સેવાનું સત્વ

એવી દંતકથા છે કે મેવાડના વીર રાજા, મહારાણા પ્રતાપ, એક વખત પોતાનાં નમ્ર સેવક સાથે બેઠા હોય છે. ૧૫૮૦નું વર્ષ હોય છે જયારે તેમણે મુઘલો સાથેના સતત ચાલતા સંઘર્ષને કારણે તેમની બધી સત્તા ગુમાવી દીધી હતી. જો કે પાંચ વર્ષ પછી, મહારાણાએ પોતાનું મોટાભાગનું સામ્રાજ્ય પાછુ મેળવી લીધું હતું, તેમ છતાં, હાલમાં તેઓ એક સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં અને પોતાનું સૈન્ય ઉભું કરી રહ્યાં. વિરોધીઓ અને અચોક્કસતા ભર્યા આ સમયમાં તેઓ બહુ કરકસર ભર્યું જીવન જીવી રહ્યાં હતા, ત્યારે એમની પ્રજામાંથી કોઈએ તેમના માટે બે કેરીઓ મોકલી.

તેમના સેવકે કેરીઓના આઠ કટકા કર્યા અને એક થાળીમાં મૂક્યાં. કેરી ખુબજ રસદાર, આકર્ષક, અને પાકી લાગતી હતી.

“ચાખીને કહે, કેવી લાગે છે,” મહારાણા પ્રતાપે કેરીનો પ્રથમ ટુકડો પોતાના સેવકને આપતાં કહ્યું
“હુકુમ,” થોડી ચાખીને કહ્યું, “આ તો ખુબ જ સ્વાદિષ્ટ છે!” અને તેને બીજો કટકો માંગ્યો.

થોડા આશ્ચર્ય સાથે, મહારાણાએ તેને બીજો કટકો પણ આપ્યો, જે તે એક ક્ષણમાં ખાઈ ગયો અને હજી બીજા કટકાની માંગણી કરી. રાજા તો તેના આ અસામાન્ય વ્યવહારથી અવાક થઇ ગયાં, પણ પોતાની આટલા વર્ષો સુધી સેવા કરનાર વ્યક્તિ પ્રત્યે કાળજી કરતા તેમને ફરી બીજો કટકો આપ્યો.

“મહેરબાની કરો,” તેને આજીજીપૂર્વક કહ્યું, “હું ભૂખેથી મરી રહ્યો છું. મને એ બાકી વધેલી બધી કેરી આપી દો, હું પછી જાતે જઈને તમારા માટે નવી કેરો તોડી લાવીશ.”

અને જરા પણ વાર લગાડયા વગર, એક પછી એક, તે સાત કટકા ખાઈ ગયો, અને રાજાના હાવભાવ રમુજ, દયા, અવિશ્વાસ અને છેવટે ધ્રુણામાં પલટાઈ ગયા.

“કૃતઘ્ની, લુચ્ચા!” મહારાણાએ ત્રાડ પાડી. “તું મારી સેવા કરવાને લાયક નથી.” અને એટલું કહ્યાં પછી કેરીનો છેલ્લો ટુકડો તેમને પોતાના મોઢામાં મુક્યો અને જેવો મુક્યો એવો જ બીજી ક્ષણે થુંકી કાઢ્યો.
“તું આ ખાટી અને કડવી કેરીને સ્વાદિષ્ટ કહે છે?” તેમને નવાઈ સાથે પૂછ્યું “આ તો એકદમ ખરાબ છે!”
“હુકુમ, માફી માંગું છું,” સેવકે કહ્યું. “વર્ષો સુધી, તમે મને અને મારા કુટુંબને ખવડાવ્યું છે. સુખ અને દુઃખમાં તમે અમને રક્ષણ આપ્યું છે. હું તમને બદલામાં કશું જ આપી શકું તેમ નથી, ઓછા નામે, હું તમને આ ખાટી કેરી ચાખતા રોકી રાખી શકું તેમ હતો.”

પ્રેમના બદલામાં પ્રેમની અપેક્ષા રાખવી સહજ છે. આપણા પ્રયત્નો તરફ કોઈ નજર કરે, આપણા કૌશલ્ય અને કાર્યની કોઈ કદર કરે તેવી ઈચ્છા રાખવી બિલકુલ સામાન્ય છે. લોકો જયારે ભલાઈ સાથે પ્રતિભાવ આપે ત્યારે મિત્રતા અને સંબંધો ખીલી ઉઠતાં હોય છે.

તેમ છતાં જોકે, સેવાનું સત્વ તો એક જુદી જ બાબત છે. સેવાની અંદર તમે બદલામાં કશું પણ મેળવવાની અપેક્ષા રાખતા નથી, સિવાય કે જેની તમે સેવા કરતાં હોય તેનું બધું સારું થાય એટલી જ માત્ર અપેક્ષા હોય છે.

સાચી સેવા માટે એક શુદ્ધ નિ:સ્વાર્થતાની જરૂર પડે છે, જે કદાચ પરોપકારથી પણ ઉપરની વાત છે, કારણકે સેવામાં, એવું કોઈ લક્ષ્ય નથી હોતું કે તમારી કોઈ નોંધ લે, કે પછી તમને કોઈ વિશેષ ગણવામાં આવે. ઉલટાનું, તમારું ધ્યેય તો ફક્ત એ જ હોય છે કે તમારા માટે જે સૌથી મહત્વનું છે તેના માટે તમારી પાસે જે કઈ પણ બધું છે તે સર્વસ્વ તેને સમર્પણ કરી દેવું. અને અહી એક વિરોધાભાસ રહેલો હોય છે, આપણા લક્ષ્ય માટે આપણે જેટલા પણ વધુ આપણી જાતને સમર્પી દઈએ, અને તે પણ આપણી કોઈ પ્રકારની કદર થશે કે નહિ તેની ચિંતા કર્યા વગર, ત્યારે આપણને વધુને વધુ સફળતા અને સંતોષ આ માર્ગે ચાલવાથી મળતો હોય છે.

ઘણી બધીવાર, લોકો મને પૂછતાં હોય છે કે સમર્પણ શું છે અને અમે કેવી રીતે કોઈ કારણ/વ્યક્તિને સમર્પણ કરી શકીએ? સેવા એ સમર્પણ છે. સમર્પણ વગર સાચી સેવા શક્ય નથી અને સેવા વિના સમર્પણ બહુ જલ્દી મૃત્યુ પામી જતું હોય છે. સમર્પણ એ હૃદયની એક એવી લાગણી છે કે જે આપણને જતું કરવાનું શીખવે છે. તે આપણને સહજ અને હળવા થવા માટે મદદરૂપ થાય છે. તે આપણને એ સમજાવે છે કે આપણા જીવનમાં જે પણ ચાલતું રહેલું છે તે બધાંની ઉપર કઈ આપણો કાબુ રાખવો જરૂરી નથી, અને આપણે રાખી પણ ન શકીએ. અને સેવા એ છે કે જે કઈ પણ આપણા હાથની વાત છે તેના માટે હૃદયપૂર્વક ખુપી જવું: જેમ કે આપણા કર્મો, શબ્દો અને આપણા માર્ગમાં જે પણ આવે તેના પ્રત્યેનો આપણો પોતાનો પ્રતિભાવ.

મોશે ક્રાન્ક The Hasidic Masters’ Guide to Management, માં એક સરસ મજાની વાર્તા કહે છે (જેનું વૃતાંત દરેક સંસ્કૃતિમાં જોવા મળે છે)

હું એક વખત ઉપર ગયો. પ્રથમ હું નર્ક જોવા માટે ગયો અને દ્રશ્ય એકદમ ભયાનક હતું. ઘણા બધાં ટેબલો ઉપર ભવ્ય ભોજનના થાળો ગોઠવેલા હતા, અને છતાં લોકો તેનીસામસામે બેઠેલાં હતા, તેમના ચહેરા ફિક્કા પડી ગયેલાં હતાં અને તેઓ દુર્બળ અને ભૂખથી પીડાતા હતાં. હું જેમ નજીક ગયો, તેમ મને તેમની સમસ્યા ઉપર ધ્યાન ગયું.

દરેકનાં હાથમાં ચમચી ભરેલી હતી, પણ તેમનાં બન્ને હાથ લાકડા સાથે સીધા રાખીને બાંધી દીધેલા હતા, જેથી કરીને તેઓ પોતાનો હાથ કોણીએથી વાળીને ભોજન પોતાના મુખ સુધી લાવી શકે તેમ નહોતા. આ બિચારા લોકોને પીડાથી બુમો પાડતા જોઇને મારું હૃદય પીગળી ગયું કેમ કે તેઓ ભોજન પોતાની આટલી નજીક હોવા છતાં ખાઈ નહોતા શકતાં.

પછી, હું સ્વર્ગની મુલાકાતે ગયો. મને અહી પણ એ જ વ્યવસ્થા જોઇને ખુબ જ નવાઈ લાગી – ભોજનના અનેક થાળ કતારબંધ ટેબલો ઉપર ગોઠવેલા હતા. પણ નર્કની સરખામણીમાં અહી લોકો એકબીજા સાથે સંતોષથી બેસીને વાતો કરી રહ્યાં હતા, ચોક્કસ તેઓ આ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઇને બેઠા હતા.

જેવો હું નજીક ગયો, તો મને એ જોઈને ખુબ જ નવાઈ લાગી, કે અહી પણ, દરેક વ્યક્તિનાં હાથ સાથે લાકડું બાંધીને સીધા રાખવામાં આવ્યા હતા જેનાં લીધે તેઓ પોતાનો હાથ કોણીથી વાળી શકે તેમ નહોતા. તો પછી, તેઓ કઈ રીતે ખાતા હતા?

જેવું મેં જોયું, કે એક માણસે ચમચી લઈને અને પોતાની સામે પડેલા ભોજનના થાળમાંથી ભોજન ઉપાડ્યું. અને ત્યારબાદ તેને પોતાનો હાથ સીધો રાખીને જ ટેબલની સામેની બાજુએ બેઠેલાં વ્યક્તિના મોઢામાં ભોજન મુક્યું! પોતાનાં તરફ આવી ભલાઈ જોઈને સામે વાળી વ્યક્તિએ તેનો આભાર માન્યો અને તેને પણ આ ભલાઈનો બદલો સામેવાળી વ્યક્તિને ખવડાવીને ચૂકવ્યો.

મને અચાનક સમજાઈ ગયું. સ્વર્ગ અને નર્કમાં દરેક સંજોગો અને શરતો એકસમાન જ હોય છે. સૌથી મોટો તફાવત લોકો એકબીજા સાથે કઈ રીતે વર્તે છે તેના ઉપર હોય છે.

હું આ સમાધાન લઈને દોડતો નર્ક તરફ ગયો જ્યાં આ ભૂખ્યા આત્માઓ ફસાઈ ગયાં હતા. મેં એક ભૂખ્યા વ્યક્તિના કાનમાં ધીમે રહીને કહ્યું, ‘તમારે ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારી ચમચી ભરીને સામે વાળાને ખવડાવો, અને તે પણ તમારી આ ભલાઈનો બદલો ચોક્કસપણે સામે તમને ખવડાવીને વાળશે.”
‘તું શું મને આ ધ્રુણા ઉપજે એવા વ્યક્તિનાં મોઢામાં કોળિયા ભરાવવાનું કહે છે?’ પેલા માણસે ગુસ્સા સાથે કહ્યું. ‘હું એને ખાવાનો આનંદ આપવા કરતા તો ભૂખે મરી જવાનું પસંદ કરીશ!’

જયારે આપણું ધ્યાન ફક્ત આપણી જ ચિંતા કરવાને બદલે આપણી આજુબાજુ રહેલા બીજા લોકોના જીવનમાં સુખ-શાંતિ આપવામાં અને આપણા કોઈ મોટા ધ્યેય માટે કાર્યરત રહેવામાં પરોવીશું, ત્યારે આપણી આંતરિક ભલાઈ છલકાઈને બહાર આવશે. ત્યારે આપણા માટે બધું શક્ય પણ બનશે.

સારી બાબતો થોડા સમયમાં જ મહાન બાબતો પણ બની જશે. સારા લોકો સમય સાથે મહાન પણ બની જશે. આ એક કુદરતી રીતે થતી પ્રગતિ છે. કારણકે, ભલાઈ એ નામ કમાવવા ઉપર કેન્દ્રિત નથી પરંતુ કોઈ તફાવત લાવવા ઉપર કેન્દ્રિત થયેલી હોય છે. અને તે જ વાત સેવા કરતી હોય છે: તેનાંથી કોઈ તફાવત આવતો હોય છે.

કોઈની કાળજી કરવાની અને સેવા કરવાની ક્ષમતા જ એક સામાન્ય માણસ અને એક જ્ઞાનવાન માણસ વચ્ચેનો તફાવત બની રહેતી હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on FacebookTweet about this on TwitterShare on LinkedInGoogle+Email to someone