરવો ક્યાંય વધુ ફાયદાકારક છે. તે તમામ મુસીબતોને બાળીને ભષ્મ કરી નાંખે છે.

પ્રામાણિક માણસનાં હૃદયમાં આનંદનો દીપ ખુબ જ તેજસ્વીપણે પ્રગટતો રહેતો હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook1Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone