કોઈએ મને અમુક અઠવાડિયા પહેલાં નીચેનો એક ઈ-મેઈલ મોકલ્યો હતો:
મારે તમને એ પૂછવું છે કે કોઈ આત્મરતિવાન (આત્મમોહી) સાથી સાથે કેવી રીતે રહેવું? તેમની સાથે આધ્યાત્મિક રીતે કેવી રીતે રહેવું? જયારે આપણે કોઈને આત્મરતિવાન કહીએ ત્યારે તેઓ તેવાં કેમ હોય છે? અને, આત્મરતિવાનનો ખરો અર્થ શું છે?
મને લાગે છે કે આ સવાલનો જવાબ આપવા માટે એક મનોચિકિત્સક એક ફિલસૂફ કરતાંવધારે તાલીમબદ્ધ હોય છે, છતાં મને આ અંગેનાં મારા વિચારો અત્રે રજુ કરતાં આનંદ થશે.
મેં એક વખત એક વાક્ય વાંચ્યું હતું, “મારા ઉપર મારું બોલવાનું હવે બસ બહુ થયું. હવે, ચાલ તને સાંભળીએ મારા વિશે બોલતાં.” આ એક આત્મરતિવાન વ્યક્તિનો સાર છે.
એક ગરમ હવા ભરેલા ફુગ્ગાનો વિચાર કરો કે જેનું કદ એક સ્પેશશીપ કરતાં પણ વધારે છે. એક આત્મરતિવાન વ્યક્તિનાં અહંમ આગળ તે એક નાના પરપોટાથી વધારે બીજું કશું જ નથી. એક આત્મરતિવાન વ્યક્તિમાં પોતાનાં વખાણની એક અતૃપ્ત ઈચ્છા અને સ્વ-મહત્વની એક સમજ ભરેલી હોય છે. (જો કે ઘણાં બધાં ઉપદેશકો, સ્વામીઓ, ધાર્મિક અને રાજકીય નેતાઓ પણ આ વર્ગમાં આવતાં હોય છે.) ભંગ થઇ ગયેલા સંબંધોમાં, કોઈ એક સાથી આત્મરતિવાનનાં લક્ષણોને ખુબ મજબુત રીતે પ્રદર્શિત કરતું હોય છે.
એક નદી ભગવાન અને એક અપ્સરાને ત્યાં જન્મેલ, નાર્સીસઝ મજબુત બાંધો ધરાવતો એક ખુબ જ દેખાવડો યુવાન હોય છે, જે એક શિકારી હોય છે. જે પોતાની સુંદરતાથી જ એટલો બધો મોહિત થઇ જાય છે કે તે પોતાને પ્રેમ કરતી વ્યક્તિઓનો પણ તિરસ્કાર કરે છે કેમ કે તેને લાગતું હોય છે પોતાને પ્રેમ કરવાને કોઈ લાયક પણ નથી. નેમેસીસ – દૈવી પ્રતિકાર અને બદલાની ગ્રીક દેવી, નાર્સીસીઝને એક પાણીનાં કુંડ સુધી લઇ જાય છે કે જ્યાં તે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જુવે છે અને તે પોતાનાં જ પ્રેમમાં પડી જાય છે. તે જીવન જીવવાની ઈચ્છા જ ગુમાવી દે છે કારણકે તેને લાગે છે કે પોતાનાં પ્રતિબિંબ જેટલું કોઈ સુંદર હોય તેવું ભાગ્યે જ કોઈ તેને મળી શકે તેમ છે. તે પોતે પોતાનાં પ્રતિબિંબને જોતાં-જોતાં જ મૃત્યુ પામે છે.
નાર્સીસીઝમ (સ્વયંમોહ)શબ્દ આ નાર્સીસીઝની દંતકથામાંથી આવેલો છે. તેનો મૂળભૂત અર્થ થાય છે પોતાની જાત સાથે એક અસાધારણ લગાવ હોવો.
તમે મને પૂછો છો કે આવા આત્મરતિવાન સાથી સાથે કેમ કરીને કામ લેવું. સત્ય તો એ છે કે તમે આવા સાથી સાથે ખરેખર કામ જ નથી લઇ શકતાં. તમે ફક્ત તમારી જાતની રક્ષા માટે પગલાં લઇ શકો. જો તમે આ સંબધમાં હજી ટકી રહ્યાં હોય તો સંભવ છે કે તમે ખુબ જ સંવેદનશીલ છો, ખુબ જ કાળજી કરનાર છો. તમે ખુબ જ સહન કર્યું છે, તમે ખુબ જ નરમ બનીને આશા રાખી રહ્યાં છો કે તમારા સાથી તમારો સ્વભાવ અને કર્મો જોઇને બદલાશે. તમે તમારા સાથીનાં સ્વભાવને અનુકુળ થઇને રહ્યાં કરો છો એવી આશાએ કે તે પોતાનાં હાવભાવ કે શબ્દો દ્વારા ગુસ્સે ન થઇ જાય કે તમને ફરીથી દુઃખ ન પહોંચાડે. સત્ય તો એ છે કે આ વ્યૂહરચના ખરેખર તો આત્મરતિવાન વ્યક્તિ સામે કામ જ નથી કરતી. તેઓ જેવાં છે તેવાં તમારા લીધે નથી. તેઓ સ્વયંથી ખુબ જ મોહિત થઇ ગયાં હોય છે.
એક આત્મરતિવાન વ્યક્તિ પોતાની વાત મનાવવામાં ખુબ જ ઉસ્તાદ હોય છે કેમ કે તેઓ બીજા પાસેથી અમુક ચોક્કસ વર્તન કેવી રીતે કરાવડાવવું તે ખુબ સારી પેઠે જાણતા હોય છે. આ એક રોગ તરીકે વર્ગીકૃત થવા છતાં પણ, હકીકતમાં, જયારે આત્મરતિવાન વ્યક્તિ સાથેનાં સંબંધની વાત આવતી હોય ત્યારે, આવી વ્યક્તિનાં સાથી (અને નહિ કે આત્મરતિવાન વ્યક્તિ પોતે) સૌથી વધારે સહન કરતાં હોય છે. જયારે બે આત્મરતિવાન વ્યક્તિઓ એક સંબંધને તાંતણે બંધાય છે ત્યારે તેમની વચ્ચે મોટેભાગે દરેક વસ્તુઓ માટે ખુબ જ મોટી દલીલો થતી રહે છે. બેમાંથી એકેય આલોચના સહન કરી શકતાં નથી. તેઓ એકબીજાને નીચા દેખાડવાની એક પણ તકને જતી કરતાં નથી. અને અંતે તેઓ કાં તો છુટા પડી જતાં હોય છે કાં તો એક જ છત નીચે રહેતી બે તદ્દન અજાણી વ્યક્તિઓની જેમ રહે છે.
પ્રસ્તુત છે આત્મરતિવાન વ્યક્તિનાં ચાર સ્પષ્ટ સંકેતો:
તેઓ સત્યને સહન નથી કરી શકતાં
તમારી ટીકા ગમે તેટલી સકારાત્મક કેમ ન હોય, તેને રજુ કરવાનો એક માત્ર માર્ગ છે તેમાં ખુબ જ ચાપલૂસી ભરીને કરો. જો કે, ત્યારબાદ પણ આત્મરતિવાનને તમારા કહેવામાં કોઈ રસ નથી હોતો. તેઓ અનિચ્છનીય રીતે, ગુસ્સાથી અરે હિંસકપણે પણ પ્રતિભાવ આપતાં હોય છે. એક આત્મરતિવાનનો શાંતિપૂર્વક સામનો કરવો લગભગ અસંભવ થઇ જાય છે. જો તમારી પાસે એવું સાથી હોય કે જેની સાથે સંવાદ કરવો ખુબ જ અઘરો થઇ જતો હોય, તો તમે એક આત્મરતિવાન સાથે રહી રહ્યાં છો.
તેઓ ક્યારેય ખોટા નથી હોતા
જો તમારે આત્મરતિવાન જીવનસાથી હોય, તો પછી તેમાં હંમેશાં તમારો જ વાંક દેખાવાનો. પૂર્ણવિરામ. જો તેની પોતાની બાબત સરખી નથી રહી શકતી, તો તે એટલાં માટે કે તમે અમુક ચોક્કસ વસ્તુઓ નથી કરી. જો તે ગુસ્સે થઇ જતાં હોય તો તેનો અર્થ છે તમે તેનું મૂડ ખરાબ કર્યું એટલાં માટે. જો તે દુઃખી હોય તો તેનું કારણ છે તમે તેને પુરતો પ્રેમ નથી આપતા. એક આત્મરતિવાન વ્યક્તિ તમને ગ્લાની અનુભવડાવે છે અને તેને પોતાને જે લાગણીનો અનુભવ થાય છે તેનાં માટે તમને જવાબદાર ઠેરવે છે. કોઈપણ રીતે, તે તમને એવું અનુભવડાવશે કે તમે જે કઈ પણ કરો છો તે પુરતું નથી.
તેઓ હંમેશાં પહેલાં આવે છે
આત્મરતિવાન વ્યક્તિમાં પોતાનાં સિવાય કોઈપણ પ્રત્યે સંવેદનશીલતાની એક સામાન્ય કમી હોય છે. તેમને પોતાને બફે ડીનરમાં પ્રથમ થાળી જાતે જ લઇ લેવામાં કોઈ અફસોસ નથી હોતો કે પછી પોતાને બારી આગળ બેસવા માટે તમને બાજુ પર બેસવાનું કહેવામાં કોઈ વાંધો નથી હોતો. કાં તો પછી તમારે તેમની પસંદનું રેસ્ટોરન્ટમાં ખાવું પડશે કે તેમની પસંદનાં સ્થળે વેકેશન ગાળવા માટે જવું પડશે. અમુક વખતે, તમને લાગશે કે તેઓને તમારી લાગણી, જરૂરિયાત, કે પ્રાથમિકતાનું કોઈ મહત્વ નથી. અને કદાચ તેમને નથી જ હોતું.
તેમનો માર્ગ કે પછી રાજમાર્ગ
એક આત્મરતિવાન વ્યક્તિ સાથે વચલો કોઈ માર્ગ ભાગ્યે જ હોઈ શકે છે. “બસ હું તો આવો કે આવી જ છું,” તમને આ શબ્દો ઘણી વાર સાંભળવા મળશે. કાં તો, “મારો ઉછેર તો આવી રીતે જ થયો છે.” અથવા, “તમે મને સમજતાં જ નથી, કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મને મદદ કરી શકે તેમ નથી,” વિગેરે. વિગેરે. એક પીડિત વ્યક્તિનો ભાગ ભજવીને તેઓ પોતાનું કામ કરાવી લે છે. મોટાભાગે, તેઓ આવું ઈરાદાપૂર્વક નથી કરતાં હોતા પણ અર્ધજાગૃતમનથી થઇ જતું હોય છે.
એક સંબધમાં જયારે કોઈ એક પાત્ર આત્મરતિવાન હોય ત્યારે તે સંબંધ એક ભંગ થઇ ગયેલો અને એક પીડિત સંબંધ હોય છે. આવા સંબંધમાં જે માનસિક ત્રાસ, તણાવ અને સંઘર્ષને તમે વેઠો છો તે ફક્ત તમને જ ખબર હોય છે. કારણકે, મોટાભાગે એક આત્મરતિવાન પોતાનાં સાથીને છોડીને આખી દુનિયાની ચાપલુસી અને મદદ કરનાર હોય છે. માટે, કોઈપણ બહારની વ્યક્તિ એ ક્યારેય નથી સમજી શકતી કે એક કાળજી કરનાર કે એક નરમ સાથી તરીકે, તમે શેમાંથી પસાર થઇ રહ્યાં છો.
મેં આઈઝેક આસીમોવ દ્વારા રચિત એક યહૂદી ટુંચકો વાંચ્યો હતો જેને થોડો બદલીને તમને કહું છું:
જયારે તમે કોઈ મુર્ખને કોઈ ટુંચકો કહો છો, ત્યારે તે ત્રણ વખત હસે છે. જયારે તમે તેને તે કહેતા હોવ છો ત્યારે, પછી જયારે તમે તેને સમજાવો છો ત્યારે, અને અંતે જયારે તે તેને સમજે ત્યારે.
જયારે તમે કોઈ જમીનદારને કોઈ ટુંચકો કહો છો, ત્યારે તે ફક્ત બે વાર જ હશે છે: એક જયારે તમે તેને તે કહેતા હોવાં છો ત્યારે, અને બીજી વાર જયારે તમે તેમને તે સમજાવો છો ત્યારે.
જયારે તમે એક મીલીટરી ઓફિસરને કોઈ ટુંચકો કહો, ત્યારે તે ફક્ત એક જ વખત હસે છે, જ્યારે તમે તેને કહો છો ત્યારે. તે તમને વિસ્તારપૂર્વક સમજાવવા નહિ દે, અને શક્યતા છે કે, તે તેને સમજશે પણ નહિ.
પણ જયારે તમે એક આત્મરતિવાન વ્યક્તિને કોઈ ટુંચકો કહેશો, ત્યારે તે તમને કહેશે કે તેને તે ટુંચકો પહેલાં સાંભળી લીધેલો છે, અને એમ કે તમે તને બિલકુલ ખોટી રીતે કહી રહ્યાં છો.
મેં કદાચ એવું ચિત્ર દોર્યું છે કે આત્મરતિવાન એ કોઈ દૈત્ય છે. તેઓ તેવાં નથી. કોઈ એવું નથી હોતું. તેઓ એક બરડ માનવ છે કે જેમના અહંકારી મુખવટા નીચે એક ઊંડી અસલામતી અને સંવેદનશીલતા રહેલાં હોય છે. આત્મરતિવાન વર્તન તેમનું એક આંતરિક તણાવની સાથે કામ લેવાનું માધ્યમ બની ગયેલું હોય છે, એક કોપિંગ મીકેનીઝમ.
જો તમે આત્મરતિવાન વ્યક્તિથી છુટા પડી શકો તેમ ન હોવ, તો પછી એક માત્ર બીજો માર્ગ બચે છે: તમે જે સ્વીકારી શકતાં હોવ તે સ્વીકારો અને તમારી જાતનું રક્ષણ કરતાં શીખો. જો તમે તેમ પણ ન કરી શકો તેમ હોવ, તો પછી તમે તમારી અંદર એક અનંત કરુણા, ધીરજ અને પ્રેમ વિકસાવો. આ છે એક આધ્યાત્મિક માર્ગ. તમારું જે સારાપણું છે તેને તમારા જીવનસાથીની વર્તણુંકથી વધારે ઊંચું લઇ જાવ. કોઈપણ સંજોગો કેમ ન હોય, તમે તમને જે શોભા આપે તેવો જ વ્યવહાર પસંદ કરો.
જેમ કે ગાંધીજીએ કહ્યું હતું, “હું કોઈને પણ તેનાં ગંદા પગ લઇને મારા મગજમાં નહિ ચાલવા દઉં.” કોઇપણને તેનાં વર્તન દ્વારા તમારું પોતાનું વર્તન બદલવા ન દેશો. તમે જે ખરેખર છો, તમારી સાશ્વતતા, તમારી આત્મા આ બધાંથી પરે છે. તમને કોઈ દુઃખ નથી પહોંચાડી શકતું, જ્યાં સુધી તમે કોઈને ત્યાં પહોંચવા દો નહિ, ત્યાં સુધી ત્યાં આગળ કોઈ નથી પહોંચી શકતું. તમે તેમને બદલી નથી શકતાં માટે પ્રેમનાં એક કંપનને તમારી અંદર સતત ચાલવા દો. દિવસને અંતે, તમે તમારો હાથ હૃદય ઉપર રાખીને કહી શકશો, “હું મારા ભલાઈનાં માર્ગેથી પથ્ચ્યુત થયો/થયી નથી.” અંતે બસ આટલું જ મહત્વનું છે. જેમ કે હોવું જોઈએ.
શાંતિ.
સ્વામી